નવી દિલ્હી: ચીનમાં (China) કોરોનાનો (Corona) હાહાકાર જોવા મળી રહ્યો છે. હોસ્પિટલની અંદર અને બહાર લોકોની ભારે ભીડ જામી હોય તેવી તસવીરો અને વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social media) પર વાઈરલ (Viral) થઈ રહ્યા છે, જે જોઈ લોકો ચોંકી ઉઠ્યા છે. આ વીડિયો ચીનના ચોંગકિંગ શહેરનો છે, જ્યાં હોસ્પિટલોની હાલત ભયાનક તસવીર રજૂ કરી રહી છે. ચોંગકિંગની એક હોસ્પિટલના ઈમરજન્સી રૂમના એક વીડિયોમાં દર્દીઓને અહીં-ત્યાં ફ્લોર પર પડેલા જોઈ શકાય છે. એક તરફ રૂમના તમામ બેડ દર્દીઓથી ભરેલા છે તો બીજી તરફ તબીબો દર્દીઓને સીપીઆર આપી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને ડોક્ટરો દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
ફરજ પરના દર્દીઓની સામે ડોક્ટર બેહોશ થઈ ગયા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક ડૉક્ટર દર્દીઓને તપાસતી વખતે અચાનક બેહોશ થઈ જાય છે. આ વીડિયો ચીનની વાસ્તવિકતા જણાવે છે કે ઓવરટાઇમ કામ કરતા ડોક્ટરો કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે સતત વધી રહેલા કામના બોજને કારણે દર્દીઓનું ચેકઅપ કરી રહેલા ડૉક્ટર ખૂબ જ થાકી ગયા છે. દર્દીઓની લાંબી લાઈનથી કંટાળીને ડૉક્ટર આરામ લેવાનું ચૂકી જાય છે. અને અંતે તે બેહોશ થઈ જાય છે. ડૉક્ટર બેહોશ થતાં જ દર્દીઓ અન્ય નર્સને મદદ માટે બોલાવે છે. આવી સ્થિતિમાં અન્ય તબીબો અને હોસ્પિટલનો સ્ટાફ દોડી આવે છે અને ડોક્ટરને ઉઠાડવાનો પ્રયત્નો કરે છે. પરંતુ જ્યારે ડોક્ટર હોશમાં ન આવે તો તેને સીટ પરથી દૂર લઈ જવામાં આવે છે.
ચીનમાં રાષ્ટ્ર વિરોધના પગલે આ મહિનાની શરૂઆતમાં ઝીરો કોવિડ પોલિસી હટાવી દીધી હતી. પ્રતિબંધ હટાવતાની સાથે જ દેશની મોટી વસ્તી કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. આ એવી વસ્તી છે જેને રસી આપવામાં આવી નથી. તેમાંય વૃદ્ધોની સંખ્યા વધુ છે. કોરોનાની આ નવી લહેર માટે હોસ્પિટલો અને અન્ય હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નહોતા, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.
કોરોનાના સત્તાવાર આંકડા અને તેના પર ઉભા થતા પ્રશ્નો
સરકારના સત્તાવાર આંકડાઓમાં, કોરોનાના નવા કેસ અને મૃત્યુની સંખ્યા ઘણી ઓછી છે. બુધવારે ચીનમાં કોરોનાના 3101 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 3049 સ્થાનિક કેસ છે. આ સાથે ચીનમાં કોરોનાની કુલ સંખ્યા 386,276 નોંધાઈ છે. સરકારનું કહેવું છે કે હવે ચીનમાં માત્ર શ્વસન સંબંધી રોગોથી થયેલા મૃત્યુને કોરોનાથી મૃત્યુઆંકમાં ગણવામાં આવશે.
સરકારનું કહેવું છે કે આ અંતર્ગત 20 ડિસેમ્બરે કોરોનાથી કોઈ વ્યક્તિનું મોત થયું નથી. ચીન પર શરૂઆતથી જ કોરોનાને લઈને આંકડા છુપાવવાનો આરોપ લાગ્યો છે. વર્ષ 2020માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ચીન પર કોરોના સંબંધિત માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. ચીનમાં હજુ પણ કોરોના કેસ અને મૃત્યુના આંકડા છુપાવવાનો આરોપ છે. પરંતુ સોશિયલ મીડિયા પર ચીનની ભયાનક તસવીરોને કારણે ત્યાંની સ્થિતિ દુનિયાની સામે આવી રહી છે. આવી સ્થિતિમાં ચીન સરકાર પર કોરોનાના કેસ સાર્વજનિક કરવા માટે દબાણ વધી ગયું છે.
ચીનની રાષ્ટ્રીય નીતિ જવાબદાર
ઘણા નિષ્ણાતો માને છે કે કોરોનાના કેસ વધવાનું કારણ ચીનની રાષ્ટ્રીય નીતિ છે, જેમાં માનવ રોગપ્રતિકારક શક્તિ વધારવાને બદલે તેને રોકવાના ઉપાયો પર ધ્યાન આપવામાં આવ્યું છે. આવી નીતિની આડઅસર એ છે કે ચીનમાં મોટી સંખ્યામાં વૃદ્ધ લોકો છે જેમને બૂસ્ટર ડોઝ મળ્યો નથી. દેશની મોટી વસ્તી બુસ્ટર ડોઝથી વંચિત છે, તેમાં મોટી સંખ્યામાં વૃદ્ધો છે.
ચીનમાં કોરોનાની પ્રથમ લહેર ક્રિસમસ પર, બીજી નવા વર્ષ પર અને ત્રીજી લૂનર નવા વર્ષમાં જોવા મળશે. ચીનમાં નવું વર્ષ 22 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ પહેલા, પરંપરાગત ચાઇનીઝ નવા વર્ષની રજાઓ પર હંમેશની જેમ ભારે ભીડ હશે. ત્યારે સ્થિતિ એવી હશે કે રસ્તાઓ પર તેમજ ટ્રેનોમાં ભીડ જોવા મળશે. આવી સ્થિતિમાં, નિષ્ણાતોનું અનુમાન છે કે આ સ્થિતિ ચીન માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે કારણ કે આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રજાઓ અને તહેવારની ઉજવણી માટે ચીન પરત ફરતા હોય છે.