આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં ચાલુ વરસે તમાકુના ઊંચા ભાવ આવતા ખેડૂતો અને વેપારીઓમાં આનંદની લાગણી જન્મી હતી. પરંતુ આ આનંદ બહુ જ ટુંકો રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી સેન્ટ્રલ જીએસટી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના કારણે અનેક વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. માલ સીઝ કરવા સાથે આડેધડ દંડ ફટકારવાના કારણે વેપારીઓ આર્થીક સંકડામણ અનુભવી રહ્યા છે. આ અંગે અધિકારીઓને સમજાવવા છતાં એકના બે ન થવાના કારણે સ્થિતિ વધુ કથળી રહી છે.
આણંદમાં છેલ્લા કેટલાક સમયથી સેન્ટ્રલ જીએસટી દ્વારા તમાકુના નાના – મોટા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે વેપારીઓમાં રોષ જન્મ્યો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, જીએસટીમાં કાયદામાં અનેક મુદ્દે હજુ વિસંગતતા જોવા મળી રહી છે. ચરોતરમાં અનેક પ્રકારની તમાકુ થાય છે, આ તમાકુનો ઉપયોગ પણ જુદો જુદો હોય છે. જેથી, તેના જીએસટી દર પણ અલગ અલગ લાગવા જોઈએ. જોકે, સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને આ બાબતની કોઇ ગતાગમ ન હોવાથી દરેક તમાકુને એક સરખી ગણી મનફાવે તે રીતે પેનલ્ટી લગાડી રહ્યાં છે. તમાકુના ડાળખાં કુદરતી સ્વરૂપમાં વેચવા છતાં અધિકારીઓ તેને મિલીંગ ગણી લે છે. કુદરતી ગણે તો 28 ટકા જીએસટી થાય, પરંતુ અધિકારીઓ તેના પર 72 ટકા જીએસટી ગણી રહ્યાં છે. જેના કારણે મોટી અસંમજસ ઉભી થઇ રહી છે. હાલ લાખો રૂપિયા વેપારીઓના અપીલમાં જ ફસાયા છે. આ ઉપરાંત અેડવાન્સ રુલીંગ પણ ધ્યાને લેતા નથી.
ત્રણ સો ટકા પેનલ્ટી ફટકારી રહ્યા છે
સેન્ટ્રલ જીએસટી દ્વારા તમાકુના વેપારીઓને ત્રણ સો ટકા પેનલ્ટી ફટકારવામાં આવે છે. જોકે, અપીલમાં જવા માટે આ પેનલ્ટી ફરજીયાત ભરવી પડે છે. વેપારીએ પેનલ્ટી ભરી અપીલમાં પણ જાય છે. પરંતુ અપીલ ત્રણથી ચાર વરસ ચાલે છે. જેના કારણે વેપારીઓ દિવસે દિવસે આર્થીક સંકડામણ ભોગવી રહ્યાં છે. જીઅેસટી દ્વારા આકારણી નાેટીસ બજાવવાની તૈયારી ચાલી રહી છે.
ઓનલાઇન અપીલની સુવિધા નથી છતાં અધિકારીઓ ભલામણ કરે છે
સેન્ટ્રલ જીએસટી દ્વારા દંડ ફટકાર્યા બાદ ઓનલાઇન અપીલ કરવા ભલામણ કરવામાં આવે છે. ખરેખર ઓનલાઇન અપીલની કોઇ સુવિધા જ નથી. આથી, વેપારીઓને ફરજીયાત ઓફલાઇન જ અપીલ કરવી પડે છે. સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ કશુ સમજતાં ન હોવાની ફરિયાદ પણ વેપારીઓ કરી રહ્યાં છે.
ચરોતર તમાકુ વેપારી એસોસિએશનના કાર્યાલયનો પ્રારંભ કરાયો
ચરોતર તમાકુ વેપારી એસોસિએશનના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અમદાવાદના સિનિયર એડવોકેટ પ્રદીપભાઈ જૈન ખાસ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત પ્રમુખ પ્રદીપ ઉપાધ્યાય સહિત સમગ્ર ચરોતર પંથકથી મોટી સંખ્યામાં વેપારી હાજર રહ્યાં હતાં. સાથે સાથે જીએસટીમાંથી સરકારી અધિકારીઓ જીએસટી અંગે સેમિનારમાં માર્ગદર્શન કરાયું હતું. આ પ્રશ્નોત્તરી દરમિયાન સચોટ સલાહ આપી અંતે રોનકભાઈ જૈન (જીએસટી એક્સપર્ટ, અમદાવાદ) દ્વારા સમાપનમાં આદર્શ વ્યાપાર પદ્ધતિ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. અંતમાં એસોસિએશનના સંરક્ષક મણીભાઈ પટેલે આભારવિધી હતી.