Business

બાળકો : સ્કૂલ ચલે હમ… ટીચર્સ : બાળકોની લખવાની સ્પીડ થઈ કમ!!

વો દિન આહી ગયાં… જે દિવસની પેરેન્ટ્સ લાંબા સમયથી રાહ જોતા હતા. જી હા તમે સાચું વિચાર્યું. બાળકોની સ્કૂલ શરૂ થઈ એ દિવસની ઘણાં વાલીઓ રાહ જોઇને બેઠા હતા. કેમ કે બાળકોને હેન્ડલ કરવા હવે ક્યાંકને ક્યાંક પેરેન્ટ્સ માટે પણ અઘરું બનતું જઈ રહ્યું હતું. જો કે હાલમાં 8 થી 12મા ધોરણના વર્ગો બાદ 6 થી 8માં ધોરણના વર્ગો પણ શરૂ થતા વાલીઓ સહિત ઘણા વિદ્યાર્થીઓ ખુશખુશાલ હતા. પણ ખરી પરીક્ષા તો શાળાએ જઈને થવાની હતી. છોકરાઓ હોંશેહોંશે શાળાએ તો પહોંચ્યા પણ છેલ્લાં બે વર્ષથી ઘરે જ ઓનલાઈન ભણવાને લીધે તેમને ઘણું અઘરું પડી રહ્યું હતું. બે વર્ષ બાદ જ્યારે બાળકો શાળાએ જઈ રહ્યાાં છે ત્યારે ચાલો જાણીએ ટીચર્સ પાસેથી કે છોકરાઓને શું તકલીફ પડી રહી છે?શુ તેમને બાળકોને હેન્ડલ કરવા અઘરા પડી રહ્યાાં છે?

લખવાની ટેવ છૂટી જતાં બોર્ડ પર જ ભણવાનો બાળકો કરે છે આગ્રહ

યાશિકા પટેલ જણાવે છે કે, ‘’આમ તો બાળકો છેલ્લાં દોઢ વર્ષથી ઓનલાઈન ભણે છે આથી હવે તેઓ ક્લાસમાં કંટાળે છે. એમને ગમતું નથી શાળાએ આવવાનું અને જે દોઢ વર્ષથી અમે ઓનલાઈન ક્લાસ લેતા હતાં તે પણ નથી સારી રીતે ભણ્યા. બધુ જ ભણાવેલું ભૂલી ગયાં છે. ખાસ કરીને હવે છોકરાઓને લખવામાં ખૂબ જ તકલીફ પડે છે. પહેલા ધોરણ છ ના છોકરાઓ ટીચર બોલે તો એ જાતે નોટમાં લખી શકતા. પણ હવે એમની લખવાની ટેવ જ છૂટી ગઈ છે. બાળકોના 2 પિરિયડ પૂરા થાય અને અમે જો 3 કે 4 પિરિયડમાં ક્લાસ લેવા જઈએ એટલે બાળકો થાકી ગયેલા હોય અને અમને એમ કહે ટીચર હવે તમે ફક્ત બોર્ડ પર જ ભણાવો અમારે લખવું નથી અને કશું પણ બોર્ડ પર લખ્યું હોય તે તેમને નોટમાં ઉતારતા ઘણો સમય લાગે છે. અડધો સમય તો એમાં જ જતો રહે છે. આથી ઘણી વાર એમ વિચાર આવે કે બોલેલું કે બોર્ડ પર લખેલું જો તેઓ ઝડપથી લખી શકતા નથી તો એક્ઝામ નજીક છે એક્ઝામમાં કઈ રીતે લખી શકવાના ?’’

