ઘેજ: ચીખલી તાલુકાના છેવાડાના સારવણી ગામમાં રાત્રિ દરમ્યાન મકાન (Building) જમીનદોસ્ત થતા દંપતિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં (Hospital) ખસેડાયા હતા. પ્રાપ્ત વિગત મુજબ સારવણીના બીડ ફળિયામાં સવિતાબેન અને ચંદુભાઇ પતિ-પત્ની ઘરમાં હતા. તે દરમ્યાન સોમવારના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં અચાનક તેમનું મકાન જમીનદોસ્ત થતા તેઓ દબાઇ જતા આસપાસના લોકો દોડી આવી તેમને બહાર કાઢયા હતા અને સ્થાનિક સુનિલભાઇ સહિતનાઓ દ્વારા બંનેને નાની મોટી ઇજા થતા ચીખલીની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
વરસતા વરસાદમાં અને રાત્રિ દરમ્યાન અચાનક સવિતાબેનનું કાચુ મકાન ધરાશયી થતા છતના નળિયા સહિતનાનો ભૂક્કો બોલી ગયો હતો અને ઘરવખરી, અનાજ, કઠોળ પણ પલળી જતા ચોમાસામાં છત ગુમાવવા સાથે પરિવારને મોટું આર્થિક નુકશાન થયું હતું. સ્થાનિક પંચાયત દ્વારા નુકશાની અંગેનો સર્વે કરી પંચકયાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
ચીખલી પંથકમાં છૂટાછવાયો વરસાદ ચાલુ
ચીખલી પંથકમાં બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ ઘનઘોર વાતાવરણ વચ્ચે છૂટાછવાયો વરસાદ ચાલુ જ રહેતા વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની માત્રા વધારે રહેવા પામી છે. વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક અનુભવાઇ રહી છે.
ડોલવણનાં ઉમરવાવદુર ગામે દેગરી ફળિયામાં કાચુ મકાન તુટી પડ્યું
વ્યારા: ડોલવણ તાલુકાનાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા સતત ભારે વરસાદના કારણે ઉમરવાવદુર ગામે દેગરી ફળિયામાં ગીરીશ મંજી ચૌધરીનું કાચુ ઘર તા.૨૦/૦૯/૨૦૨૨નાં રોજ સવારે ૧૦:૪૫ વાગ્યાનાં અરસામાં પડી ગયું છે. જેમાં ઘર વખરીને ભારે નુકસાન થયું છે. વરસતા વરસાદમાં આ ગરીબ પરિવાર બેઘર બનતા સ્થિતિ દયનિય બની છે. જેથી તંત્ર તત્કાલ સહાય પહોંચાડે એવી આ પરિવાર આશા રાખી રહ્યો છે. જોકે, કોઇ જાનહાની કે પશુ હાની ન થઈ નથી.
સંરક્ષણ દીવાલ નહીં બનાવાતા ગામના મુખ્ય કોતરનું ધોવાણ
ગામના મુખ્ય કોતરનું દર વરસે થતું ધોવાણ છેક ગીરીશ ચૌધરીના ઘર પાસે પહોંચી ગયું હતું. ગ્રામ પંચાયતને આ કોતરનું ધોવાણ અટકે એ માટે સંરક્ષણ દીવાલ બનાવવા અનેક વખત ગ્રામજનોએ રજૂઆત પણ કરી છે પણ હજી સુધી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. ગ્રામજનોનું કહેવું છે કે, ચૂંટણી સમયે ૪૫ ફુટ જેટલી સરંક્ષણ દીવાલ મંજુર થયાનું સરપંચે જણાવ્યું હતું તે પણ હજુ સુધી બની નથી. જેથી કોતરનું વરસાદી પાણીને કારણે ધોવાણ થતા આવી હોનારત બની રહી છે. આ ધોવાણને અટકાવવામાં ન આવે તો કોઇ પણ સમય મોટી ઘટના બનવાની દહેશત પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે.