Dakshin Gujarat Main

ચીખલીમાં 5 ઇંચ વરસાદ : અનેક માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થંભી ગયો

ઘેજ: ચીખલી (Chikhli) પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા વધુ 5 ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. ઉપરાંત ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે લોકમાતાઓમાં પૂરની (Flood) સ્થિતિ સાથે ગ્રામ્ય વિસ્તારના અનેક માર્ગો (Roads) પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. ચાસા ગામમાં મકાન ધરાશાયી થતા ભર ચોમાસે પરિવારે છત ગુમાવી હતી. ફડવેલના નાગજી ફળિયા પાસે વૃક્ષ વીજ લાઇન પર પડતા ટ્રાન્સફોર્મર સહિત વીજ લાઇન જમીનદોસ્ત થતા વીજળી ડૂલ થઇ હતી.

ચીખલી તાલુકામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સવારે ચાર વાગ્યાના ચાર કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો અને સાંજે ચાર વાગ્યા સુધીમાં 130 મી.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ઉપરવાસમાં પણ વરસાદથી લોકમાતાઓમાં પૂરની સ્થિતિ સર્જાતા કાવેરી નદીના ચીખલી નોલવાડ અને તલાવચોરાના લો-લેવલ પૂલ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

આમધરા-મોગરાવાડી માર્ગ સ્થિત ખરેરા નદીનો લો-લેવલ પૂલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. કેટલાક લોકો જીવના જોખમે પૂલ પરથી પસાર થઇ રહ્યા હતા. સોલધરામાં ચીખલી-ખેરગામ માર્ગને જોડતા માર્ગ ઉપર કોતરના પાણી ફરી વળતા દૂધ ભરવા જતા લોકો અટવાયા હતા. આ ટેકરી ફળિયા વિસ્તાર બેટમાં ફેરવાયો હતો.

આ ઉપરાંત વંકાલ ગામે વજીફા ફળિયાથી સુંદર ફળિયા જતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા. તલાવચોરાના બારોલિયાથી સંજય ફાર્મ જતા માર્ગ સ્થિત મરકી ખાડી પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ થતા વાહન વ્વયહાર બંધ થઇ ગયો હતો. મજીગામ ડેરી કોલોની રોડ પર પણ કાલાખાડીના પાણી ફરી વળ્યા હતા. સમરોલી ઓવર બ્રિજના છેડે સર્વિસ રોડ પર પણ ઘૂંટણસમા અને ચીખલીમાં વાંસદા રોડ અને તલાવચોરા રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.

ઘર કકડભૂસ, વૃક્ષ પડતા વીજ લાઇન જમીનદોસ્ત
તાલુકાના ચાસા ગામે બુધવારે સાંજે પથ્થર ફળિયામાં વિધવા ધનીબેન પટેલનું ઘર કકડભૂસ થઇ ગયું હતું. આ અંગેની જાણ થતા તાલુકા પંચાયત સભ્ય દમયંતીબેન આહિર, ભાજપના દિનેશ આહીર સહિતના ધસી જઇ જાણ કરાતા પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, પીઓ કમ ટીડીઓ હિરેન ચૌહાણની સૂચનાથી સર્વે કરી પંચાયત દ્વારા રિપોર્ટ કરાયો હતો. તાલુકાના ફડવેલમાં નાગજી ફળિયા જતા માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી થઇ વીજ લાઇન પર પડતા ટ્રાન્સફોર્મર સહિત વીજ લાઇન જમીનદોસ્ત થતા વાહન વ્યવહાર અટકી જવા સાથે વીજળી ડૂલ થઇ હતી. આ અંગેની જાણ થતા સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય મહેશ પટેલ, એપીએમસીના ડીરેક્ટર ચીમનભાઇ સહિતના ધસી જઇ વીજ કંપનીને જાણ કરી હતી. ચીખલી તાલુકામાં આ સાથે સીઝનનો કુલ 64.56 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top