સુરત: (Surat) આગામી 3 અને 4 ડિસેમ્બરના (December) રોજ સી.એ.ની (CA) સેન્ટ્રલ કાઉન્સિલની (Central Council) ચૂંટણીઓ (Election) યોજાવા જઇ રહી છે. જેમાં સુરતના 5000 સીએ મતદાન કરશે. આ વખતે સુરતના સીએને થયેલા અન્યાયનો મુદ્દો પ્રમુખ સ્થાને છે. મુંબઇથી (Mumbai) આવેલા કેટલાંક સી.એ. ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) કડવો અનુભવ થયો હતો. ઓડિટની (Audit) લિમિટ વધારી દેવાતાં જીએસટીમાં (GST) ઓડિટ જ નાબૂદ કરી દેવા જેવા અનેક મુદ્દે કેટલાક સી.એ.એ રજૂઆત કરી હતી અને હાલ સી.એ.ને કામકાજ માટે અનેક મુશ્કેલીઓ નડી રહી છે. તેમની પાસે કામકાજ રહ્યું નથી. તેનો બળાપો ઉમેદવારો સમક્ષ રજૂ કરાયો છે.
સી.એ. દિનેશ દ્વિવેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આજે સી.એ.નું 80 ટકા કામકાજ પૂરું થઈ ગયું છે. 1985માં ઓડિટની લિમિટ 40 લાખ હતી. જે 2015 સુધી ચાલી. હવે છેલ્લાં પાંચ-છ વર્ષમાં આ લિમિટ બે કરોડ, પછી પાંચ કરોડ અને કેટલાક કેસમાં હવે દસ કરોડ કરી દીધી છે. હવે આ લિમિટમાં કરદાતા ખૂબ ઓછા બચ્યા છે અને જીએસટી ઓડિટ ખૂબ સામાન્ય રહી ગયું છે. બેંકો પણ મર્જ થતાં તે કામ પણ ઓછું થઇ ગયું છે.
ટેક્સટાઇલ માર્કેટમાં મીટિંગ દરમિયાન મુંબઇના કેટલાક સી.એ. દ્વારા ઇન્સ્યુરન્સ ક્ષેત્રે જઇ શકો છો તેવી સલાહ આપવામાં આવી હતી. જો કે, કાપડ માર્કેટમાં સીએ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવા જણાવવામાં આવ્યું છે. તાજેતરમાં સીએ ઇન્સ્ટિટ્યૂટને 15 કરોડની પેનલ્ટી લાગી છે. ખરી સમસ્યા તરફે તેઓ ધ્યાન આપી રહ્યા નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.