અમદાવાદ: કેનેડાથી (Canada) ગેરકાયદેસર (Illegal) રીતે અમેરિકામાં (America) પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ લોકોના મોત (Death) થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે મૃત્યુ પામેલાઓમાં એક પરિવાર ભારતીય હોવાનું જાણવા મળ્યું હતું. હવે કેનેડા પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે આ પરિવાર ગુજરાતના (Gujarat) મહેસાણા (Mahesana) જિલ્લાના માણેકપુરા ગામનો હતો. મૃતકોમાં માત-પિતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ભારતીય પરિવાર સાથે અન્ય એક પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને ગુરૂવારે ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળ્યા હતા.
મહેસાણાના એક ગામનો ચૌધરી પરિવાર
ગુરૂવારે બે પરિવાર દ્વારા કેનેડાથી નદીના માર્ગે ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે લગભગ વાતાવરણ ખરાબ થઈ જતાં બોટ નદીમાં પલટી ગઈ હતી. કેનેડા પોલીસને શુક્રવારે નદી નજીક બે મૃતદેહ મળી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરતા પોલીસને જાણવા મળ્યું કે નદીમાં બોટ પલટી જવાથી એક ભારતીય પરિવાર સહિત 8 લોકો નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. કેનેડા પોલીસે ગતરોજ ભારતીય પરિવારની ઓળખ બહાર પાડી હતી. કેનેડા પોલીસે જે નામ જાહેર કર્યા છે તે મૃતકોમાં પ્રવીણભાઈ ચૌધરી (ઉં.50), તેમનો પુત્ર મીત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24)નો સમાવેશ થાય છે. આ પરિવાર મહેસાણા જિલ્લાના માણેકપુરા ગામનો હોવાનું જોણવા મળ્યું છે. આ સાથે જ અમેરિકાની એક્વેસ્ને મોહોકના પોલીસ વડાએ જણાવ્યું કે એક પરિવાર ભારતીય અને એક પરિવાર રોમાનિયન મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ખરાબ હવામાનના કારણે બોટ પલટી હોવાનું અનુમાન
મળતી માહિતી અનુસાર હેલિકોપ્ટરથી સર્ચ ચાલી રહ્યું હતું ત્યારે આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે જેમની બોટ છે તે વ્યક્તિ ગૂમ છે. તેથી તેની શોધખોળ ચાલી રહી છે અને જે બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમની પાસે કેનેડાના પાસપોર્ટ હતા. પોલીસે જણાવ્યું કે બુધવારે રાત્રે આ વિસ્તારમાં હવામાન ખરાબ હતું. બંને પરિવારો જે બોટમાં મુસાફરી કરી રહ્યા હતો તે બોટ ઘણી નાની હતી. તેથી હવામાન જ્યારે ખરાબ થયું, ભારે વરસાદ સાથે પવનના કારણે બોટ પલટી ગઈ હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે.
કેનેડિયન પોલીસે જણાવ્યું કે બુધવારે રાત્રે વાતાવરણ ખરાબ હતું. પોલીસ અધિકારી ઓ’બ્રાયને કહ્યું હતું કે વાવાઝોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે પાણી પર ઊતરવાનો એ સમય સારો ન હતો. પોલીસને તે રાત્રે લોકો તરફથી બે 911 કોલ મળ્યા હતા, જેમણે પાણીમાં ડૂબતા લોકોની બૂમો સાંભળી હતી. આ સાથે જ અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં કંઈપણ હોઈ શકે છે, તે એક ખામીયુક્ત બોટ હોઈ શકે છે અથવા તો તે માનવ ભૂલ પણ હોઈ શકે છે અને તે તપાસ બાદ નક્કી થશે. તમને જણાવી દઈએ કે નદીમાં પલટી ગયેલી બોટને નુકસાન થયું હોવાનું જોવા મળ્યું છે. ઓક્સના પરિવારે તેઓ લાપતા થયાની ફરિયાદ નોંધાવ્યા પછી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. બોટ એટલી નાની હતી કે 7-8 લોકોને પણ સુરક્ષિત રીતે પાણીમાં લઈ જઈ શકે તેમ નહોતી.