ગાંધીનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં થયેલા કરોડોના કથિત જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચારના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેસના મુખ્ય આરોપી અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને અમદાવાદની સ્પેશિયલ ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં ઈડી દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા સ્પે. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જમીન કૌભાંડના મુખ્ય આરોપીના રિમાન્ડ દરમિયાન મની લોન્ડરિંગના પુરાવા એકત્ર કરવા માટે ઈડીની ટીમ આરોપી ચંદ્રસિંહ મોરીને દિલ્હી ખાતે લઈ ગઈ હતી. જ્યાં ઉચ્ચ અધિકારીઓએ ચંદ્રસિંહની દિલ્હીમાં સઘન પૂછપરછ કરી હતી.
તપાસમાં જમીન હેતુફેર (CLU) ફાઈલોમાં લેવાયેલી લાંચના નાણાં ક્યાં રોકવામાં આવ્યા અને તેમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે દિશામાં મહત્વની વિગતો મેળવવાનો પ્રયાસ કરાયો હતો.
ઈડીએ કોર્ટમાં રજુઆત કરી હતી કે હાલ પૂરતી પૂછપરછ પૂર્ણ થઈ છે, જેના આધારે કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો છે. જોકે, દિલ્હીમાં થયેલી પૂછપરછ દરમિયાન મળેલા નવા તથ્યોને આધારે આગામી દિવસોમાં અન્ય સરકારી અધિકારીઓ કે વચેટિયાઓની મુશ્કેલીઓ વધી શકે છે.
આ કેસમાં ઈડીએ પાડેલા દરોડા દરમિયાન ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી રૂ. 67.50 લાખની બિનહિસાબી રોકડ મળી આવી હતી.