નડિયાદ: ચરોતરમાં ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. મહુધા વિધાનસભા બેઠકનો ઈતિહાસ જોતા 1975થી આ બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એકહથ્થુ શાસન ચાલતુ આવ્યુ છે. તેમાંય વર્ષ 1990થી 2017 સુધી આ બેઠક પર સતત 27 વર્ષ સુધી નટવરસિંહ ઠાકોરે કોંગ્રેસ તરફથી સતત 6 ટર્મ સુધી જીત મેળવી હતી. તેમજ વર્ષ 2017ની ચૂંટણીમાં તેમણે પોતાના પુત્ર ઈન્દ્રજીતસિંહ પરમારને આ બેઠક પર આગળ કર્યા હતા અને 2017માં પણ મહુધાના મતદારોએ ઈન્દ્રજીતસિંહ પરમારને બહુમતીથી ચૂંટ્યા હતા.
ક્ષત્રિય-ઠાકોર સમાજની બહુમતિ ધરાવતી આ બેઠક પર વર્ષ 1967ની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટી તરફથી વી. બી. વાઘેલા ચૂંટાયા હતા. ત્યારબાદ 1972માં એન. સી. ઓ.માંથી હરમનભાઈ પટેલ ધારાસભ્ય બન્યા હતા. બાદમાં 1975થી સતત 3 ટર્મ સુધી કોંગ્રેસના બળવંતસિંહ સોઢા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1990માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે નટવરસિંહ ઠાકોરને મેદાને ઉતાર્યા હતા અને તેઓ સતત 2017 સુધી આ બેઠક જાળવી હતી. પ્રચંડ મોદી લહેરમાં પણ ભાજપના દિગ્ગજોને તેમણે આ બેઠક પર હંફાવ્યા હતા. તો વર્ષ 2017માં નટવરસિંહ ઠાકોરે રાજકારણમાંથી સ્વૈછિક નિવૃતિ લઈ તેમના પુત્ર ઈન્દ્રજીતસિંહ પરમારને કોંગ્રેસ તરફથી આગળ કરતા ગઈ ચૂંટણીમાં પણ કોંગ્રેસે આ આ બેઠક જાળવી રાખી હતી.
આ વખતે ઈન્દ્રજીતસિંહ પરમાર અને સંજય મહીડા વચ્ચે સીધી જંગ
ભારતીય જનતા પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં જ સંજયસિંહ મહીડાના નામ પર મહોર મારી દીધી હતી. મૂળ કમળા-યોગીનગરના સંજયસિંહ મહીડા હાલ નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ છે. ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરથી માંડી તાલુકા પંચાયત પ્રમુખ સુધીની સફર ખેડનારા સંજયસિંહ મહીડા યુવા ચહેરો છે. તો કોંગ્રેસે ફરી એકવાર ઈન્દ્રજીતસિંહ પરમારને આગળ કર્યા છે. સંજયસિંહ મહીડાએ જીતવાનો દાવો કર્યો છે તો ઈન્દ્રજીતસિંહ પરમારે 2017મા મળેલી 13 હજારની લીડ ડબલ થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ત્યારે મહુધામાં ઈન્દ્રજીતસિંહ પરમારની મજબૂત પકડ સામે નડિયાદના ગામો પર સંજયસિંહ કેટલા મજબૂત પુરવાર થશે, તે જોવુ રહ્યુ.
મહુધા વિધાનસભામાં સમાવિષ્ટ વિસ્તારો
મહુધા વિધાનસભા મતવિસ્તાર હેઠળ ખાંડીવાવ ગામ સિવાય આખો મહુધા તાલુકો તેમજ નડિયાદ તાલુકામીઁ યોગીનગર, અંધજ, અરેરા, દવાપુરા, વીણા, હાથજ, નવાગામ(પેટલી), જાવોલ, અરજનપુરા કોટ, નાના વાગા, પાલડી, સોડપુર, મોંઘરોલી, મહોળેલ, પાલૈયા, વાલ્લા, એરંડિયાપુરા, સિલોદ, હાથનોલી, કમળા, મંજીપુરા, બિલોદરા, મરીડા, સલુણ વાંટો, સલુણ તળપદ, અલિન્દ્રા, ચલાલી, સુરાશામળ, કંજોડા, ફતેપુરા, ચકલાસી સહિતના ગામનો સમાવેશ થાય છે.