SURAT

ઘરમાં સચાયેલી છે ‘ચંદ્ર’ ની માટી, ચોકલેટના ટેસ્ટ-ચંદનની ખુશ્બુના સ્ટેમ્પનું યુનિક છે કલેક્શન

હાલમાં જ એક એવી ઘટના બની ગઈ હતી કે જેનાથી સમગ્ર દેશવાસીઓ ગર્વ અનુભવી રહ્યા હતા. આ ઘટના એટલે 14 જુલાઈના દિવસે ચંદ્રયાન-3 એ અવકાશમાં ભરેલી ઉડાન. આ ઘટનાની યાદો હજી પણ ભારતીયો વાગોળી રહ્યા છે. આ વચ્ચે જ સુરતીઓને જાણીને નવાઈ લાગશે કે સુરતના એક ઝવેરીના ઘરમાં ચંદ્રની માટી અતિ કિંમતી જણસની જેમ સચવાયેલી છે. આ ચંદ્રની ડસ્ટ તેમણે 2002માં મેળવી હતી. આ ઉપરાંત પણ ચંદ્ર સાથે જોડાયેલી અન્ય બે વસ્તુઓના પણ તેઓ માલિક રહ્યા છે. તેમના ઘરમાં એક આખો રૂમ 5 લાખ સ્ટેમ્પ કલેક્શનથી ભરાયેલો છે. આ સ્ટેમ્પમાં કેટલાક એવા છે જે ચંદનની સુગંધ ફેલાવે છે અને ચોકલેટનો સ્વાદ પણ આપે છે. એન્ટિક કોઈન કલેક્શનનો પણ અનોખો શોખ ધરાવતા વ્યક્તિ એટલે હિરેનભાઈ ઝવેરી. 40 વર્ષથી તેઓ એકદમ યુનિક અને હટકે કહી શકાય તેવા કલેક્શન ધરાવે છે. તેમના કલેક્શનમાં 50 દેશોના 63 ડિફરન્ટ જેમ્સ સ્ટોન પણ છે? તેમને ચંદ્ર પ્રત્યે આટલી ઘેલછા કેમ છે ? તેમણે દેશ-વિદેશના સ્ટેમ્પ કઈ રીતે મેળવ્યા? અંતરિક્ષ યાત્રીઓના ઔટોગ્રાફ મેળવવા તેઓ શું કરે છે? તે આપણે અહીં જાણીએ…

સોના-ચાંદી-પ્લેટિનમ, ચોકલેટના ટેસ્ટ, ચંદનની સુગંધના છે સ્ટેમ્પ કલેક્શન
હીરેનભાઈ પાસે 5 લાખ સ્ટેમ્પનું કલેક્શન છે. દેશ-વિદેશના અચરજમાં પાડી દે તેવા સ્ટેમ્પ છે. લોકોને સ્ટેમ્પ એટલે કાગળ લાગે છે પણ આ સ્ટેમ્પ કાગળ નથી. વિદેશના મોટાભાગના સ્ટેમ્પમાં સોના, ચાંદી, પ્લેટિનમ ધાતુના સ્ટેમ્પ, બેલ્જીયમના ચોકલેટના સ્વાદનો સ્ટેમ્પ, ગ્લાસ, સિરામિક, સ્ટેમ્પ પર L.E.D., હોલોગ્રામ, એમ્બ્રોઇડરી, લાકડાની, લેધરની સ્ટેમ્પ, પારદર્શક સ્ટેમ્પ અને ભારતની ચંદનના સુગંધની સ્ટેમ્પ છે. આ ઉપરાંત તેમની પાસે એન્ટીક સિક્કા પણ છે. જેમાં એક સિક્કો એવો પણ છે જેની કિંમત 5 લાખ રૂપિયા છે.

50 દેશના 63 જેમ્સ સ્ટોનનું છે કલેક્શન
2013-14માં અમેરિકા જેમ્સ સ્ટોનના ઓક્શનમાંથી હિરેનભાઈએ 50 દેશના 63 જેમ્સ સ્ટોન લીધા હતા. જેમાં ઓસ્ટ્રેલિયાનો ઓપલ, ઘાના કન્ટ્રીનો ડાયમંડ, અફઘાનિસ્તાનના પીરોઝા, શ્રીલંકાના બ્લુ અને યેલો સફાયર શામિલ છે. આ જેમ્સ સ્ટોન ખૂબ સ્મોલ છે. તેઓ વ્યવસાયે ઝવેરી છે એટલે તેમણે જેમ્સ સ્ટોનના સંગ્રહનો પણ શોખ છે.

