ઘરમાં બે કોલેજમાં ભણતાં ભાઈ બહેન વચ્ચે ઝઘડો થયો, કારણ હતું મોબાઈલનું રિચાર્જ નેહાનું ચાર્જર હતું અને સોહન પોતાનું ચાર્જર ગાડીમાં ભૂલી ગયો હતો. સોહને પોતાનો ફોન ચાર્જ કરવા નેહાનો ચાર્જરમાં મૂક્યો હતો અને નેહાને પોતાનો ફોન ચાર્જ કરવો હતો એટલે તે બંને એક ચાર્જર માટે ઝઘડી રહ્યાં હતાં. ઝઘડો વધી ગયો અને સોહન ગુસ્સામાં ઘરની બહાર ચાલ્યો ગયો અને નેહા પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી.બંને ભાઈ બહેન વચ્ચે અબોલા થઇ ગયા.ત્રણ દિવસ વીતી ગયા. નેહા અને સોહનનાં માસી લેખિકા ઈરાબહેન ઘરે આવ્યાં, તેમણે જોયું કે બંને ભાઈ બહેન વાત કરતાં નથી.તેમણે પોતાની બહેનને કારણ પૂછ્યું.નેહાની મમ્મીએ મોબાઈલ ચાર્જીંગને કારણે ઝઘડો થયો એમ કહ્યું.માસી બહુ સમજદાર હતાં. તેમણે બંનેને પાસે બોલાવ્યાં અને તરત જ કહ્યું, ‘વાહ, તમે તો ખરા મૂર્ખ છો, મોબાઈલને ચાર્જ કરવા ઝઘડા કરો છો અને પોતાની જાતને તો ચાર્જ કરતાં જ નથી!’
નેહા અને સોહનને સમજાયું કે પોતાના ચાર્જીંગ માટેના ઝઘડાની વાત મમ્મીએ કરી હશે પણ આ માસી જાતને ચાર્જ કરવાની શું વાત કરે છે તે સમજાયું નહિ.નેહાએ પૂછ્યું, ‘માસી, મોબાઈલને ચાર્જ કરી શકાય અને તેને ચાલુ રાખવા ચાર્જ કરવો જ પડે પણ આ તમે પોતાની જાતને ચાર્જ કરવાનું કહો છો તો શું આપણે મોબાઈલ છીએ?’ ઈરામાસી હસ્યાં અને બોલ્યાં, ‘અરે વાહ, જોક કરે છે? પણ હું સીરીયસ વાત કરું છું.આપણે બધાં મોબાઈલ નથી, સ્માર્ટ ફોન નથી પણ સ્માર્ટ તો છીએ જ અને જે સ્માર્ટ હોય તે મારી વાત સમજી જશે.’ સોહન બોલ્યો, ‘માસી, હું તમારી વાત થોડી સમજયો પણ જાતને ચાર્જ કઈ રીતે કરવી? ચાર્જ કરવા શું કરવું? એવું કોઈ ચાર્જર છે જે આપણને ચાર્જ કરી શકે?’
ઈરામાસી બોલ્યાં, ‘બહુ સ્માર્ટ નહિ બન સમજ્યો, તું સ્માર્ટ હોત તો બહેન સાથે ઝઘડો ન કરત સમજ્યો.પોતાની જાતને ચાર્જ કરવા માટે સકારાત્મકતા, ધન્યવાદ, આનંદ મનમાં રાખવો પડે અને બીજાને આપવો પડે.મનને ખુશી આપવા માટે ખોટા ઝઘડા ન કરવા ,પોતાની ભૂલ સ્વીકારવી , પોતાના વર્તન પર પોતે જ ધ્યાન રાખવું, સેલ્ફ કેર અને સેલ્ફ લવ હંમેશા ન ભૂલવો પણ સાથે સાથે સ્વાર્થી પણ ન બનવું.બીજા પાસેથી ,પરિવાર પાસેથી ,સમાજ પાસેથી જે મેળવો છો તેનાથી વધારે પાછું આપવાની જવાબદારી સ્વીકારવી.ખુશ રહેવું અને ખુશી આપવી …પોતાની જાતને પ્રેમ કરવો અને અન્યોને પણ પ્રેમ વહેંચવો.તેનાથી તન અને મન બંને ચાર્જ થઈ જશે.જાતને ચાર્જ કરવા કોઈ સકારાત્મક એનર્જી આપે તેવું ચાર્જર શોધવું અને બીજા માટે આપણે ચાર્જર બનવું જરૂરી છે.ચાલો, તમે ઝઘડો ભૂલો અને એકમેકને ખુશી આપતાં ચાર્જર બની એકબીજાને ચાર્જ અપ કરી દો.’ માસીએ બહુ સુંદર વાત સમજાવી દીધી અને ઝઘડો ભુલાવી દીધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.