મહારાષ્ટ્ર: મુંબઈના (Mumbai) થાણેની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં (Hospital) એક જ રાતમાં 17 દર્દીઓના (Patients) મોતનો (Death) સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ પહેલા 10 ઓગસ્ટના રોજ આ હોસ્પિટલમાં 5 દર્દીઓના મોત થયા હતા. આ પછી તેને લઈને ઘણો હોબાળો થયો હતો. એક સપ્તાહમાં આ હોસ્પિટલમાં 22 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીઓના મોતથી સ્વજનો શોકમાં છે. હોસ્પિટલ પ્રશાસન પર ઘોર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જીવ ગુમાવનારાઓમાં 12 દર્દીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 2 દર્દીઓને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેઝ્યુઅલ્ટીમાં 2 અને બાળરોગમાં 1 દર્દી દાખલ થયા હતા. આ સાથે હોસ્ટિલમાં સ્ટાફના અભાવ હોવાના કારણે દર્દીઓને યોગ્ય સારવાર ન મળી હોવાનું પણ સામે આવ્યું છે.
10 ઓગસ્ટના રોજ 5 દર્દીઓના મોત થયા હતા
એવું પણ જાણવા મળ્યું છે કે આ તમામ 17 દર્દીઓ શનિવારે રાત્રે 10.30 વાગ્યાથી રવિવારે સવારે 8.30 વાગ્યાની વચ્ચે મૃત્યુ પામ્યા હતા. આ પહેલા 10 ઓગસ્ટની રાત્રે પણ આ જ હોસ્પિટલમાં 5 દર્દીઓના મોત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં ડોક્ટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓની ભારે અછત છે, જેના કારણે સારવારના અભાવે તમામના મોત થયા છે. મૃતકોમાં એક 80 વર્ષીય દર્દીનો પણ સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રના થાણેમાં મ્યુનિસિપલ બોડી હેઠળ આવતી આ હોસ્પિટલમાં 10 ઓગસ્ટના રોજ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે આ હોસ્પિટલની બેદરકારીનાં કારણે 5 લોકોના મોત થયા છે. તે જ સમયે સંભવિત હંગામાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતાં.
તે સમયે છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલના અધિકારીઓએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે 5 નહીં, પરંતુ માત્ર 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ આ પાંચ મૃત્યુ બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને યોગ્ય સારવારની ખાતરી આપી હતી.