વિશ્વના ઓછામાં ઓછા ૫૩ દેશો એવા છે કે જેઓ ચીની રસીઓનો ઉપયોગ પોતાના દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકરણ માટે કરી રહ્યા છે અને નિષ્ણાતોએ આ અંગે ચેતવણી આપી છે કે આ દેશો પોતાને ત્યાં રોગચાળો ફરી માથું ઉંચકે તેવા જોખમે આવું કરી રહ્યા છે કારણ કે ચીની રસીઓ વાયરસ સામે રક્ષણ આપવા પુરતી સક્ષમ નથી.
ગયા સપ્તાહના અંતે ચીને પોતે એક જવલ્લે જ બને તેવી ઘટનામાં કબૂલાત કરી હતી કે તેની રસીઓની અસરકારકતા ઓછી છે. ચીની રસીઓ સસ્તી છે અને તેમનો સંગ્રહ કરવાનું સરળ છે આને કારણે જેમની પાસે રસીઓના જથ્થાનો અતિ નીચા તાપમાને સંગ્રહ કરવા માટે પુરતા સાધનો નથી.
જેમણે ચીની રસીઓનો ઓર્ડર આપ્યો છે તે દેશોમાં મુખ્યત્વે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે. આમાંથી એક દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાંથી તો અહેવાલ આવી પણ ગયા છે કે તેની પા ભાગની વસ્તીનું રસીકરણ થઇ ગયું હોવા છતાં અને ૪૦ ટકા લોકોને સિંગલ ડોઝ અપાઇ ગયો હોવા છતાં મધ્ય ફેબ્રુઆરીથી ત્યાં ચેપનો દર બમણો થઇ ગયો છે.
દક્ષિણ અમેરિકન દેશો મોટે ભાગે ચીની ફાર્મા જાયન્ટ કંપની સીનોવેક દ્વારા ઉત્પાદિત કોરોનાવેક રસી વાપરે છે. આ રસીનો અભ્યાસ કરતા જણાયું છે કે તેનો પ્રથમ ડોઝ અપાયા બાદ તેની અસરકારકતા માત્ર ૩ ટકા જ જણાઇ છે જ્યારે બીજો ડોઝ અપાયા બાદ તેની અસરકારકતા પ૬.પ ટકા પર પહોંચે છે.
બ્રાઝિલમાં થયેલો અન્ય એક અભ્યાસ સૂચવે છે કે આ રસીની અસરકારકતા માત્ર પ૦ ટકા જેટલી જ રહી શકે છે. ચીનની બીજી રસી તેની સીનોફાર્મ કંપનીની છે જેની અસરકારકતા અલબત્ત, કોરોનાવેક કરતા સારી છે. લક્ષણવાળા રોગ સામે તે લગભગ ૭૩ ટકા રક્ષણ આપતી જણાઇ છે. આ રસીઓની સામે ફાઇઝર અને મોડેર્નાની રસીઓની અસરકારકતા અનુક્રમે ૯પ અને ૯૪ ટકા તથા ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીની અસરકારકતા ૭૯ ટકા જણાઇ છે.