કોલકાતા: હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા-પાઠ હોય કે તીજ-તહેવાર હોય ત્યારે ભગવાનને લગાવતો ભોગ સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય રીતે ભગવાનને મીઠાઈઓ, શીરો, દહીં, ફળો અથવા કોઈ ખાસ વાનગીનો ભોગ લગાવાય છે પરંતુ શું તમે ક્યારેય ભગવાનના મંદિરમાં ચાઈનીઝ ફૂડનો ભોગ લગાવતા જોયો છે? આ મા કાળીના મંદિરમાં માતાને નૂડલ્સનો ભોગ ચઢાવવામાં આવે છે. કહેવાય છે કે આ મંદિર ચીનના લોકોએ બનાવ્યું હતું.
અહીં ચીનીઓ કરે છે માતાની આરાધના…
ભારતમાં આવા ઘણા ધાર્મિક સ્થાનો છે, તેમની સાથે જોડાયેલી રસપ્રદ બાબતો તેમને તદ્દન અલગ બનાવે છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક એવું મંદિર છે જેને ચાઈનીઝ કાળી મંદિર કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે અહીં નૂડલ્સ સાથેનો પ્રસાદ આપવામાં આવે છે. આ મંદિરની જાળવણી અહીં હાજર ચીની સમુદાય કરે છે. કોલકાતા (Kolkata)ના ટેંગરામાં આવેલ ચાઈનીઝ કાળી બારી ભારતના ‘ચાઈનાટાઉન’ તરીકે ઓળખાય છે. અહીંના રહેવાસીઓ મોટેભાગે બૌદ્ધ અને ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે.
શું છે આ અદ્દભૂત મંદિરનો ઇતિહાસ?
કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ વર્ષ 1998માં થયું હતું. આ મંદિર કોલકાતાથી લગભગ 12 કિલોમીટર દૂર ટેંગરા શહેરમાં છે.અહીં મોટા ભાગના ચાઈનીઝ લોકો રહે છે, તેથી આ સ્થળ ‘ચાઈના ટાઉન’ તરીકે પ્રખ્યાત છે.
ભક્તોને મળે છે નૂડલ્સનો પ્રસાદ…
અહીંના લોકો કહે છે કે, શરૂઆતમાં જે જગ્યાએ ચાઈનીઝ સમુદાય એક ઝાડ નીચે મા દુર્ગાના રૂપમાં કાળીની પૂજા કરવા માટે એકત્ર થતો હતો એજ જગ્યાએ આજે આ પ્રખ્યાત મંદિર છે. આ મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે નૂડલ્સ આપવામાં આવે છે.
આ છે મંદિરની પ્રચલિત દંતકથા…
એક દંતકથા અનુસાર લગભગ 60 વર્ષ પહેલા એક ઝાડ નીચે કેટલાક કાળા પથ્થરો રાખવામાં આવ્યા હતા, જેને લોકો દેવીના પ્રતીક તરીકે પૂજતા હતા. કહેવાય છે કે એક દિવસ ચીનનો છોકરો બીમાર પડ્યો. ઘણા પ્રયત્નો પછી પણ તેની બીમારી દૂર થતી ન હતી. ત્યારબાદ બીમાર છોકરાના પરિવારે ઝાડ નીચે રહેલી માતાની પૂજા શરૂ કરી અને છોકરો સાજો થયો. જે બાદ તમામ ચીની લોકોને દેવીની શક્તિઓ પર વિશ્વાસ થયો. થોડા સમય પછી કેટલાક ચીનીઓ એ ત્યાં મંદિર બનાવ્યું. જે ચીની કાળી મંદિર તરીકે ઓળખાય છે.
મંદિરમાં સળગાવાય છે કાગળ
આ મંદિરમાં આવનારા ભક્તો મંદિરની અંદર હાથથી બનાવેલ કાગળને બાળે છે. એવું માનવામાં આવે છે કે આ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને દુષ્ટ આત્માઓ તેમનાથી દૂર રહે છે સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.