અમદાવાદમાં આજે એક ચોંકાવનારી ઘટના બની. આજે 31મી ઓક્ટોબરે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિ નિમિત્તે અહીં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધાર્યા હતા.
મુખ્યમંત્રીએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. ત્યાર બાદ તેઓ પરત ફરી રહ્યાં હતાં ત્યારે દાદરા પરથી અચાનક લપસી પડ્યા હતા. સદ્દનસીબે તેમને કોઈ ઈજા થઈ નહોતી. તેઓ સુરક્ષિત હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીએ ધ્વજ ફરકાવી યુનિટી માર્ચને આગળ ધપાવી હતી.

ઘટનાનો વીડિયો વાયરલ થયો
અમદાવાદના કાર્યક્રમમાં સીએમ લપસી પડ્યા તે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી માટે સ્ટેજ બનાવાયો છે. સ્ટેજ પર લાલ રંગની કાર્પેટ પાથરી છે, જે વરસાદને લીધે ભીની થઈ છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ સરદાર પટેલની પ્રતિમાને હાર કરવા સ્ટેજ પર જાય છે. પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી રહ્યાં છે ત્યારે દાદર પર તેમનો પગ લપસે છે. તેઓ પગથિયા પરથી ગબડી પડે છે. તેમની ટોપી નીચે પડી જાય છે. આસપાસ ઉભેલા સુરક્ષા કર્મચારી તેમની મદદે દોડી જાય છે. તેમને પકડી ઉભા કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મુખ્યમંત્રીને કોઈ ઈજા થઈ નથી.
ઘટના બાદ CM પદયાત્રામાં 100 મીટર ચાલ્યા
આ ઘટના બન્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારણપુરા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને માર્ચને ફ્લેગ ઓફ કરાવી હતી. અમદાવાદમાં આયોજીત યુનિટી માર્ચમાં ફાયર અને પોલીસના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. CM ભૂપેન્દ્ર પટેલે આ પદયાત્રાનું ફ્લેગ ઓફ કરી પોતે 100 મીટર સુધી ચાલ્યા હતા.