સુરત (Surat) : સિંગણપોરમાં પલ્સર બાઇક લઇને નીકળતા સ્નેચરોએ (Snatchers ) તરખાટ મચાવ્યો છે. આ સ્નેચરોએ એક જ કલાકના સમયમાં સોફ્ટવેર ડેવલોપર તેમજ અન્ય એક મહિલાને ટાર્ગેટ કરીને તેઓની ચેઇન આંચકી (Chain) ફરાર થયાની ફરિયાદ પોલીસ (Police Complaint) ચોપડે નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ આંબાતલાવડી પાસે સંતોષીનગરમાં રહેતા જીગ્નેશ ઘનશ્યામભાઇ સાપરા સોફ્ટવેર ડેવલોપિંગનું કામ કરે છે. તેઓએ આરબ દેશમાંથી રૂા.55 હજાર કિંમતની સોનાની ચેઇન ખરીદી હતી. અઠવાડિયા પહેલા રાત્રીના સમયે જીગ્નેશભાઇ જમીને ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે પલ્સર મોટરસાઇકલ ઉપર નીકળેલા બે યુવકો પૈકી પાછળ બેઠેલા યુવકે જીગ્નેશભાઇના ગળામાંથી સોનાની ચેઇન આંચકી લીધી હતી. આ ઘટના અંગે તેઓ પોલીસમાં ફરિયાદ આપવા માટે ગયા ત્યારે ખબર પડી કે, તેઓની જ્યારે ચેઇન લૂંટાઇ ત્યારે અન્ય એક મહિલા અનિતાબેન યોગેશભાઇ ચાવલાની પણ રૂા.35 હજારની કિંમતની ચેઇનનું સ્નેચિંગ થયું હતું. પોલીસે આ બંને વ્યક્તિની ફરિયાદ લઇ પલસર મોટરસાઇકલ ઉપર નીકળતા સ્નેચરોની સામે ગુનો નોંધી તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સોનાના ગીલેટ ચઢાવીને તેને સોનામાં ગણાવી લાખોની લોન લેનારો આરોપી પકડાયો
સુરત: શહેરમાં સેંકડો બેંકોમાં સોનાના ગીલેટ ચઢાવી તેની લોન લઇ લેનાર ચીટર ગેંગના વધુ એક આરોપીને એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. આઇઆઇએફએલ બેન્કમાં અન્ય ધાતુના દાગીના ઉપર સોનાની ગીલેટ ચઢાવી દાગીના ગીરવે મૂકી લોન લેવાના કિસ્સામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી એલસીબી-1 દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તેમાં આરોપી ભરત મોહન દુધાત્રા (ઉં.વ.52) (રહે., ઓમ ટાઉનશીપ, પાસોદરા)ની બાતમી મળતાં તેને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે કાપોદ્રા પોલીસમાં ગુનો દાખલ થયો હોવાની વિગત જાણવા મળી છે.
અઠવા લાયન્સમાં જુગારની ક્લબ પકડાઈ : 14 ઇસમની ધરપકડ
સુરત : અઠવા લાયન્સ ડી-સ્ટાફની પોલ ડીસીબીએ ખુલ્લી પાડી દીધી હતી. પોલીસ કમિશનર અજય તોમરના આદેશની ઐસીતૈસી કરનાર અઠવા પોલીસની પોલ ડીસીબીએ ખોલી નાંખી છે. ડીસીબીએ ખ્વાજાદાના દરગાહ પાસે બિનધાસ્ત ચાલતી જુગારની ક્લબ પકડી પાડી છે. તેમાં 14 લોકો જુગાર રમતા ઝડપાયા હોવાની વિગત જાણવા મળી છે. પોલીસે સ્થળ પરથી જે રકમ પકડી છે તેમાં અંગજડતી લેતાં તમામ લોકો પાસેથી 1.10 લાખ રૂપિયા રોકડા, દાવ ઉપર રોકડા 35 હજાર, મોબાઇલ ફોન કિં.72 હજાર, પાંચ મોટરસાઇકલ 2.45 લાખ મળી અંદાજે સાડા ચાર લાખની રકમ સીઝ કરવામાં આવી હતી. જે આરોપી પકડાયા છે તેમાં નરૂદીન સફીયુદીન શેખ (ઉં.વ. 36), યાસીન યુનુસ શેખ (ઉં.વ.33), મોહમદ જુનેદ ગુલામકાદર શેખ (ઉં.વ.35), મોહમદ યુનુસ અબ્દુલ રઉફ શેખ (ઉં.વ.39), યાવરખાન પઠાન (ઉં.વ.35), ફારૂક ઉર્ફે બાબુ શબ્બીર સૈયાદ (ઉં.વ.45), મકસુદ અલી સૈયદ (ઉં.વ.39), અનવરઅલી અકબર અલી સૈયદ (ઉં.વ.50), યુનુસ ઉમરખાન પઠાન (ઉં.વ.30), સરફરાજ શેખ (ઉં.વ.28), ઇબ્રાહિમ યુસુફ શેખ (ઉં.વ.30), મોહમદ ઇરફાન શેખ (ઉં.વ.23), મોહમદ હગુસેન સૈયદ (ઉં.વ.36), શેરૂ અમીનુદીન શેખ (ઉં.વ.42)ને સ્થળ પરથી પકડવામાં આવ્યા હોવાની વિગત જાણવા મળી છે.