Editorial

ચીનનું દુખે છે પેટ અને કૂટે છે માથું, ફરી પાકિસ્તાનની તરફેણ કરી

ભારત આ વખતે G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને તેને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડાઈ રહી નથી. આ દરમિયાન ભારત કાશ્મીરના શ્રીનગરમાં 22 થી 14 મે દરમિયાન જી-20 બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. ભારતની આ ઘટનાથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીન વિવાદિત ક્ષેત્ર પર કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં હાજરી આપીશું નહીં.ચીન પાકિસ્તાનનું નજીકનું સાથી છે.

આ પહેલા પાકિસ્તાને શ્રીનગરમાં યોજાનારી બેઠક પર પણ કહ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. જમ્મુ અને કાશ્મીર પર પોતાનો ગેરકાયદેસર કબજો જાળવી રાખવા માટે ભારતનું બેજવાબદાર પગલું છે. આ સ્થિતિ વચ્ચે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ચીન વિવાદિત ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં હાજરી આપીશું નહીં.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને ભારત પ્રશાસિત કાશ્મીરમાં યોજાનારી G20 બેઠકો અને કાર્યક્રમોના બહિષ્કારના અહેવાલો પર આ ટિપ્પણી કરી હતી. આ પહેલા પાકિસ્તાન પણ આ બેઠક માટે વિરોધ નોંધાવી ચૂક્યું છે. જો કે, પાકિસ્તાન તો તેના બદઇરાદા માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે પરંતુ ચીન પેટ ચોળીને શૂળ ઊભું કરે છે. દુખે છે પેટ અને કૂટે છે માથું આ કહેવત ચીન માટે કહીએ તો તે જરા પણ ખોટું નથી. છેલ્લા કેટલાક વર્ષોથી ભારત તેની વિદેશ નીતિના કારણે વિશ્વભરમાં નામના મેળવી રહ્યું છે.

ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે પણ નોર્થ ઇસ્ટ દેશોને ભારત હવે ટક્કર આપી રહ્યું છે. લડાખ અને અરૂણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોની ઘૂસણખોરીને ભારત અગાઉ જડબાતોડ જવાબ આપી ચૂક્યુ છે આ બધી બાબતોથી ચીન સમસમી રહ્યું છે પરંતુ ભારત પર સીધો વાર કરવાની સ્થિતિમાં તે નથી એટલે આડકતરી રીતે તે હવનમાં હાડકાં નાંખવાનું કામ કરી રહ્યું છે. જો કે, આ પહેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે કહ્યું કે શ્રીનગરમાં G-20 મીટિંગ જમ્મુ અને કાશ્મીર માટે તેની સાચી ક્ષમતા બતાવવાની એક શ્રેષ્ઠ તક છે.

સિંહે કહ્યું કે શ્રીનગરમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય ઘટના દેશ અને દુનિયાને સકારાત્મક સંદેશ આપશે. આ પહેલા પણ પાકિસ્તાન અને ચીને ભૂતકાળમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર વિશે અનિચ્છનીય ટિપ્પણીઓ કરી છે. જમ્મુ-કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના નિવેદનોને ભારત પહેલા જ નકારી ચૂક્યું છે.પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ત્રણ વર્ષથી મડાગાંઠ ચાલી રહી છે. જૂન 2020 માં, પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભીષણ અથડામણને પગલે દ્વિપક્ષીય સંબંધો ગંભીર તણાવમાં આવ્યા હતા.

ભારતે કહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારમાં શાંતિ નહીં આવે ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે. તો જી7 મીટમાં હાજરી આપવા ગયેલા દેશના વડાપ્રધાને ત્યાં કહ્યું હતું કે, ભારત પોતાની સાર્વભૌમત્વ અને ગરિમાની રક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર અને પ્રતિબદ્ધ છે. ચીન સાથેના સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને શાંતિ જરૂરી છે. ભારત-ચીન સંબંધોનો ભાવિ વિકાસ માત્ર પરસ્પર આદર, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતો પર આધારિત હોઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સંબંધો સામાન્ય થવાથી વ્યાપક ક્ષેત્ર અને વિશ્વને ફાયદો થશે. પાકિસ્તાન અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન માટે આતંકવાદ અને દુશ્મનાવટ મુક્ત વાતાવરણનું નિર્માણ કરવું જરૂરી છે.

આ અંગે જરૂરી પગલાં ભરવાની જવાબદારી હવે પાકિસ્તાનની છે. ભારત દરેક સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે પરંતુ તે હંમેશા શાંતિ ઇચ્છે છે પરંતુ ચીન ભારતને ઉશ્કેરવાની એક પણ તક ચૂકતું નથી. આજ કારણસર હવે પાકિસ્તાનની જેમ ચીન પણ પીઓકે અને કાશ્મીરનો રાગ આલાપવા લાગ્યું છે. જો કે આ બાબતથી ભારતને કોઇ ફેર પડતો નથી પરંતુ જો એક વાર દેશના લોકો સસ્તાની લાલચ છોડીને ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર શરૂ કરી દે તો ચીનની શાન આપોઆપ ઠેકાણે આવી જાય તેમ છે કારણ કે દુનિયાના કોઇ પણ દેશ માટે ભારત એ મોટુ માર્કેટ છે.

Most Popular

To Top