ચીનમાં સોમવારે એક મહત્વની નાણાકીય પરિષદ શરૂ થઇ. આમ તો આવી બેઠક ચીનમાં દાયકામાં બે વખત જેવી યોજાય જ છે પરંતુ આ વખતની આ બેઠકમાં ચીની નેતાઓ, અર્થશાસ્ત્રીઓ અને અધિકારીઓ વધુ ગંભીર ચર્ચાઓ કરવી પડે તેમ જણાતું હતું. ચીનના નેતાઓ બૈજિંગમાં શરૂ થયેલ આ બેઠકમાં ચીનના તૂટેલા મિલકત બજારને સમારવા, લાખો બેરોજગાર યુવાનો માટે નોકરીઓનું સર્જન કરવા અને વિકાસને ઝડપી બનાવવા માટેના માર્ગો ખોળે તેવી અપેક્ષા છે એમ જણાવાયું હતું. અને આ બેઠકમાં જે મુદ્દાઓ ચર્ચાવાના હતા તેમાંથી રિઅલ્ટી માર્કેટનું પતન અને ચીનમાં વકરેલી બેરોજગારી એ ઘણા ગંભીર મુદ્દાઓ હતા.
ચીન ઝડપભેર વિકાસ કરીને વિશ્વનું બીજા ક્રમનું અર્થતંત્ર બની તો ગયું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે હાંફવા માંડ્યું છે જ્યારે અમેરિકા દાયકાઓથી વિશ્વના પ્રથમ ક્રમના અર્થતંત્ર તરીકે અડીખમ છે. ચીનના અર્થતંત્રમાં હાલમાં સર્જાયેલી મુશ્કેલીઓ માટે ચીનની સામ્યવાદી સરકારની ખોટી નીતિઓને જ જવાબદાર માનવામાં આવે છે. ચીને જે આર્થિક વિકાસ કર્યો તે બાબતે પણ તેના પર આક્ષેપો થાય છે કે તેના આર્થિક વિકાસ સાથે માનવ અધિકારો અને કામદારોના અધિકારોનું ઉલ્લંઘન અને પર્યાવરણ સુરક્ષાના ધોરણોના ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યા છે. આ બાબતોને બાજુએ મૂકીએ તો પણ ચીનના હાલના આર્થિક ધબડકા માટે તેની સરકારે તેની વિસ્તારવાદી નીતીઓને કારણે અનેક દેશો સાથે બાખડીઓ બાંધી, રોગચાળાના સમયમાં અત્યંત કઠોર અને દમનકારી નિયંત્રણો મૂકયા અને મોટા ઉદ્યોગો બાબતે જડ નીતિઓ અપનાવી તેને જવાબદાર ગણી શકાય.
ખાસ કરીને કોવિડના રોગચાળાની શરૂઆત સાથે ચીની અર્થતંત્રની દશા બેસવા માંડી. રોગચાળામાંથી ચીની અર્થતંત્ર ઝડપથી બેઠુ થઇને દોડવા માંડ્યુ એમ કહેવામાં આવ્યું પરંતુ થોડા જ સમયમાં તેની પોલ ખુલી ગઇ અને તે ગગડવા માંડ્યું. ચીની પ્રમુખ જિનપિંગ વધુને વધુ સત્તાઓ હસ્તગત કરીને એકહથ્થુ પ્રકારનું શાસન કરી રહ્યા છે અને હાલની બેઠક પણ તેમની નીતિને જ ટેકો આપે તેવી વકી જણાતી હતી. નેશનલ ફાયનાન્શ્યલ વર્ક કોન્ફરન્સ નામની આ બેઠક સામાન્ય રીતે ચીનમાં એક દાયકામાં બે વખત યોજાય છે, જો કે હાલની આ બેઠકમાં શું રંધાયું તેની વિગતો હજી જાણવા મળી નથી.
આ બેઠક એના પછી આવી છે જયારે ગયા સપ્તાહે ઇન્ફ્રાસ્ટકચર પ્રોજકટો અને હોનારત નિવારણ માટે ૧ ટ્રિલિયન યુઆન(૩૩૦ અબજ ડોલર)ની રકમ મેળવવા માટે બોન્ડ્સ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. ખાધમાં ઉંડે ઉતરી રહેલ સરકાર હાઉસિંગ બાંધકામ ક્ષેત્રે એક તીવ્ર સ્લોડાઉનનો સામો કરવાની તૈયારી કરી રહી છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે રિયલ એસ્ટેટ ડેવલપરો, સ્થાનિક સરકારો અને પ્રાદેશિક બેંકો જે જંગી દેવું ધરાવે છે તેનો ઉકેલ લાવવાની સાથે એક ટકાઉ અને સમતોલ વિકાસ કરવાનો મોટો પડકાર છે.
આ બેઠક સોમવારે કોઇપણ જાહેરાત વિના બંધ બારણે યોજાઇ હતી. ચીનની આ બેઠકમાં એશિયન ડેવલપમેન્ટ બેન્કના ભૂતપૂર્વ પ્રમુખ તાકેહિકો નાકાઓ પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે કુલ મળીને ચીની નાણાકીય સેકટરે પ્રગતિ કરી છે પરંતુ આ ક્ષણે તેઓ પડકારોનો સામનો કરે છે. છેલ્લે આવી પરિષદ ૨૦૧૭માં યોજાઇ હતી. અહીં નોંધપાત્ર છે કે જ્યારે બૈજિંગમાં આ બેઠક યોજાઇ છે ત્યારે ચીનના બીજા ક્રમના સૌથી મોટા ડેવલપ કન્ટ્રી ગાર્ડન પણ ગયા સપ્તાહે ડોલર બોન્ડ પરનું વ્યાજ ચુકવવા માટેની આખરી તારીખ ચુકી ગયા છે. આ પહેલા જંગી રિઅલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડની મુશ્કેલીએ કેવી ચિંતાઓ જગાડી તે આપણે જોયું જ છે. ચીનની લોખંડી દિવાલોમાંથી પુરી વિગતો બહાર આવતી નથી પરંતુ તેના અર્થતંત્રમાં ધાર્યા કરતા વધુ ગંભીર મુશ્કેલીઓ છે એમ જણાય છે.