સુરતની પહેલી વ્યક્તિ જેણે ચંદ્રની ડસ્ટ (માટી) મેળવી
હિરેનભાઈએ જણાવ્યું કે, એપોલો-16માં ચંદ્રની ઉપરથી આવેલી માટી નાસા તરફથી 2002માં મેળવી હતી. આ ડસ્ટ હજી પણ તેમણે પેક જ રાખી છે. ગ્રે કલરની આ ડસ્ટ આંગળીના ટેરવા પર આવે એટલી જ છે. જ્યારે મૂન રોક 2004માં મેળવ્યો હતો. ચંદ્ર પરથી આવેલી ઊલ્કા સહારાના રણમાંથી નાસાએ કલેક્ટ કરી હતી. તેના પીસનું ઓક્શન નાસાએ કર્યું હતું. સૌથી નાનો પીસ 0.056 ગ્રામ મેં તે સમયે લગભગ 2000 ડોલરમાં મેળવ્યો હતો. જે નાસા તરફથી સ્પેશ્યલ પોસ્ટથી મને મોકલવામાં આવ્યો હતો. 2007માં ચંદ્ર પર 5 ઍકર જમીનની માલિકી પણ મેળવી હતી. હું સુરતનો પહેલો એવો વ્યક્તિ છું જેણે ચંદ્ર પરના પ્લોટની માલિકી મેળવી. જોકે, તે 5 વર્ષ માટે હતી ત્યારબાદ માલિકીનું રજિસ્ટ્રેશન મેં રીન્યુ નથી કરાવ્યું.

બાળપણમાં સ્ટેમ્પ અને યુનિક વસ્તુઓના કલેક્શનનો શોખ જાગ્યો
શહેરના ફિલાટેલિસ્ટ અને ઝવેરાતના વ્યવસાય સાથે સંકળાયેલા હિરેનભાઈ ઝવેરીએ જણાવ્યું કે, હું 5માં ધોરણમાં હતો ત્યારે મને સ્ટેમ્પ પ્રત્યે ગજબનું આકર્ષણ થતું. મારું ડ્રિમ હતું કે હું ઇન્ડિયાના તમામ સ્ટેમ્પસ મારી પાસે હોય. ચંદ્રની ડસ્ટ, મૂન રોકને હું મારા સ્ટેમ્પસ કલેક્શનના શોખનો ભાગ જ ગણું છે. મિત્રો દ્વારા મને સ્ટેમ્પની સાથે કોઈન કલેક્શન કરવાનું કહેવાયુ હતું. મારું યુનિક કલેક્શન મેં એગ્ઝીબિશન અને ઓક્શન તથા અન્ય માધ્યમોથી મેળવ્યું છે. મારા આ શોખને પૂરો કરવામાં મારી પત્ની ફાલ્ગુની સપોર્ટ કરે છે. મારા આ કલેક્શનથી તેનું નોલેજ વધ્યું હોવાનું કહે છે. મારો આ વારસો હું મારી બંને દિકરીઓ દેવાંશી અને શિવાંગીને આપવાનો છું કેમકે, તેમને પણ આમાં રુચિ છે. મારા ઘરે મારો આ સંગ્રહ જોવા પાડોશીઓ, સગા-સંબંધીઓ, મિત્રો તથા વિશેષ તો ચંદ્રયાન-1, 2, 3 નું નોલેજ મેળવવા વિદ્યાર્થીઓ આવતા હોય છે.
300 એસ્ટ્રોનોમરના ઓટોગ્રાફના છે કલેક્શન
અંતરિક્ષમાં પ્રથમ પગ મુકનાર રશિયાના યુરી ગાગરીનનો ઓટોગ્રાફ 450 ડોલરમાં મેળવ્યો હતો. આ ઉપરાંત ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ, ભારતીય અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા, કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ સહિત 300 એસ્ટ્રોનોમરના ઓટોગ્રાફનું કલેક્શન પણ છે. આ ઓટોગ્રાફસ ફિલાટેલી કવર પર છે.

Most Popular

To Top