સુરતઃ ગણેશ વિસર્જનના દિવસે જાહેરમાં ખુલ્લી તલવાર લઈ લોકોને ગાળો દઈ ધમકાવનાર, ડરાવનાર ચીયા ગેંગના ગુંડાનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે. વીડિયો વાયરલ થતાં લિંબાયત પોલીસે કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લંબિયાત વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં ચિયા ગેંગના ગુંડાઓનો છેલ્લાં કેટલાંક સમયથી આતંક છે. ગુંડાઓ વિરુદ્ધ કોઈ હરફ સુદ્ધાં ઉચ્ચારી શકતું નથી. આ વિસ્તારમાં ચિયા ગેંગના ગુંડાઓ મારપીટ માટે કુખ્યાત છે. ગણેશ વિસર્જનના દિવસે આવી જ એક ઘટના બની હતી.
ગણેશ વિસર્જનના દિવસે આઝાદનગરના ઘરની બહાર ચિયા ગેંગના ગુંડા બેઠા હતાં અને જોર જોરથી બૂમો પાડી રહ્યાં હતા. ગાળો દઈ રહ્યાં હતાં. તેથી ફરિયાદીએ ધીમા અવાજ વાત કરવાનું અને ગાળો બોલવાની ના પાડી હતી. તેથી ઉશ્કેરાઈ જઈ ચિયા ગેંગના ગુંડાઓએ ફરિયાદને માર માર્યો હતો અને જાહેર રસ્તા પર ખુલ્લી તલવાર લઈ આતંક મચાવ્યો હતો, જેના લીધે લોકો ગભરાને ઘરમાં જતાં રહ્યાં હતાં. આ ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ થયો હતો, જેને પગલે લિંબાયત પોલીસે ચિયા ગેંગના ગુંડાઓને પકડી લીધા હતા.
લિંબાયત પોલીસે વીડિયોના આધારે ચિયા ગેંગના સમીર ઉર્ફે ગેટીની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓ વાજિય ઉર્ફે ચિયા અને અલ્તાફની શોધ ચાલી રહી છે. પકડાયેલા આરોપી સમીરનું પોલીસે સરઘસ કાઢ્યું હતું, જે વિસ્તારમાં તે દાદાગીરી કરતો હતો તે વિસ્તારમાં તેને ફેરવ્યો હતો. સમીરે હાથ જોડી લોકોની માફી માંગી હતી.