ચંદ્રયાન-3 (Chandrayan-3) મિશન હેઠળ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવેલ પ્રજ્ઞાન રોવર ‘શિવ શક્તિ’ પોઈન્ટની (Shiv Shakti Point) આસપાસ ફરતું જોવા મળ્યું છે. ભારતીય અવકાશ એજન્સી ISRO (ISRO) એ રોવરનો નવો વીડિયો જાહેર કર્યો છે. શનિવારે ISRO દ્વારા જાહેર કરવામાં આવેલા નવા વીડિયોમાં ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરમાંથી બહાર નીકળતું અને ચંદ્રની સપાટી પર ફરતું જોઈ શકાય છે.
ISROના ચંદ્રયાન-3 ઉપગ્રહે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં વિક્રમ લેન્ડરને લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે ભારત આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બની ગયો છે. જો કે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાના મામલે ભારત રશિયા, અમેરિકા અને ચીન પછી ચોથા નંબર પર છે. રોવર ‘પ્રજ્ઞાન’ ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ વિક્રમ લેન્ડરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. સ્પેસ એજન્સીએ શનિવારે વધુ એક નવો વીડિયો શેર કર્યો, જેમાં પ્રજ્ઞાન રહસ્યોની શોધમાં દક્ષિણ ધ્રુવ પર શિવ શક્તિ બિંદુની આસપાસ ફરતો જોવા મળે છે.
વિડિયો જાહેર કરતાં ઈસરોએ લખ્યું કે પ્રજ્ઞાન રોવર દક્ષિણ ધ્રુવ પર ચંદ્રના રહસ્યોની શોધમાં શિવ શક્તિ પોઈન્ટની આસપાસ ફરી રહ્યું છે. ઈસરોએ જાહેર કરેલો વીડિયો 40 સેકન્ડનો છે. જણાવી દઈએ કે PM નરેન્દ્ર મોદીએ શનિવારે ત્રણ મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે જે જગ્યાએ ચંદ્રયાન-3 લેન્ડ થશે તેને ‘શિવ શક્તિ’ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે ચંદ્રયાન-2 જ્યાં લેન્ડ થયું તેને ‘તિરંગા’ પોઈન્ટ કહેવામાં આવશે. ત્રીજી એ જાહેરાત કરી કે 23 ઓગસ્ટને હવે દર વર્ષે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
‘શિવ શક્તિ’ નામ સામે વાંધો
બીજી તરફ પીએમ મોદી દ્વારા ચંદ્ર પરના ચંદ્રયાન-3ના ટચડાઉન પોઈન્ટને ‘શિવશક્તિ’ બિંદુ તરીકે નામ આપવા પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે આ નામ હાસ્યાસ્પદ છે. કારણકે પીએમ મોદીને ખબર નથી ચંદ્રની સપાટીને નામ આપવાનો કોઈ અધિકાર નથી. આખી દુનિયા હસશે. તેમણે કહ્યું કે પીએમ મોદીને ચંદ્ર પર એક બિંદુનું નામ આપવાનો અધિકાર કોણે આપ્યો. આપણે ચંદ્ર પર ઉતર્યા છીએ તે સરી વાત છે. અમને તેના પર ગર્વ છે તેમાં કોઈ શંકા નથી, પરંતુ આપણે ચંદ્રના માલિક નથી.