વેરાકુઈ ગામના ગભાણ ફળિયામાં રહેતા પ્રભુભાઈ ચેતનભાઇ ગામીત ખેતી સાથે પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સવારે આંગણામાં ભેંસ ન દેખાતાં તેમણે આજુબાજુ શોધખોળ કરી હતી. ખેતરના રસ્તામાંથી દોઢ કિલોમીટર સુધી ભેંસનાં ચાલવાનાં નિશાન દેખાતાં અંતે અહીંથી ભેંસોને કોઈ વાહનમાં ચઢાવી લઈ ગયા હોવાથી ભેંસની ચોરી થઈ ગઈ હોવાની માલૂમ પડ્યું હતું. તેમણે ગામની દૂધમંડળીનાં પ્રમુખને તેમજ સરપંચને આ વાતની જાણ કરી હતી.
ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, ગતરોજ કોઈક ભીખ માંગવાવાળા અજાણ્યા ઈસમે ગામમાં ઘરે ઘરે જઈ રેકી કરી હતી. જેથી તેમને ચોરી કરવા માટે સરળતા રહે. ખેડૂત પરિવારની ત્રણ ભેંસ ચોરો લઈ જતાં ભારે આઘાત લાગ્યો હતો અને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. ભેંસ ચોરતી આ ટોળકીને ઝડપી લેવામાં આવે એવી લોકમાંગ ઊઠી છે.
કુડસદમાં બકરાંચોરો કારમાં સાત બકરાં ભરી ફરાર
ગત મોડી રાત્રીના સાડા ત્રણ વાગ્યાના આસપાસ કીમ નજીક આવેલા કુડસદ ગામની સમૂહ વસાહત વિસ્તારમાં બકરાં ચોરો ત્રાટક્યા હતા. અબ્દુલભાઈ કીમથી કુડસદ જતા મુખ્ય માર્ગની બાજુમાં જ રહે છે અને બકરાં પાળે છે. પાંજરામાં રાખેલા દોઢ લાખથી વધુની કિંમતનાં ૭ બકરાંને તસ્કરો ઉઠાવી કારમાં ભરી ભાગી ગયા હતા. સવારે બકરાં ન મળતાં ફળિયામાં મૂકેલાં સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં મોડી રાત્રે કાર લઈને આવેલા ૪થી ૫ ઈસમ બકરાં પકડવા દોડી રહ્યાં હોય તેવું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. કીમ પોલીસે સીસીટીવીના આધારે બકરાચોરોને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.