Columns

ભાજપના રાજમાં વડા પ્રધાનની નિષ્ફળતાની સજા મુખ્ય મંત્રીઓને કરવામાં આવે છે

જે ગુજરાત મોડેલના વખાણ કરતાં ભાજપના (BJP) નેતાઓ થાકતા નહોતા તે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Election) સવા વર્ષ પહેલાં અત્યાર સુધી સફળ ગણાતા મુખ્ય મંત્રી વિજય રૂપાણીની બદલી કરવામાં આવી તેને કારણે ગુજરાત મોડેલની પોલ ખૂલી ગઈ છે. ભાજપને તેના નબળા વહીવટને કારણે વિધાનસભાની ચૂંટણીમાં હારવાનો એટલો ડર છે કે તેણે ઉત્તરાખંડ, કર્ણાટક અને હવે ગુજરાતમાં પણ મુખ્ય પ્રધાનો બદલ્યા છે. હવે કદાચ મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનો અને હરિયાણાના મનહરલાલ ખટ્ટરનો વારો છે. ઉત્તરાખંડમાં તો ૬ મહિનામાં બીજી વખત મુખ્ય પ્રધાન બદલવાની નોબત આવી હતી. રાજકીય નિરીક્ષકો કહે છે કે ભાજપના કોઈ પણ રાજ્યના મુખ્ય મંત્રી (CM) ડમી જ હોય છે. રિમોટ કન્ટ્રોલથી રાજ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ જ કરતા હોય છે.

કેન્દ્ર સરકારના અણઘડ અને ધનકુબેરોતરફી વહીવટને કારણે દેશમાં ગરીબી, બેકારી, મોંઘવારી, ભૂખમરો માઝા મૂકી રહ્યા છે. કોવિદ-૧૯ ને કારણે જે ગંભીર પડકારો ઊભા થયા તેનો મુકાબલો કરવામાં કેન્દ્ર સરકાર સરિયામ નિષ્ફળતાને વરી છે. અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓનું કલ્યાણ કરવા કિસાનવિરોધી કાનૂનો રદ્દ ન કરવાની જીદ સરકાર લઈને બેઠી છે. તેને કારણે આખા દેશમાં ભાજપની સરકાર માટે રોષ જોવા મળી રહ્યો છે. આવતા વર્ષમાં સાત રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે, જેમાંથી છ માં ભાજપની સરકાર છે. જો આ રાજ્યોમાં ભાજપનો પરાભવ થાય તો નાક મુખ્ય મંત્રીઓનું નહીં, પણ વડા પ્રધાનનું કપાય તેમ છે. કોંગ્રેસ કલ્ચરમાં જેમ રાહુલ ગાંધીની નિષ્ફળતાને છાવરવા માટે પ્રાદેશિક નેતાઓનો ભોગ લેવાની પરંપરા ચાલતી હતી તે પરંપરા હવે ભાજપમાં પણ ચાલુ થઈ છે. રાજ્યના મુખ્ય મંત્રીનો ભોગ લઈને મતદારોને સંદેશો આપવામાં આવે છે કે ભાજપનું મોવડીમંડળ ગેરવહીવટ બિલકુલ ચલાવી લેશે નહીં. નવા મુખ્ય પ્રધાન આવતાં વડા પ્રધાનની પક્ષ ઉપરની પકડ પણ મજબૂત બની જાય છે.

ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ગુજરાતમાં અને હિમાચલ પ્રદેશમાં ૨૦૨૨ ના નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ૨૦૧૯ માં ભાજપે આ સાત રાજ્યોની લોકસભાની ૧૩૨ બેઠકો પૈકી ૧૦૧ પર વિજય મેળવ્યો હતો. ભાજપે જે ૩૦૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો તેની ત્રીજા ભાગની બેઠકો આ સાત રાજ્યોમાંથી મળી હતી. આ સાત પૈકી પંજાબને બાદ કરતાં બાકીનાં છ રાજ્યોમાં ભાજપના મોરચાની સરકાર છે. તેમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત ભાજપ માટે સૌથી મહત્ત્વનાં રાજ્યો છે. ગુજરાત મોદી-શાહનું હોમ સ્ટેટ છે, જ્યારે ઉત્તર પ્રદેશ મોદીનું મતદાર ક્ષેત્ર હોવા ઉપરાંત ભારતનું સૌથી મોટું રાજ્ય છે.

ઉત્તર પ્રદેશમાં કિસાન આંદોલનને કારણે ભાજપના જીતવાની સંભાવના ધૂંધળી બની છે તો ગુજરાતમાં પાટીદારો નારાજ થઈને ‘આપ’ માં ચાલ્યા જવાનો ડર બતાડતા હોવાથી ભાજપના મોવડીમંડળનું બ્લડ પ્રેશર વધી ગયું છે. જો ઉત્તર પ્રદેશમાં અને ગુજરાતમાં ભાજપનો પરાભવ થાય તો મોદી-શાહનું નાક કપાય અને ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી જીતવાનું ભાજપનું સપનું ચકનાચૂર થઈ જાય. આવું ન બને તે માટે પાણી પહેલાં પાળ બાંધવામાં આવી રહી છે. ભાજપનું લોજિક એવું છે કે મતદારો સરકાર પ્રત્યેના રોષને કારણે ભાજપથી વિમુખ થઈ જવાની ધમકી આપે તો મુખ્ય મંત્રી બદલીને તેમને પટાવી શકાય છે. આ કારણે ગુજરાતમાં મુખ્ય મંત્રી બદલ્યા પછી હવે તદ્દન નવું મંત્રીમંડળ લાવવામાં આવી રહ્યું છે, જેમાં નિષ્ફળ પુરવાર થયેલા જૂના જોગીઓને ઘરે બેસાડવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં પણ નવા ચહેરાઓને ટિકિટ આપીને મતદારોને ભ્રમમાં નાખવાની કોશિશ કરવામાં આવશે.

