નવી દિલ્હી: રમઝાન મહિનો (The month of Ramazan) શરૂ થઈ ગયો છે. મુસ્લિમ સમુદાયના આ મહિના માટે તેમજ તેની ઉજવણી માટે યુએસ પ્રમુખ જો બિડેન, યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગન સહિત ઘણા વૈશ્વિક નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. પરંતુ બીજી તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે (Xi Jinping) પોતાન દેશ ચીનમાં અલગ વલણ અપનાવ્યું છે. તેઓએ રમઝાન મહિનામાં મુસ્લિમોનું ‘ચીનીકરણ’ (Chinikaran) કરવાનું શરૂ કર્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિનજિયાંગ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ઉઇગુર મુસ્લિમો અને ચીનમાં તુર્કિક મુસ્લિમો હોવા છતાં જિનપિંગે રમઝાનની અવગણના કરી છે. તેમજ આ વલણનું એક કારણ ત્યાંના મુસ્લિમો પ્રત્યે ચીન સરકારનું વલણ હોવાનું માનવામાં આવે છે. ચીનના સત્તાધારીઓએ તાજેતરના દાયકાઓમાં શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમો ઉપર સતત ક્રેકડાઉન કર્યું છે. ચીન હંમેશા ઉઇગુર મુસ્લિમો પર ધાર્મિક ઉગ્રવાદ અને અલગતાવાદનો આરોપ લગાવતું રહ્યું છે. તેમજ ચીન સરકાર ઉઇગરોના ચીનીકરણ પર ભાર મૂકતી રહી છે.
રમઝાન દરમિયાન મુસ્લિમો વિરુદ્ધ કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી
એક અહેલાવ મુજબ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સેક્રેટરી મા ઝિંગરુઈએ શિનજિયાંગમાં ઈસ્લામના ચીનીકરણની અનિવાર્યતા ઉપર ચર્ચા કર્યાના એક અઠવાડિયાની અંદર જ રમઝાન મહિનો શરૂ થયો હતો. તેમજ ઉઇગુર અધિકાર સંગઠનોએ રમઝાન દરમિયાન મુસ્લિમો પર સંભવિત ક્રેકડાઉન અંગે ચિંતા વ્યક્ત કરી છે. 7 માર્ચે બેઇજિંગમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં એવું કહેવામાં આવ્યું હતું કે શિનજિયાંગમાં ઇસ્લામના ચીનીકરણની જરૂર છે.
ચીન 2017થી આક્રમક બન્યું છે
2017 થી ચીનમાં ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર વધ્યા છે. ચીને 2017થી મોટી કાર્યવાહી કરીને ‘ધાર્મિક ઉગ્રવાદ’ને ખતમ કરવાનો પ્રયાસ કરવાનો દાવો કર્યો છે. જેના કારણે ઉઇગર મુસ્લિમોની ઘણી ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ આવા મુસ્લિમો કે જે પોતાની ધાર્મિક વિધિઓનું પાલન કરે છે તેમની મોટી સંખ્યામાં ધરપકડ પણ કરવામાં આવી છે. ચીનના અધિકારીઓ પર શિનજિયાંગમાં મસ્જિદો તોડી પાડવાનો પણ આરોપ છે. આ સાથે જ 2023 માં ચીની સત્તાધારીઓએ પ્રદેશના ઘણા ભાગોમાં ઉઇગરોને ઇદ દરમિયાન મસ્જિદોમાં અને તેમના ઘરોમાં પ્રાર્થના કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.