બાળકોમાં પહેલાં જેવુ સ્કૂલ શિસ્ત નથી રહી. લખતા લખતા પણ બેન્ચ બદલવા લાગે છે

કોમલબેન શાહ જણાવે છે કે, ‘’ બે વર્ષે બાદ બાળકો શાળાએ આવ્યા છે એમનામાં મેં એક વસ્તુ નોટિસ કરી કે સ્કૂલ ડિસિપ્લિન હવે બિલકુલ નથી રહી. છોકરાઓ લખતા લખતા બેન્ચ બદલવા લાગે છે. કેમ કે અમુક કલાકો સુધી જ તેઓ એક જગ્યાએ બેસી શકે. ત્યારબાદ ઊંચાનીચા થવા લાગે છે કેમ કે તેમની સળંગ બેસવાની ટેવ છૂટી ગઈ છે. ખાસ તો સ્કૂલ યુનિફ્રોમ, હેરકર્ટ, ક્લાસ ડિસિપ્લિન, હેર સ્ટાઈલ આ બધુ હવે એમને ગમતું જ નથી. એમને કહેવું પડે કે બેટા લાઇનમાં જવાનું, લાઇનમાં આવવાનું આ બધુ જ તેઓ ભૂલી ગયા છે. ઘણાય બાળકો પોતાના ફ્રેન્ડ્સને લાંબાગાળે મળ્યાં એટલે મસ્તી વધારે કરે. ફ્રેન્ડ્સ સાથે લંચ શેર કરવાનું તેમને મન થાય પણ અમે કોરોના સંક્રમણના હિસાબે એમને સમજાવી દઈએ છીએ. કોઈકવાર તો બાળક માસ્ક થોડો સમય કાઢવાનું પણ પૂછે છે. કેમ કે આખો દિવસ પહેરવાની તેમની આદત ના હોય આથી ગરમી થાય. જેથી અમે વાલીઓને કહીને બે માસ્ક મંગાવીએ જેથી થોડા સમય બાદ એમના માસ્ક બદલી શકે.’’

2 વર્ષ બાદ બાળકો ઘણાં હેલ્ધી બની જવાથી યુનિફોર્મ પણ બદલવા પડ્યા

પૂજા ભારતીય જણાવે છે કે, ‘’ સ્વાભાવિક છે કે ઘરેને ઘરે ઓનલાઈન એજ્યુકેશન લેવાને લીધે બાળકો ચંચળ થઈ ગયાં છીએ, અને અમે પણ સમજીએ છીએ. ક્લાસમાં પહેલા શાંતિ જળવાઈ રહેતી એવી શાંતિ રહેતી નથી. હવે છોકરાઓ થોડી થોડી વારે ફ્રેન્ડ્સ સાથે વાત કરવા લાગી જાય કે પાછળ ફરી જાય અને ઘણીવાર તો એક બેંચ પરથી બીજી બેંચ ફ્રેન્ડ્સ સાથે વાત કરવા પણ જતાં રહે છે. આથી જે શિસ્ત ક્લાસમાં પહેલાં જળવાઈ રહેતું એ હવે જળવાતું નથી. ચાર વર્ષથી જે બાળકને અમે એકદમ પાતળા જોયા હતા એ જ બાળકો 2 વર્ષ બાદ ઘણાં હેલ્ધી બની ગયાં છે અને ઘણાય છોકરાઓએ હેરસ્ટાઇલ તો તદ્દન બદલાવી જ નાખી છે. અમે ટિચર્સ પણ ઓળખી ના શકીએ એવા બની ગયા છે, તો કેટલાક બાળકોના પેટ બહાર આવી ગયા છે, હાઇટ ઘણી વધી ગઈ છે આથી દરેક વિધ્યાર્થીઓએ પોતાના યુનિફોર્મ પણ બદલવા પડયા છે. ભણવાની બાબતે ઘણા પાછળ જતાં રહ્યાં છે. આથી એમને લાઇન પર લાવવા માટે સમજાવું પડે. તેનામાં ફરીથી ભણવાની રૂચિ કેળવવી પડશે. કાઉન્સિલિંગનો સહારો લઈએ તો કદાચ ઝડપથી રિઝલ્ટ મળી શકે એવું મને લાગે છે.’

બાળકોને શું પડી રહી છે તકલીફ?

  • # સ્કૂલ ડિસિપ્લિન ભૂલી ગયા
  • # લખવાની ટેવ છૂટી ગઈ
  • # એકાગ્રતાથી બેસી નથી શકતા
  • # રમતિયાળ બની ગયા
  • # ઘણાં બાળકોનું વજન વધી ગયુ
  • # યુનિફોર્મ, બુટ મોજા પહેરવું ગમતું નથી
  • # થોડી થોડી વારે ભૂખ લાગી જાય
  • # ક્લાસમાં ઊંઘી જાય
  • # શાળાએ આવવું ઘણાને ગમતું નથી

Most Popular

To Top