અમદાવાદ: ગુજરાતની (Gujarat) જાણીતી લોકગાયિકા (Folk Singer) કિંજલ દવેની (Kinjal Dave) મુશ્કેલી વધી છે. જે ગીત માટે કિંજલ દવે દેશ વિદેશમાં મશહૂર થઈ હતી તે ‘ચાર ચાર બંગળી વાળી ગાડી લઈ દઉં..’ (Char Char Bangadiwali Gadi..) ગીત હવે કિંજલ દવે ગાઈ શકશે નહીં. કિંજલ દવે દ્વારા આ ગીત ગાવા પર અમદાવાદની સેશન્સ કોર્ટે પ્રતિબંધ (Ban) મુક્યો છે. કોપીરાઈટના મુદ્દે ચાલતા કેસમાં સેશન્સ કોર્ટે કિંજલ દવેની વિરુદ્ધમાં આ હુકમ કર્યો છે. કિંજલ દવેના કંઠે ગવાયેલા આ ગીતની સીડી અને કેસેટ પણ બજારમાં નહીં વેચવાનો હુકમ કોર્ટ (Court Order) દ્વારા કરાયો છે.
- અમદાવાદની સેશન્સ કોર્ટેનો હૂકમ
- કિંજલ દવે લાઈન કોન્સર્ટમાં નહીં ગાઈ શકે, સીડી-કેસેટ પણ નહીં વેચી શકે
- ઓસ્ટ્રેલિયાના કાઠિયાવાડી કિંગ દ્વારા કરાયેલા કોપીરાઈટ કેસમાં કિંજલ દવેની હાર
કિંજલ દવે ચાર ચાર બંગળી વાળી ગાડી લઈ દઉં ગીતથી દેશ વિદેશમાં જાણીતી બની હતી. દરમિયાન એક એનઆરઆઈ દ્વારા આ ગીતના કોપીરાઈટનો કેસ કિંજલ દવે વિરુદ્ધકરાયો હતો. આ ગીતના કોપીરાઈટના વિવાદ સંબંધિત કેસની સુનાવણી આજે અમદાવાદના સેશન્સ કોર્ટમાં થઈ હતી. કોર્ટે કિંજલ દવેની વિરુદ્ધ આ કેસમાં હુકમ કર્યો હતો. કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરર્ફોમન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં ચાર ચાર બંગળી વાળી ગાડી લઈ દઉં ગીત ગાઈ શકશે નહીં. કોર્ટના આ હુકમના લીધે કિંજલ દવેને ખૂબ મોટો ફટકો પડી શકે છે. આ ગીત કિંજલ દવેની ઓળખ બની ગયું છે. આ ગીતના લીધે જ તેની લોકપ્રિયતા વધી છે.
તમને જણાવી દઈએકે ઓસ્ટ્રેલિયાના કાઠીયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કિંજલ દવે વિરુદ્ધ કોપીરાઈટનો કેસ કર્યો હતો. આ અગાઉની સુનાવણીમાં કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મુક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈ પણ કમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કરાયો હતો.
કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે એવો દાવો કર્યો હતો કે આ ગીત તેઓએ લખ્યું છે. કિંજલ દવેએ ગીતમાં બે ચાર ફેરફાર કરી પોતાના નામે ગાયું છે. પોતે આ ગીતનો વીડિયો 2016માં અપલોડ કર્યો હતો અને કિંજલ દવેએ થોડા સમય બાદ થોડા ફેરફાર કરી ઓક્ટોબર 2016માં યુટ્યૂબ પર ગીત અપલોડ કર્યું હતું.