ચેન્નાઈમાં (Chennai) ચક્રવાત (Cyclone) મિચોંગના કારણે ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે જેના કારણે આખું શહેર પાણીમાં ડૂબી ગયું છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ ભીષણ તોફાનમાં ઘણા લોકો ફસાયા હતા જેમાંથી બોલિવૂડ અભિનેતા આમિર ખાન અને વિષ્ણુ વિશાલનું નામ પણ સામે આવ્યું હતું. હાલ તેઓને બચાવી લેવાયા છે. અભિનેતા વિષ્ણુ વિશાલે એક્સ પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે. આ દરમિયાન તેમણે તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં આમિર ખાન પણ રેસ્ક્યુ બોટમાં બેસેલા જોવા મળી રહ્યા છે. તસવીરો સામે આવ્યા બાદ જ ખબર પડી કે આ તોફાનમાં વિષ્ણુની સાથે આમિર ખાન પણ ફસાઈ ગયા હતા.
તમને જણાવી દઈએ કે આમિર ખાન હાલમાં જ ચેન્નાઈ શિફ્ટ થયા હતા. તેમણે આ નિર્ણય ઓક્ટોબર મહિનામાં લીધો હતો. અભિનેતાની માતા ચેન્નાઈમાં હતા અને ખાનગી તબીબી સંભાળ હેઠળ હતા. અભિનેતા તેમની માતાની ખૂબ જ નજીક છે અને આવા મુશ્કેલ સમયમાં તેમને ટેકો આપવા માટે તેઓ ચેન્નાઈ શિફ્ટ થયા હતા. તેઓ મેડિકલ કેર સેન્ટર પાસે જ રહેતા હતા.
આમિર ખાન કરાપક્કમમાં ફસાયેલા હતા. અભિનેતા 24 કલાક સુધી ત્યાં અટવાયેલા રહ્યા. એક્ટર વિષ્ણુ વિશાલે X પોસ્ટમાં આ અંગેની ફોટો શેર કર્યા હતા. તેણે લખ્યું કે અમારા જેવા ફસાયેલા લોકોને મદદ કરવા માટે ફાયર અને રેસ્ક્યૂ વિભાગનો આભાર. કરાપક્કમમાં બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્રણ બોટ પહેલેથી જ કાર્યરત હતી. આવા મુશ્કેલ સમયમાં TN સરકાર દ્વારા સારું કામ કરવામાં આવી રહ્યું છે. તે તમામ વહીવટી લોકોનો આભાર કે જેઓ સતત કામ કરી રહ્યા છે.
આ પહેલા પણ વિષ્ણુ વિશાલે એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે મારા ઘરમાં પાણી પ્રવેશી રહ્યું છે અને કરાપક્કમમાં પાણીનું સ્તર ખરાબ રીતે વધી રહ્યું છે. મેં મદદ માટે ફોન કર્યો છે. વીજળી નથી, વાઇફાઇ નથી…ફોન સિગ્નલ નથી…કંઈ નથી. માત્ર છત પરના કોઈ ચોક્કસ બિંદુએ જ મને સિગ્નલ મળી રહ્યા છે. આશા છે કે તે મને અને અહીં હાજર ઘણા લોકોને મદદ મળશે. હું સમગ્ર ચેન્નાઈના લોકો માટે અનુભવ કરી શકું છું.