નવી દિલ્હી (New Delhi): દેશમાં ગત અઠવાડિયે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની SII દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્રારા વિકસિત કોવેક્સિનને કેન્દ્રની મંજૂરી મળી ગઇ છે. 16 જાન્યુઆરીથી દેશમાં પહેલા તબક્કાનું રસીકરણ શરૂ થાવનું છે. જે અગાઉ આજે મોદી અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આમ તો બેઠક કોરોના રસીકરણનો કર્યક્રમ કેવી રીતે સફળતાપૂર્વક પાર પાડવો એ અંગેની ચર્ચાઓ કરવા માટે યોજાઇ હતી. પણ બેઠકમાં મોદીના નિવેદનથી આગળ દેશના તમામ નાગરિકોને કોરોના રસી મફતમાં મળશે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઇ ચૂકી છે.
જણાવી દઇએ કે બિહારમાં ચૂંટણી પહેલા જો NDA સત્તામાં આવે તો આખા રાજ્યને મફત રસી મળશે એવુ વચન આપવા ભાજપ જ પહેલા આગળ આવી હતી. ત્યારથી અત્યાર સુધી ઘણા લોકોએ આ અંગે પ્રશ્ન કર્યો હતો પણ એનો કઇ સચોટ જવાબ મળ્યો ન હતો. પણ આજે આ અંગે સ્પષ્ટતા આવી છે. જણાવી દઇએ કે દેશમાં 30 કરોડ લોકોની યાદી બનાવવામાં આવી છે, જેઓને પ્રાથમિક ધોરણે કોરોનાની રસી આપવાની જરૂર છે. આ 3દ કરોડ લોકોમાં કોરોના વોરયર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સ, 50 વર્ષથી વધુ વયના લોકો અને 50 વર્ષથી નાની વયના અન્ય ગંભીર બીમારીથી પીડાતા કો-મોર્બિડ લોકોનો સમાવેશ થાય છે.
આ 30 કરોડમાંથી કેન્દ્ર પહેલા તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપશે, આ 3 કરોડ લોકોમાં કોરોના વોરિયર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સનો સમાવેશ થાય છે. ત્યારબાદ સફાઇ કર્મીઓને રસી લગાવવામાં આવશે. ત્યારબાદ પોલીસકર્મીઓ, સુરક્ષાકર્મીઓ, સુરક્ષાબળોના જવાનોને કોરોના વેક્સીન થશે. મોદીએ આજે જાહેરાત કરી છે કે આ 3 કરોડ લોકોના રસીકરણનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર ઉપાડશે. નોંધનીય છે કે આ 3 કરોડ લોકોમાં રાજકીય નેતાઓનો સમાવેશ થશે નહીં. આનો અર્થ એ થાય છે કે આ પછીના રસીકરણનો ખર્ચ કેન્દ્ર ઉપાડશે નહીં, જો રાજ્ય સરકાર આ ખર્ચ ઉપાડવા રાજી હોય તો તે એવું કરી શકે છે. જણાવી દઇએ કે 16 જાન્યુઆરીથી પહેલા તબક્કામાં 3 કરોડ કોરોના વોરિયર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સને કોરોના રસી અપાઇ જાય પછી બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયના લોકો અને 50 વર્ષથી નાની વયના અન્ય ગંભીર બીમારીથી પીડાતા કો-મોર્બિડ (Co-Morbid) લોકોને કોરોના રસી અપાશે. આ લોકોના રસીકરણનો ખર્ચ કેન્દ્ર ઉપાડશે કે નહીં એ અંગે સ્પષ્ટતા નથી.
રાજસ્થાન, દિલ્હી અને છત્તીસઢ રાજ્યોએ સરકારને મફત રસી આપવાની માંગ કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કેરળ, ઓડિશા, અસમ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યોએ નક્કી કરી લીધુ છે કે આ રાજ્યો પોતે જ સામાન્ય લોકોને કોરોના રસી મફતમાં આપશે. જણાવી દઇએ કે કેન્દ્રએ SII કોવિશિલ્ડના 1.10 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. સરકારને એક ડોઝ GST સાથે 210/- રૂ.માં પડશે.