જીનીવા : ચીન (China) દ્વારા તેના પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં ભેદભાવભરી રીતે યુઘુર તથા અન્ય મોટે ભાગે મુસ્લિમ એવા વંશિય જૂથોના લોકોની ભેદભાવભરી રીતે કરાતી અટકાયતોમાં સંભવિતપણે માનવતા વિરુદ્ભના અપરાધો બનતા હોઇ શકે છે એ મુજબ યુએનની (UN) માનવ અધિકાર કચેરીએ જેની લાંબા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તેવા એક અહેવાલમાં જણાવ્યું છે.
આ અહેવાલ બુધવારે જારી કરવામાં આવ્યો હતો જે ત્રાસવાદને નાબૂદ કરવાના બૈજિંગના અભિયાનમાં સતામણી તથા અન્ય માનવ અધિકાર ભંગના બનાવોના આક્ષેપો અંગે તાકીદના આંતરરાષ્ટ્રીય પ્રતિસાદની હાકલ કરે છે. યુએનના માનવ અધિકારોના વડા મિશેલ બેકલેટે આ અહેવાલ અટકાવી રાખવા માટેની ચીનની હાકલ ફગાવી દીધી હતી. મે મહિનામાં મિશેલ પોતે શિનજિયાંગની યાત્રાએ ગયા હતા અને તેના પછી આ અહેવાલ આવ્યો છે, જે અહેવાલ અંગે ચીન કહે છે કે તે અહેવાલ ચીનની પ્રતિષ્ઠા ખરડવા માટેના પશ્ચિમી દેશોના અભિયાનના ભાગરૂપે છે. આ અહેવાલ પછી ચીન અને પશ્ચિમી દેશો વચ્ચે વાક્યુદ્ધ શરૂ થયું છે.
આ અહેવાલ અંગે પશ્ચિમી રાજદ્વારીઓ અને યુએનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે મહિનાઓથી તૈયાર હતો પણ બેચલેટની ચાર વર્ષની ટર્મ પુરી થાય તેની થોડી મીનિટો પહેલા જ તેને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ જો કે કોઇ નવી વાત લાવે તેવી અપેક્ષા હતી પણ નહીં, કારણ કે આ પહેલા સ્વતંત્ર અધિકારવાદી જૂથો અને પત્રકારો દ્વારા કરવામાં આવેલી તપાસોના તારણોમાં શિનજિયાંગમાં માનવ અધિકારોના ભંગ થતા હોવાનું જણાવાઇ જ ચુક્યું છે. આ અહેવાલ જારી કરાય તેના કલાકો પહેલા યુએન ખાતેના ચીનના રાજદૂત ઝાંગ જૂને કહ્યું હતું કે આ હેવાલ જારી કરવા સામે ચીનનો મક્કમ વિરોધ છે. આ અહેવાલ કંઇ પણ સારી વાત રજૂ કરશે એવું અમે માનતા નથી એમ તેમણે કહ્યું હતું.