નવસારીના જે વિસ્તારમાં હું વસવાટ કરું છું તે છાપરા રોડ વિસ્તાર તળ નવસારી સાથે જોડાયેલા દક્ષિણ તરફનો વિસ્તાર છે. પાછલાં થોડાં વર્ષોમાં આ વિસ્તારનું સારું એવું શહેરીકરણ થયું છે. છાપરા રોડ દક્ષિણ તરફ દાંતેજ ચોકડીથી શરૂ થઈને લગભગ 3.5 કી.મિ. પછી ઉત્તરમાં તળ નવસારી સાથે જોડાય છે. ગાંધીસ્મૃતિ રેલવે ઓવરબ્રિજ બનવાથી કાંઠા વિસ્તારનાં ગામોથી નવસારી શહેરમાં આવતો ટ્રાફિક મોટે ભાગે હવે છાપરા રોડ થઈ આવે છે અને એ કારણસર આ રોડ મળસ્કેથી શરૂ કરી મોડી રાત્રી સુધી વાહનોથી ધમધમતો રહે છે. પરંતુ રોડ પ્રમાણમાં સાંકડો, સાઈડ શોલ્ડર્સ વગરનો તેમજ વચ્ચેનો લગભગ 1.5 કી.મી.નો પટ્ટો તૂટેલો, ઉબડખાબડ અને ખરાબ હાલતમાં હોઈ વાહન ચલાવવામાં મુશ્કેલી ઉપરાંત અકસ્માતનો પણ ભય રહે છે.
સત્તાધીશો/નગરસેવકો/જાહેર સેવકો પોતે આ માર્ગ પરથી પસાર થતાં જ હશે, પરંતુ કોઈ અગમ્ય કારણોસર ઘણા સમયથી આ અગત્યના માર્ગને રિપેર કરવાની કે તેને પહોળો કરવાની તજવીજ દેખાતી નથી. બીજો મુદ્દો એ છે કે બે એક વર્ષ પહેલાં છાપરા /રોડ વિસ્તાર નવસારી નગરપાલિકામાં સમાવવા છતાં હજુ વ્યવસ્થિત ગટર લાઈન અને ‘નલ સે જલ’ યોજનાથી વંચિત છે અને અમારા જેવાં રહેવાસીઓએ હજુ એ જ વર્ષો જૂના ઘરના ખાળકૂવા અને બોર પર આધાર રાખવો પડે છે. છાપરા રોડ, નવસારીની ઉપરોક્ત બાબતોમાં છાપાંની જાહેરાતોમાં ડોકાતો વિકાસ વાસ્તવની ધરાતલ પર ક્રેશ લેન્ડિંગ કરે એ જ અભ્યર્થના.
નવસારી – કમલેશ મોદી મેરાઈ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પરિણામ શૂન્ય
નવા અલથાણ પોલીસ સ્ટેશનનું શુભ ઉદ્દઘાટન ગૃહ મંત્રી હર્ષકુમાર સંઘવીના વરદ હસ્તે તારીખ 22.10.2022 ના રોજે રાખતા સ્થાનિક પોલીસે વિવેક બૌદ્ધિકો સહિત સામાજિક કાર્યકરોને પણ આમંત્રણ આપી મહેમાન તરીકે બોલાવ્યા હતા ત્યારે સર્વ પ્રથમ મેં એક સૂચન પત્ર ભરથાણા લેક ગાર્ડનમાં બેસી રહેતા અસામાજિક લુખ્ખાં તત્ત્વોનો ત્રાસ ડામવા આપેલ એ વાતને 6 મહિના થઈ જવા છતાં ત્યાર બાદ મેં તારીખ 15.4.2023 ના રોજે એક નહીં પણ 17 અરજી ફરિયાદો લેખિતમાં નામજોગ સદર વિષય બારામાં પોલીસના વિવિધ વિભાગો સહિત રીબીન કાપવા આવેલા ગૃહ મંત્રીને પણ આપેલ હોવા છતાં હાલ દિન સુધી બદી /દૂષણ દૂર થયેલ નથી. આમ વખાણી ખીચડી દાંતે વળગી અને ગાજયા મેઘ વરસે નહીં અને સરકાર વચનો ખૂબ આપે…! એવો ઘાટ સર્જાયો છે. ખેર અલથાણ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન એ પ્રથમ ગ્રાસે મક્ષિકા એટલે શરૂમાં જ વિઘ્ન નડવું તેમ પુરવાર થયેલ છે.
મનોજ – મનુભાઈ પટેલ મેરાઈ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.