ગુજરાતમાં જેમ પાટીદારો ભાજપની કરોડરજ્જુ ગણાય છે તેમ ઉત્તર પ્રદેશમાં જાટ મતદારોની તાકાત પર જ ૨૦૧૭ માં ભાજપે વિધાનસભાની ચૂંટણીઓ જીતી હતી. તા. ૫ સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કિસાનોની મહાપંચાયત મળી હતી. તેમાં કિસાનો લાખોની સંખ્યામાં હાજર રહેતાં લગભગ ભૂલાઈ ગયેલા કિસાન આંદોલનમાં નવો પ્રાણ ફૂંકાયો હતો. ત્યાર બાદ કિસાનોનું આંદોલન હરિયાણાના કર્નાલમાં પહોંચી ગયું હતું. કિસાનોની તાકાત સામે મનહરલાલ ખટ્ટરની ભાજપ સરકારે ઝૂકવું પડ્યું હતું. તા. ૧૧ સપ્ટેમ્બરે અમદાવાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી સરદાર ધામનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે પાટીદાર કોમે સોશ્યલ મીડિયામાં ભાજપવિરોધી સંદેશાઓ વહેતા મૂકતાં ભાજપના નેતાઓ હચમચી ગયા હતા.

૨૦૧૬ માં પાટીદાર આંદોલનને કારણે તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલનો ભોગ લેવામાં આવ્યો તે પછી પણ ગુજરાતના પાટીદારોએ ભાજપને માફ કર્યો નથી. હાર્દિક પટેલ જેવા પાટીદાર આગેવાનો કોંગ્રેસમાં ચાલ્યા ગયા તે પછી પણ અનામત આંદોલન કરનારા મોટા ભાગના પાટીદાર નેતાઓ તટસ્થ રહ્યા હતા. ભાજપના લાખ પ્રયાસો છતાં તેઓ ભાજપની છાવણીમાં ભળવા તૈયાર નહોતા. પાટીદારો ભાજપને પાઠ ભણાવવા માટે કોઈ મજબૂત રાજકીય વિકલ્પની તલાશમાં હતા. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જઈને કાંઈ ઉકાળી શક્યો તેમ ન હોવાથી કોંગ્રેસના નામ પર પાટીદારોએ ચોકડી મારી હતી. તેવામાં પાટીદારોને ‘આપ’માં આશાનું કિરણ દેખાયું હતું. તેમણે અરવિંદ કેજરીવાલનો સંપર્ક કર્યો હતો અને તેમને ગુજરાતમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.

ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે પાટીદારનો પાવર માપવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ‘આપ’ ના બેનર હેઠળ પાટીદાર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા. તેમાંથી ૨૭ ઉમેદવારો ચૂંટાઈ આવતાં ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો. જો પાટીદાર પાવરે સુરતમાં જે પરાક્રમ કરી દેખાડ્યું તેનું પુનરાવર્તન ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણીમાં થાય તો ભાજપનાં સૂપડાં સાફ થઈ જાય તેમ છે. ‘આપ’ કદાચ ૧૮૨ સભ્યોની વિધાનસભામાં પૂર્ણ બહુમતી હાંસલ ન કરી શકે તો પણ ભાજપની બેઠકોમાં ગાબડું પાડીને કોંગ્રેસને જીતાડી શકે તેમ છે. આ કારણે પાટીદારોને રીઝવ્યા સિવાય ગુજરાત જીતી શકાશે નહીં, તેવો ખ્યાલ ભાજપને આવી ગયો હતો.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાટીદાર પાવર દેખાડ્યા પછી તેમણે પોતાની નજર સૌરાષ્ટ્ર પર ઠેરવી હતી. મૂળ સૌરાષ્ટ્રના પણ સુરતમાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાયા હતા. બીજા પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયા પણ આપમાં જોડાયા હતા. ન્યૂઝ ચેનલના લોકપ્રિય એન્કર ઇસુદાન ગઢવી પણ આપમાં જોડાયા હતા. કડવા અને લેઉઆ પાટીદારો સંગઠિત બનીને આપના ટેકામાં આવી ગયા હતા. કદાવર પાટીદાર નેતા નરેશ પટેલે આપને ટેકો જાહેર કર્યો હતો. બહુ ટૂંક સમયમાં ગુજરાતમાં આપે જે કાઠું કાઢ્યું તેને કારણે ભાજપમાં ખતરાની ઘંટડી બજવા લાગી હતી.  પાટીદારોને સંતુષ્ટ કરવા તેમના સમાજના પુરુષોત્તમ રૂપાલાને અને મનસુખ માંડવિયાને કેન્દ્રમાં કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેનાથી પણ પાટીદારો સંતુષ્ટ ન થયા ત્યારે જૈન મુખ્ય મંત્રીનો ભોગ લઈને પાટીદારને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપનું આ જુગટું કેટલે અંશે સફળ થશે તેનો ખ્યાલ તો ચૂંટણી દરમિયાન જ આવશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top