Columns

‘‘ચકા-ચકીની કહાણી’’ કે પછી મનુષ્ય!

જેમ ચકો અને ચકી એક એક સળી લાવી માળો બનાવે તેમ આપણે માણસો એક જીવનસાથી પસંદ કરીએ અને ઘર બનાવીએ.એકની ઉપર એક સળી અને તેની ઉપર ચીંથરાં કે રૂ કે ઘાસ ગોઠવી ગોઠવી ચકો-ચકી માળો સજાવે ને આપણે ઘરમાં સરસ મજાના સોફાસેટ,ડાઈનીંગ ટેબલ. ટી.વી.,ફ્રીઝ વગેરે સજાવીએ અને છતાં ઘણું બાકી રહી જાય.

ચકી લાવે ચોખાનો દાણો અને ચકો લાવે દાળનો દાણો.ખીચડી બનાવી બંને ખાય અને પછી … ચીં… ચીં…કરતાં ગીત ગાય અને આપણે માણસો આખો દિવસ. આખો મહિનો સતત દોડીએ અને લાવીએ પગાર પણ થોડો તો ઓછો જ પડે.ચકો ચકી …ચીં ચીં કરતાં રહે અને એકમેકમાં ખોવાયેલા રહે અને આપણે ખોવાયેલાં રહીએ કાં તો ટી.વી.ની સીરિયલોમાં કાં તો ફોન પર વાતોમાં..કાં તો ફેસ બુક..વોટ્સ એપ..કે ઇન્સ્ટાગ્રામમાં…એક બીજાને ભૂલી આપણે ટ્વીટર પર ચીં ચીં રમતાં રહીએ.

ચકા ચકીનાં નાનાં નાનાં બે બચ્ચાં…ચકી માળામાં રહે તો ચકો લાવે દાણા…અને ચકો બચ્ચાંને ઊડતાં શીખવે અને ચકી બનાવે ખીચડી…થોડા દિવસોમાં બચ્ચાં ઊડતાં શીખી જાય અને માળો છોડી પોતાનું જીવન જીવવા ઊડી જાય ..ચકો ચકી એકલાં રહી જાય પણ રડે નહિ, ચીં ચીં કરતાં રહે, અહીં તહી ઊડતાં રહે અને આપણે માણસો બાળકોને જન્મ આપીએ..મોટાં કરીએ …સારામાં સારી નર્સરી અને એથી મોટી શાળામાં ભણાવીએ….આપણા ખર્ચા ઓછા કરી તેમની દરેક ઈચ્છા પૂરી કરીએ…

એક સાથે તેમને બધું શીખવી દેવા મથીએ…અને પછી બાળકો ભણી ગણી મોટાં થાય અને પોતે ઘર છોડી ચાલ્યાં જાય ત્યારે તેમની માયામાં બંધાયેલા રહીએ..કાં તો તેમને જવા ન દઈએ..કાં તો તેમની યાદમાં રડીએ…સતત ફોનની રાહ જોઈએ…અને એક બીજા સામે બેસી રડ્યા કરીએ..ક્યારેક ગુસ્સે થઈએ..સતત દુઃખી રહીએ… પણ ચકા ચકી પાસેથી કંઈ ન શીખીએ કે માયા છોડવી જોઈએ.આ જીવન બે ઘડી ચાર ઘડીનો સંસાર છે, પછી ચકા-ચકીની જેમ માયા મૂકી ઊડી જવાનું છે.ચકો-ચકી બચ્ચાં ઊડી જાય પછી પણ ખુશ રહે છે અને પોતાના જીવનમાં મસ્ત રહે છે જયારે આપણે માણસો બાળકો પોતાની પ્રગતિના માર્ગે જાય ત્યારે પ્રેમ અને લાગણીના નામ હેઠળ માયામાં બંધાયેલાં રહીએ છીએ.જીવનમાં બધું છૂટે છે પણ માયાનાં બંધન છૂટતાં નથી.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top