ઘેજ: ચીખલી પોલીસ મથકમાં (Chikhli Police Station) બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસ દ્વારા વીજ કંપનીના (Electricity Company) નાયબ ઇજનેરનો પણ જવાબ લેવામાં આવ્યો હતો. બનાવની રાત્રિએ ચીખલીમાં ૧-૩૦ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી વીજળી ડૂલ રહી હતી. છ કલાકથી વધુ વીજળી ગાયબ રહેતા સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કોઇ ગતિવિધિ કેદ નહીં થતા તે ચર્ચાનો વિષય બન્યો હતો.
ચીખલી પોલીસ મથકમાં ૨૧ જુલાઇએ સવારે કોમ્પ્યુટર રૂમમાં ડાંગ જિલ્લાના વઘઇના ૧૯ વર્ષીય સુનિલ પવાર અને રવિ જાદવની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવ દરમ્યાન ચીખલીમાં રાત્રિના ૧-૩૦ વાગ્યે વીજળી ડૂલ થયા બાદ ઠેઠ સવારે આઠ વાગ્યે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. આમ છ કલાકથી વધુ સમય વીજળી ડૂલ રહેતા રાત્રિ દરમ્યાન અંધારપટ છવાયો હતો. જેને લઇને અનેક શંકા-કુશંકાઓ ઊભી થવા સાથે ચર્ચાનો વિષય બન્યો હતો.
વીજળી ગાયબ રહેતા પોલીસ મથકમાં તથા પરિસરમાં આવેલા સીસી ટીવી કેમેરાની પણ આંખ બંધ થઇ જતા બનાવના સમયની કોઇ ગતિવિધિ કેમેરામાં કેદ નહીં થતા અનેક સવાલો ઊભા થયા છે. ચીખલીથી વીજ કંપનીની કચેરી, સબ સ્ટેશનથી માંડ ૧ થી ૧.૫ કિ.મી.ના અંતરે છે. ત્યારે છ કલાકથી વધુ સમય સુધી કયા કારણોસર વીજળી ડૂલ રહી? મરામત માટે આટલા કલાકો કેમ ગયા? જેવા અનેક સવાલો સાથે આશંકાઓનું જોર પકડતા પોલીસે વીજકંપનીની ચીખલી કચેરીના નાયબ ઇજનેરનો જવાબ લઇ તપાસ કરી હતી.
ચીખલી વીજ કંપનીની કચેરીનો કારભાર છેલ્લા કેટલાક સમયથી ખાડે ગયો છે. વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પોલીસ મથકમાં બે યુવાનોના શંકાસ્પદ મોતના બનાવમાં પોલીસે ચારે તરફથી દબાણ આવતા બનાવના સાત દિવસ બાદ પીઆઇ અજીતસિંહવાળા સહિત છ થી વધુ પોલીસ કર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અને ડીવીઆર પણ કબજે લેવાયું હતું. પરંતુ બનાવના સમય દરમ્યાન વીજળી જ ગાયબ હતી.
મરામત માટે સમય લાગ્યો હતો પોલીસને જવાબ લખાવી દીધો છે
ચીખલી વીજ કંપનીના નાયબ ઇજનેર અનિલ પટેલે જણાવ્યું હતું કે ૨૧ જુલાઇના રોજ ત્રણ ફીડરના વાયરો સબસ્ટેશન પાસે ભેગા થઇ જતા મોટી સમસ્યા સર્જાઇ હતી. એટલે મરામત માટે સમય લાગ્યો હતો. પોલીસે આ અંગે જવાબ લેતા મેં લખાવી દીધો છે.