Editorial

ચંદ્રયાન-૩ ચંદ્રની અનેક અજાણી બાબતો બહાર લાવી શકે છે

ભારતનું ચંદ્રયાન-૩નું લેન્ડર ૨૩મી ઓગસ્ટના રોજ ચંદ્રની ધરતી પર અને તે પણ તેના દક્ષિણ ધ્રુવની ધરતી પર સફળતાપૂર્વક ઉતર્યું છે તે આપણા માટે ગૌરવની વાત તો છે જ પરંતુ આ ચંદ્રયાનના લેન્ડરે તેની કામગીરી શરૂ કરીને શરૂઆતમાં જ એક મહત્વની શોધ કરી નાખી છે તે આખા વિશ્વ માટે મહત્વની છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરેલ ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરે તેની કામગીરી બરાબર શરૂ કરી દીધી છે તેના પ્રથમ સંકેતમાં આ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટીના તાપમાનનો ડેટા પૃથ્વી પર મોકલ્યો છે જે ચંદ્રની સપાટી પર તાપમાનની વધઘટનો અભ્યાસ કરવામાં મદદરૂપ નિવડશે. ચંદ્રયાન-૩ના લેન્ડરે ચંદ્રની સપાટી પર અભ્યાસ શરૂ કર્યો અને જે પ્રથમ ડેટા મોકલ્યો તેમાં જ તેણે મોટો ધડાકો કરી દીધો છે. તેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટીના તાપમાનની જે વિગતો મોકલી છે તેના પરથી જાણવા મળ્યું છે કે ચંદ્રની સપાટી ૭૦ ડીગ્રી સેલ્સિયસ જેટલા ઉંચા તાપમાનથી ધખી રહી છે. ચંદ્રની સપાટી પરના અત્યંત ઉંચા તાપમાન અંગે ઇસરોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. વળી બીજી પણ એક મહત્વની શોધ ચંદ્રયાનના લેન્ડરે કરી છે અને તે એ કે ચંદ્રની સપાટી અને તેની સપાટીની થોડીક જ ઉંડાઇના તાપમાન વચ્ચે ઘણો જ મોટો તફાવત જણાય છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ જણાવ્યું છે કે ચંદ્રયાનના લેન્ડરના ચંદ્રાસ સરફેસ થર્મોફિઝિકલ એક્સપરીમેનટ(ચાસ્ટે) પેલોડ દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવની આજુબાજુની ચંદ્રની ઉપલી સપાટીનું તાપમાન માપવામાં આવ્યું હતું. ઇસરોએ રવિવારે આ તાપમાનના અભ્યાસની માહિતી જાહેર કરી હતી. ચાસ્ટેએ ધ્રુવની આજુબાજુની ઉપલી સપાટીનું તાપમાન ચંદ્રની સપાટીની તાપમાન વર્તણૂક સમજવા માટે માપ્યું છે એ ઇસરોએ અગાઉના ટ્વીટર એવા એક્સ પર એક અપડેટમાં જણાવ્યું હતું. આ અપડેટનો એક ગ્રાફ પણ ઇસરોએ શેર કર્યો છે જે અંગે તેણે જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલ ગ્રાફ ચંદ્રની સપાટી/નજીકની સપાટીના તાપમાનમાં વિવિધ ઉંડાઇએ થતો ફેરફાર દર્શાવે છે.

ઇસરોના એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે અમે બધા માનતા હતા કે ચંદ્રની સપાટી પર તાપમાન ૨૦થી ૩૦ ડીગ્રી સેન્ટિગ્રેડ સુધીનું હશે પરંતુ તે ૭૦ ડીગ્રી સેન્ટિગ્રેડ છે. આ અમે જે અપેક્ષા રાખતા હતા તેના કરતા આશ્ચર્યજનક રીતે ઉંચુ છે એમ તેમણે કહ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવનું આ આવું પ્રથમ પ્રોફાઇલ છે જેનો વિગતવાર અભ્યાસ ચાલી રહ્યો છે. ઇસરોએ આ અંગે વધુ વિગતો આપી નથી. એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે વિગતવાર અભ્યાસ હજી ચાલુ છે. ઇસરોએ રજૂ કરેલા ગ્રાફ પરથી સમજાય છે કે તાપમાન વિવિધ ઉંડાઇ અનુસાર માઇનસ ૧૦થી લઇને ૬૦ ડીગ્રી સેલ્સિયસ સુધીનું છે.

ઇસરોના એક વૈજ્ઞાનિક બી.એચ.એમ. દરૂકેશાએ જણાવ્યું હતું કે આપણે જો પૃથ્વીની જમીન પરની સપાટીની અંદર બેથી ત્રણ સેન્ટિમીટર નીચે જઇએ તો ઉપરની અને અંદરની સપાટીના તાપમાનમાં માંડ બે કે ત્રણ ડીગ્રી સેન્ટિગ્રેડ(સેલ્સિયસ) જેટલો તફાવત જણાય છે પરંતુ ચંદ્રની સપાટીમાં વિવિધ સ્તરે તાપમાનમાં ઘણો જ મોટો તફાવત જણાયો છે અને આ રસપ્રદ બાબત છે. ચંદ્રની સપાટીની અંદર તાપમાન માઇનસ દસ ડીગ્રી જેટલું નીચું જતું રહે છે જ્યારે સપાટી પર તે ૭૦ ડીગ્રી જેટલું જણાયું છે. ટૂંકમાં ચંદ્રની સપાટી પર વિવિધ સ્તરે ૭૦ ડીગ્રી સેન્ટિગ્રેડથી લઇને માઇનસ ૧૦ ડીગ્રી સેન્ટિગ્રેડ સુધી તાપમાનની વિવિધતા જણાઇ છે! આ ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે. ચંદ્રની સપાટી પર થોડાક જ સેન્ટીમીટર ઉંડે જતાં તાપમાનમાં કેમ આટલો બધો તફાવત પડી જાય છે તે બાબતે હવે વિગતવાર અભ્યાસની જરૂર પડશે.

ચંદ્રની સપાટી પર ૭૦ ડીગ્રી સેન્ટિગ્રેડ જેટલું તાપમાન જણાયું છે તે સમગ્ર ચંદ્ર પર તમામ સમય માટે નહીં પરંતુ તેની સૂર્ય સામેની સપાટી પર સીધો સૂર્યપ્રકાશ પડતો હોય તેટલા સમય માટે જ હોય તે શક્ય છે. હજી અભ્યાસમાં ઘણી બાબતો બહાર આવી શકે છે. પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવના વિસ્તારની સપાટી પર શરૂઆતના જ અભ્યાસમાં જે આશ્ચર્યજનક બાબતો બહાર આવી તે ફરી એકવાર એ વાત સ્પષ્ટ કરે છે કે વિશાળ બ્રહ્માંડ જાત જાતના આશ્ચર્યો અને રહસ્યોથી ભરેલું છે. ચંદ્ર તો આપણો તદ્દન નજીકનો પાડોશી છે અને ત્યાં જો આટલું રહસ્ય ધરબાયેલું હોય તો દૂરસુદૂરની આકાશગંગાઓ અને તારામંડળોમાં તો કેવા કેવા આશ્ચર્યો અને રહસ્યો પડેલા હશે તે કોણ જાણે? અસીમ અને અમાપ બ્રહ્માંડનો સંપૂર્ણ તાગ માણસજાત કદાચ ક્યારેય નહીં પામી શકે.

Most Popular

To Top