સુરત(Surat) : સરથાણામાં (Sarthana) વેપાર કરતા વેપારી પાસેથી રૂા.80.94 લાખની પ્લાસ્ટિક બેગ (Plastic Bag) બનાવવાનો રો-મટીરીયલ્સનો (Raw Materials) સામાન (Goods) લઇને રાજસ્થાની વેપારી ગાયબ થઇ ગયો હતો. સરથાણાના વેપારીએ રાજસ્થાની વેપારીના ગોડાઉન પર જઇને તપાસ કરતા તે આઇસર ટેમ્પોમાં સામાન ભરી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇને પોલીસમાં ફરિયાદ થઇ હતી.
- સરથાણાના વેપારી પાસેથી 80.94 લાખનું પ્લાસ્ટિક રો-મટીરીયલ્સ લઇ રાજસ્થાની વેપારી ફરાર
- વેપારીએ ગોડાઉનમાં જઇને તપાસ કરતા ખબર પડી કે, ચીટર વેપારી ગોડાઉનથી તમામ સામાન ભરીને ભાગી ગયો છે
પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના થોરખાણ ગામના વતની અને સુરતમાં કાપોદ્રા પાસે રાજેશ્વરી સોસાયટીમાં રહેતા મયુરભાઇ ડાયાભાઇ નાથાણી ‘સાધના પેક’ના નામથી સરથાણા સિલ્વર ચોક પાસે પ્લાસ્ટિક રો-મટીરીયલ્સનો વેપાર કરે છે. આ દરમિયાન તેમની પાસે પ્લાસ્ટિકની બેગ બનાવતા અને ગોડાદરામાં ખોડિયાર રેસીડેન્સીની બાજુમાં ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ નાગરમલ સૈની આવ્યો હતો. નરેશ સૈનીએ મયુરભાઇને જણાવ્યું કે, તે સારોલી રાજપુરોહિત ગોડાઉનમાં પ્લાસ્ટિકની બેગ બનાવવાનો વેપાર કરે છે. તેમ કહીને શરૂઆતમાં 10 હજારનો માલ રોકડેથી ખરીદ્યો હતો, બાદમાં બે લાખના બે ચેકો આપીને ઉધારીમાં માલ ખરીદ્યો હતો. ત્યારબાદ આ નરેશ સૈનીએ અંદાજીત રૂા.80.94 લાખની કિંમતનો રો-મટીરીયલ્સનો માલ ઉધારીમાં ખરીદ કરી પેમેન્ટ ચૂકવ્યું ન હતું.
મયુરભાઇ પોતાના વતનમાં ગયા હતા અને ત્યાંથી પરત આવીને નરેશભાઇને ફોન કરીને પેમેન્ટ માંગ્યું ત્યારે નરેશે કહ્યું કે, હું રાજસ્થાન આવ્યો છું, બે દિવસમાં સુરત આવું એટલે તમને પેમેન્ટ આપી દઇશ’. બે દિવસ બાદ ફરીવાર મયુરભાઇએ ફોન કર્યો ત્યારે નરેશનો ફોન બંધ આવતો હતો. બાદમાં મયુરભાઇ નરેશના સારોલી સ્થિત ગોડાઉનમાં ગયા ત્યારે ત્યાં ગોડાઉનને તાળુ માર્યું હતું. મયુરભાઇ પરત આવીને બે દિવસ બાદ ફરીવાર નરેશના ગોડાઉન ઉપર ગયા હતા. પરંતુ ત્યારે પણ નરેશનું ગોડાઉન બંધ હતું. મયુરભાઇએ નજીકમાં આવેલી ચાની લારીવાળાને પુછતાં ખબર પડી કે, નરેશ તો થોડા દિવસ પહેલા આઇસર ટેમ્પોમાં ગોડાઉનમાંથી તમામ સામાન ભરીને ચાલ્યો ગયો છે. બનાવ અંગે મયુરભાઇએ પોતાના મોટાભાઇને વાત કરીને સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.