ચીન એ એક એવો દેશ છે જે સતત કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે કે પછી તેના પાડોશી દેશો માટે ચિંતાઓ ઉભી કરે છે. હાલમાં ચીન તેના તિબેટ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધવાની યોજના બનાવી રહ્યું છે અને આ બંધાવા જઇ રહેલા બંધને કારણે ભારત અને બાંગ્લાદેશમાં ચિંતા સર્જાઇ છે. બ્રહ્મપુત્ર નદી ચીનમાંથી નિકળીને ભારત અને બાંગ્લાદેશમાં થઇને વહે છે. ચીન જો આ વિશાળ બંધ બ્રહ્મપુત્રા નદી પર બાંધે તો આ નદીનો જળપ્રવાહ ઘટી જવાનો, ઉપરવાસમાં વધારે વરસાદના સમયે તેમાંથી મોટા પાયે પાણી છોડવાનો અને તેને કારણે આ બંને દેશોના બ્રહ્મપુત્રાના મેદાની પ્રદેશોમાં પૂર આવવાનો વગેરે ભય રહે છે.
અને સૌથી ભયંકર તો આ મહાકાય બંધ તૂટે તો નીચાણવાળા ભાગોમાં કેવા ભયાવહ સંજોગો સર્જાય તેની ચિંતા રહે છે. જો કે ભારત અને બાંગ્લાદેશમાં સર્જાયેલી ચિંતાઓનું નિરાકરણ કરવાના પ્રયાસમાં ચીને કહ્યું છે કે આ બંધ નીચાણવાળા વિસ્તારો ધરાવતા દેશો પર કોઇ નકારાત્મક અસર કરશે નહીં. પોતે આ બંધને લગતી સુરક્ષાની બાબતમાં પુરતો અભ્યાસ કર્યો હોવાનો દાવો ચીને કર્યો છે, જો કે તેના દાવા પર કેટલી હદે વિશ્વાસ કરવો તે એક પ્રશ્ન છે.
તિબેટમાં જે યરલંગ ઝામ્બો તરીકે ઓળખાય છે તે બ્રહ્મપુત્રા નદી પર જંગી બંધ બાંધવા માટેનો અંદાજિત ખર્ચ ૧૩૭ અબજ ડોલર છે અને આ બંધ પર્યાવરણની દષ્ટિએ નાજુક એવા હિમાલયન પ્રદેશમાં બાંધવામાં આવી રહ્યો છે, જ્યાં ટેકટોનિક પ્લેટોની સરહદો છે અને વારંવાર ધરતીકંપો થતા રહે છે. આ બંધને લગતા જોખમ બાબતે ચીને કહ્યું છે કે સુરક્ષાના મુદ્દાઓ દાયકાઓના અભ્યાસ વડે હાથ ધરવામાં આવ્યા છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા માઓ નિંગે આ મહાકાય બંધ અંગેની શંકાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે સંભવિત જોખમોની બાબતમાં દાયકાઓ સુધી અભ્યાસ કરવામાં આવ્યો છે અને સલામતીના પગલાઓ લેવામાં આવ્યા છે.
ચીન સરહદ પારની નદીઓના વિકાસ બાબતે હંમેશા જવાબદારીપૂર્ણ રહ્યું છે એમ માઓએ એક મીડિયા બ્રીફિંગમાં બંધને લગતી ચિંતાઓની બાબતના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. આ બંધ હિમાલયના વિસ્તારમાં એક મોટી ખીણ પર બાંધવામાં આવશે. તિબેટમાં જ્યાં બ્રહ્મપુત્રા નદી મોટો યુ-ટર્ન લે છે અને ત્યાંથી ભારતના અરૂણાચલ પ્રદેશમાં અને ત્યારબાદ બાંગ્લાદેશમાં વહે છે. માઓએ જણાવ્યું હતું કે યરલંગ ઝાગ્બો નદીના નીચાણવાળા વિસ્તારમાં ચીનનો હાઇડ્રોપાવર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હવામાન પરિવર્તન અને તીવ્ર જળ દુર્ઘટનાઓને જવાબ તરીકે સ્વચ્છ ઉર્જાના વિકાસને વેગ આપવાનો હેતુ ધરાવે છે.
કોલસા કે ડીઝલ જેવા ઇંધણો વડે ચાલતા વિજ મથકો પ્રદૂષણ કરે છે અને અણુ વિદ્યુત અને હાઇડ્રો પાવર એટલે કે જળ પ્રવાહથી ડાયનેમો ચલાવીને વિજળી ઉત્પન્ન કરવાનો વિકલ્પ એ સ્વચ્છ ઉર્જાના સૌથી સ્વીકાર્ય વિકલ્પોમાં સમાવિષ્ટ છે. આમાં પણ અણુ વિદ્યુતથી પ્રદૂષણ ભલે નહીં થતું હોય પણ ક્યારેક અકસ્માત વખતે કિરણોત્સર્ગ અને તેના પરિણામે સર્જાનાર ભયંકર પરિણામોનો ભય રહે છે, પવન ચક્કી કે સૌર ઉર્જા જેવા વિકલ્પો હજી બહુ મોટા પાયે વિજળી આપી શકતા નથી આથી જળ વિધુત મથકો એ સૌથી સારો વિકલ્પ રહે છે. જો ચીન આ બાબતમાં આગળ વધતું હોય તો સારી વાત છે પરંતુ બંધની જગ્યા એક ચિંતાનો વિષય છે.
ચીને દોઢ અબજ ડોલરના ખર્ચે તિબેટમાં ઝામ હાઇડ્રોપારવ સ્ટેશન તો કાર્યરત કરી જ દીધું છે જે તિબેટનું અત્યાર સુધીનુ સૌથી મોટું જળ વિદ્યુત મથક છે. હવે ચીનની સરકારે આ બીજા મહાકાય પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ભારત માટે આ બંધ ખાસ ચિંતાનો વિષય એટલા માટે છે કે આ બંધથી ચીનને બ્રહ્મપુત્રા નદીના જળ પ્રવાહ પર મોટા પાયે કાબૂ મળી શકે છે અને અદકપાંસળી ચીન તો શત્રુતાના સમયે મોટા પ્રમાણમાં જળ પ્રવાહ છોડીને ભારતમાં પૂર સર્જવાનો પ્રયાસ કરવાની હદે પણ જઇ શકે છે.
આમ પણ મોટા બંધો બહુ ઇચ્છનીય ગણાતા નથી. મોટા ધરતીકંપ જેવા સંજોગોમાં તે જોખમી પુરવાર થાય છે. જો કે વધેલી વસ્તી જેવા કારણોસર જળબંધો સિંચાઇ, પૂર નિયંત્રણ, જળ વિદ્યુત વગેરે માટે અનિવાર્ય જેવા બની ગયા છે. જો કે આ બંધ બાંધવાની જગ્યાની યોગ્ય પસંદગી થવી જોઇએ. ચીને જે જગ્યા વિશ્વના સૌથી મોટા બંધ માટે પસંદ કરી છે તે ભૂકંપની રીતે જોખમી વિસ્તાર છે. ચીન કહે છે કે પુરતો અભ્યાસ કરવામાં આવ્યો છે અને સુરક્ષાના મુદ્દાને હાથ ધરવામાં આવ્યો છે, તેની આ વાત સાચી હોય તો સારું. આ બંધે ભારત માટે એક નવી ચિંતા ઉભી કરી દીધી છે તે ચોક્કસ છે.