Dakshin Gujarat

એક્ષપ્રેસ-વેના વિવાદવાળા બ્લોક નંબરના ખેડૂતોને સાંભળી પ્રશ્નોના નિરાકરણની દિશામાં કાર્યવાહી

ઘેજ: ચીખલી (Chikhli) તાલુકાના તલાવચોરા મલિયાધરા સહિતના ગામોના અસરગ્રસ્ત ખેડૂતો (Farmers) સાથે નવસારીના પ્રાંત અધિકારીએ (Provincial Officer) બેઠક યોજી વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેના કામની ગતિ વધારવાની દિશામાં કવાયત હાથ ધરી હતી. તાલુકામાંથી પસાર થનારા વડોદરા મુંબઇ એક્ષપ્રેસ-વેમાં એક તરફ ખેડૂતોની જમીન, ઝાડ, મકાન સહિતની મિલકતોનું વળતર ચૂકવવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ ઝાડ કાપવા, સાફ સફાઇ રહિતની કામગીરી પણ પૂર જોશમાં કરવામાં આવી રહી છે. જો કે નવસારીના ડેપ્યુટી કલેક્ટર અને જમીન સંપાદનના સક્ષમ અધિકારી રાજેશભાઇ બોરડના માર્ગદર્શન અને દિશા નિર્દેશ વચ્ચે જમીન સંપાદન સાથે વળતર ચૂકવવાની કામગીરી મહદઅંશે પૂરી થઇ જવા પામી છે.

  • ચીખલીના તલાવચોરા, મલિયાધરા સહિતના ગામોના અસરગ્રસ્ત ખેડૂતો
  • પંચરોજ મુજબ ઝાડોનું વળતર તથા જમીનના વળતરમાં ખાતેદારની
  • સંમત ન હોય તેવા કિસ્સામાં ઝડપથી વળતર ચૂકવવા રજુઆત


આ દરમ્યાન ખેડૂત ખાતેદારો વચ્ચેના અંદરો અંદરના વિવાદ જેવા કિસ્સાઓમાં વળતર ચૂકવી નહીં શકાતા કબજાનો પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે આવા કિસ્સાઓના નિવારણ માટે પ્રાંત અધિકારી દ્વારા સુનાવણી પણ કચેરી ખાતે રાખી ખેડૂતોને સાંભળવામાં આવી રહ્યા છે. બીજી તરફ હાઇવે ઓથોરિટીને ઝડપથી જમીનનો કબજો મળે અને વડોદરા મુંબઇ એકસપ્રેસવેના કામને ગતિ મળે ઉપરાંત અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે પ્રાંત અધિકારી રાજેશભાઇ બોરડ દ્વારા આજે મલિયાધરા ઉપરાંત ઘેજમાં નાયબ મામલતદાર કુલદીપસિંહ પરમાર, સર્કલ ઓફિસર સુરેશભાઇ દેસાઇ, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઇ, સરપંચ રાકેશભાઇ, ખેડૂત પ્રતિનિધિ હિતેશભાઇ ભરડા, ખેડૂત અગ્રણી ખાલપભાઇ, તલાટી કલ્પેશભાઇ સહિતનાની ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક યોજી વિવાદવાળા બ્લોક નંબરના ખેડૂત ખાતેદારોને સાંભળી તેમના પ્રશ્નોના નિરાકરણની દિશામાં કાર્યવાહી હાથ ધરી કામગીરીમાં અવરોધ ન ઊભો કરી સહયોગ કરી ઝડપથી કબજો આપી દેવા અનુરોધ કર્યો હતો.

જો કે ખેડૂતોએ જમીનના ક્ષેત્રફળમાં તફાવતનું નિરાકરણ લાવવા ઉપરાંત પંચરોજ મુજબ ઝાડોનું વળતર તથા જમીનના વળતરમાં એકલ દોકલ ખાતેદારની સંમત ન હોય તેવા કિસ્સામાં નિર્ણય લેવાઇ અને ઝડપથી વળતર ચૂકવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા તલાવચોરા, ચરી સહિતના અન્ય ગામોમાં પણ ખેડૂતો સાથે બેઠક યોજી હતી. ખેડૂતોને ઘર આંગણે સાંભળી તેઓના પ્રશ્નના નિરાકરણ માટેના પ્રાંત અધિકારી રાજેશ બોરડના પ્રયત્નને આગેવાનોએ બિરદાવ્યા હતા.

Most Popular

To Top