SURAT

ભાજપની મહિલા નેતાના આપઘાત પાછળ કોર્પોરેટરની શું ભૂમિકા?, હજુ સુધી સુરત પોલીસ કેમ શોધી શકી નથી

સુરતઃ શહેર પોલીસ મર્ડર, ડ્રગ્સ, ગાંજાના કેસોમાં ઝડપી ડિટેક્શન કરવા માટે જાણીતી છે. શહેર પોલીસના બાહોશ અધિકારીઓ ડિટેક્શન કર્યા બાદ મીડિયા સમક્ષ ફોટા પડાવે છે. અઘરા અઘરા કેસ સુરત શહેર પોલીસ ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખે છે, પરંતુ દીપિકા પટેલના કેસમાં શહેર પોલીસ થોડી સુસ્ત જણાઈ રહી છે. ભાજપની મહિલા મોરચાના નેતા દીપિકા પટેલના આપઘાતના કેસમાં ચાર દિવસ બાદ પણ કોઈ નક્કર માહિતી પોલીસને મળી નથી.

  • ડિટેક્શનનો જોરદાર રેકોર્ડ ધરાવતી સુરત પોલીસ દીપિકા પટેલના કેસમાં ક્યાં અટવાઈ?

ભાજપની મહિલા મોરચાના નેતા દીપિકા પટેલના આપઘાતના ચાર દિવસ બાદ પણ પોલીસે આપઘાતનું કારણ જાણી શકી નથી. આ સત્ય આશ્ચર્ય પમાડનારું છે. ઘટના પહેલાં દિવસથી જ ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકી શંકાના દાયરામાં છે. એક વખત સોલંકીની પૂછપરછ પોલીસે કરી છે. દરમિયાન આજે ફરી એકવાર ચિરાગ સોલંકીની અલથાણ પોલીસ સ્ટેશનમાં અઢી કલાક સુધી પોલીસે પૂછપરછ કરી છે. આ પૂછપરછની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.

પૂછપરછ બાદ જ્યારે ચિરાગ સોલંકી પોલીસ સ્ટેશનથી જઈ રહ્યો હતો ત્યારે મીડિયા તેને ઘેરી વળ્યું હતું. પરંતુ ચિરાગે મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. તે કારમાં બેસી જતો રહ્યો હતો.

પીઆઈ રબારીને તપાસ સોંપાઈ
આ હાઈપ્રોફાઈલ કેસમાં આજે બીજી વખત ચિરાગ સોલંકીની અઢી કલાક સુધી અલથાણ પોલીસ સ્ટેશનમાં મેરેથોન પૂછપરછ કરાઈ છે. દીપિકા સાથે ચિરાગ સોલંકી કલાકો વાત કરતો હોવાની વિગતો સામે આવી છે. હવે આ કેસ ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારીને સોંપાયો છે. આજે રબારીએ જ ચિરાગની પૂછપરછ કરી હતી.

ચિરાગ સોલંકી સામે શંકા કેમ?
ભાજપના વોર્ડ નં. 30ની મહિલા પ્રમુખ દીપિકા પટેલે ગઈ 1 ડિસેમ્બરને રવિવારના રોજ પોતાના અલથાણ ખાતેના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં છેલ્લીવાર દીપિકા પટેલે કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે ફોન પર વાત કરી હતી. સૌથી પહેલાં દીપિકાની ડેડબોડી ચિરાગે જોઈ હતી.

દીપિકાના પરિવારજનોની ગેરહાજરીમાં ચિરાગે ડેડબોડી ઉતારી હતી. ઘટનાના સમયે વખતે દીપિકાના ઘરે પહોંચેલો ચિરાગ સોલંકી સર્જિકલ ગ્લોવઝ પહેર્યા હતા, જે દીપિકાના ઘરની બહારના સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ થયું છે. ચિરાગ પોતે દીપિકા સાથે દિવસોમાં 15થી વધુ વખત ફોન પર વાત કરતો હતો. આ બધી બાબતોના લીધે ચિરાગ શંકાના દાયરામાં છે.

ચિરાગ પર શંકાના આ છે કારણો…

  • દીપિકાએ આપઘાત કરતી હોવાનો ફોન ચિરાગને કેમ કર્યો
  • ગણતરીની મિનિટોમાં દીપિકાના ઘરે ચિરાગ કેવી રીતે પહોંચી ગયો
  • ચિરાગ સર્જિકલ ગ્લોવ્ઝ પહેરીને કેમ દીપિકાના ઘરે ગયો, શું તે પહેલેથી જાણતો હતો કે દીપિકા મરી ચૂકી છે
  • સિવિલમાં પહોંચ્યા બાદ ચિરાગે સર્જિકલ ગ્લોવ્ઝ કેમ ફેંકી દીધા
  • પોલીસને જાણ કર્યા વિના ચિરાગે ડેડબોડી કેમ ઉતારી, તેનો દુપટ્ટો કેમ કબાટમાં મુકી દીધો
  • બંને વચ્ચે દિવસમાં 30-35 કોલ કેમ થતા હતા.
  • દીપિકાનો ફોન કેમ લોક થઈ ગયો

તે દિવસે શું થયું હતું

ઘટનાના દિવસે બપોરે દીપિકાએ કોલ કરી પોતે ટેન્શમાં છે અને આપઘાત કરી રહી છે એવું ચિરાગને કહ્યું હતું. ત્યાર બાદ ચિરાગે દીપિકાને સાતેક કોલ કર્યા હતા. જોકે, દીપિકાએ રિસિવ કર્યા નહોતા. તેથી ચિરાગે દીપિકાના મોટા દીકરા પ્રેમને ફોન કરી મમ્મી શું કરે છે તે અંગે તપાસ કરવા સૂચના આપી હતી. પ્રેમે ફોન પર જ ચિરાગને કહ્યું કે મમ્મીએ રૂમ અંદરથી બંધ કર્યો છે અને ખોલતી નથી. તેથી ચિરાગ તાત્કાલિક દીપિકાના ઘરે પહોંચ્યો હતો.

બપોરના 2 વાગ્યા આસપાસ દીપિકા અને તેમના સંતાનો ઘરે હાજર હતા. દીપિકાએ પોતાને રૂમમાં બંધ કરી દીધી હતી. દીપિકાએ દરવાજો અંદરથી બંધ કર્યો હોય તોડીને ચિરાગ અંદર ગયો હતો. અંદર દીપિકાએ દુપટ્ટાથી ફાંસો ખાઈ લીધો હતો. તે લટકી રહી હતી. ચિરાગે દીપિકાને ઉતારી હતી. દુપટ્ટો કબાટમાં ુક્યો હતો. ડોક્ટર આકાશને બોલાવ્યા હતા. અન્ય એક ડોક્ટર સુનિલને બોલાવ્યા હતા. દરમિયાન ઘરના મુખ્ય દરવાજાને લોક કરી દેવાયો હતો.

ઘટનાના અડધો કલાક બાદ દીપિકાનો ભત્રીજો ઘરે આવ્યો હતો. દીપિકાએ આપઘાત કર્યાની પરિવાર સહિત આસપાસ લોકોને જાણ કરાઈ હતી. દીપિકાને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી.

Most Popular

To Top