એક શ્રીમંત શેઠને ત્યાં નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી હતી.શેઠ અને શેઠાણી અનુષ્ઠાન કરી રહ્યાં હતાં. માત્ર ફળ અને દૂધ ખાઈને ઉપવાસ કરી રહ્યા હતા.અગિયાર બ્રાહ્મણો આવીને રોજ પાઠ પૂજા કરતા.માતાજીને રોજ સોળ શણગાર સજાવવામાં આવી રહ્યા હતા અને વિવિધ ભોગ ધરાવવામાં આવી રહ્યા હતા.બહુ જ સુંદર ઉજવણી હતી.માતાજીના ગરબા ગવાતા.સુંદર કાંડના પાઠ પણ થતાં.
પર્વના અંતે હવે ઉજવણીનો દિવસ આવ્યો અને બહુ ભવ્ય રીતે ઉજવણું કરવામાં આવ્યું.નવ બાલિકાઓ અને નવ સૌભાગ્યવતી સ્ત્રીઓનું સવિશેષ રીતે બાજઠ પર બેસાડી સુંદર સાડી ઓઢાડી શણગાર ભેટ ચઢાવી પૂજન કરવામાં આવ્યું.શેઠ અને શેઠાણી બંનેએ બધી દેવી સ્વરૂપ કન્યાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓનું પાદપૂજન કર્યું.હાથે કોળિયા ભરાવ્યા અને પ્રણામ કર્યા.સવિશેષ નવદુર્ગા સ્વરૂપ કન્યાઓને તેમને પ્રાર્થના કરી કે અમારી પુત્રવધૂને દીકરો અવતરે.પરમ કૃપા કરો કે આ વૈભવનો વારસદાર અમને મળે.બસ અમને બીજું કંઈ નથી જોઈતું. બસ માતાજી એક પૌત્ર આપી દો.
આવી શેઠ શેઠાણીની સતત બસ પૌત્ર મેળવવાની પ્રાર્થના હતી.બધા એમ કહી રહ્યાં હતાં કે આટલું સુંદર વ્રત કર્યું ..આટલું ભવ્ય ઉજવણું કર્યું ચોક્કસ મતાજી પ્રસન્ન થશે અને દીકરા –વહુને ત્યાં પુત્રજન્મ જ થશે.માત્ર એક પાડોશી પ્રોફેસર જરા હસ્યા અને બોલ્યા, ‘શેઠ – શેઠાણી તમને માઠું ન લાગે તો એક વાત કહું..’ શેઠ બોલ્યા, ‘કહો..’ પ્રોફેસર બોલ્યા, ‘શેઠ અને શેઠાણી તમે મારી દૃષ્ટિએ ખોટી પ્રાર્થના અને યાચના કરી રહ્યા છો.આમ તો વ્રત તપ કર્યા બાદ કોઈ માગણી કરવાની જ ન હોય અને જો માગણી કરવી જ હોય તો પણ તમારી રીત ખોટી છે.’
બધાને નવાઈ લાગી કે આ શું બોલી રહ્યા છે? બ્રાહ્મણોને થયું પૂજાવિધિમાં અમારાથી વધારે શું આ પ્રોફેસર જાણે છે? શેઠે કહ્યું, ‘શું ભૂલ છે?’ પ્રોફેસર બોલ્યા, ‘તમે જગતજનની માતાજીના વ્રત કર્યા …અને તેમની પ્રતિકૃતિ સમ નવદુર્ગા રૂપે આ કુમારિકાઓનું પૂજન કર્યું અને માગ્યું કે દીકરો આપો.આ ભૂલ છે.નારીશક્તિનું દેવીપૂજન કરવું છે, પણ ઘરમાં નારીજન્મ નહિ…દીકરી નહિ, દીકરો જ જોઈએ છે…આ પ્રાર્થનામાં ભૂલ છે..તમે સંતાન માંગો પછી મા ને જે આપવું હશે તે આપશે.દીકરી કે દીકરો બંને એક બરાબર જ છે.’ શેઠને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમને તરત પ્રાર્થનામાં બદલાવ કર્યો અને પ્રોફેસર મિત્રનો આભાર માન્યો.