સુરત: કેન્દ્ર સરકારે (Central Govt) દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Mega Textile Park) બનાવવા માટે 4445 કરોડની રકમની ફાળવણી કરી છે. આ પ્રોજેક્ટ (Project) માટે કેન્દ્રને 13 રાજ્યમાંથી 18 પ્રપોઝલ (Proposal) મળી હતી, જેમાં મધ્યપ્રદેશની 4, મહારાષ્ટ્ર અને કર્ણાટકની બે-બે પ્રપોઝલ હતી. પંજાબની દરખાસ્તવાળી જમીન વિવાદી નીકળતાં દરખાસ્ત રદ કરાઈ છે. જો કે, સરકારે પાર્કની ફાળવણી માટે એક આકરી શરત મૂકતાં કેટલાંક રાજ્યો પીછેહઠ કરી શકે છે.
ટેક્સટાઇલ પાર્ક ધમધમતા કરવાનો લક્ષ્યાંક રાખ્યો
સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે પીએમ મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ઉદ્યોગકારોને 15 વર્ષ સુધી એકસમાન વીજદરની સુવિધા આપવાની શરત મૂકી છે. જેથી વીજદરમાં દર વર્ષે થતા વધારાની રાહત નવા ઉદ્યોગોને મળી રહે. સરકારે 2027-28 સુધી આ ટેક્સટાઇલ પાર્ક ધમધમતા કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પીએમ મિત્રા પાર્ક માટે 1000 એકર જમીન, રાજ્યની લિબરલ ટેક્સટાઇલ, લેબર પોલિસી હાઇવે, પોર્ટ, એરપોર્ટ, ટ્રેન સહિતની ઇકો ફ્રેન્ડલી કનેક્ટિવિટીના પેરામીટરમાં નવસારી વાસી-બોરસીનો પ્રોજેક્ટ રાજ્ય સરકારની જમીન ફાળવણી તૈયારીઓ અને બજેટમાં ફંડ એલોકેશનને લીધે સરકારની નજરે ચઢ્યો છે.
ઉદ્યોગકારોને જમીન સસ્તી મળે એ જરૂરી
અહીં ગ્રીન અને બ્રાઉન ફિલ્ડ પાર્ક કંપોઝિટ યુનિટ્સ સાથે શરૂ કરવાની દરખાસ્ત છે. અગાઉ જીઆઇડીસીના અધિકારીઓ, નવસારી જિલ્લાના અધિકારીઓ અને ઉદ્યોગકારોએ જોઇન્ટ ટેક્સટાઇલ સેક્રેટરી પ્રાજક્તા વર્મા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વર્માએ જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોને જમીન સસ્તી મળે એ જરૂરી છે. કારણ કે, એનાથી જ ઉત્પાદન ખર્ચ નીચે લાવી શકાય. તથા વધુમાં વધુ લોકો આ ઉદ્યોગમાં ઝંપલાવી શકશે. સુરતમાં નવા ટેક્સટાઇલ ઉદ્યોગો સ્થાપવા માટે તથા એક્સપાન્સન કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ડિમાન્ડ છે. આથી જો સુરતને બીજા વધારાના બે પીએમ મિત્રા પાર્ક આપવામાં આવશે તો પણ એ સંપૂર્ણપણે ખૂબ જ ટૂંકા સમયમાં ભરાઇ જશે.ઉદ્યોગકારો પોતાના માટે કોમન કેપ્ટિવ પાવર પ્લાન્ટ નાંખી શકે તથા કોમન બોઇલર સાથે સીઇટીપી, એસટીપી અને કામદારો માટે રહેવાની સગવડ એક જ જગ્યા ઉપર મળે તો જ પીએમ મિત્રા પાર્કની ખાસિયત છે.
મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ગુજરાત સહિત આ રાજ્યો વચ્ચે તીવ્ર સ્પર્ધા
મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ગુજરાત (વાંસી-બોરસી, નવસારી), આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, અસમ, તામિલનાડુ, રાજસ્થાન વચ્ચે તીવ્ર હરીફાઈ થવાની શક્યતા છે. આ રાજ્યોની ઠોસ દરખાસ્ત કેન્દ્રને મળી છે. કર્ણાટકે બે પાર્ક અને મહારાષ્ટ્રે બે પાર્ક માટે દરખાસ્ત મૂકી છે. મધ્યપ્રદેશ જ્યાં ટેક્સટાઇલ ઉદ્યોગનો કોઈ ખાસ વિકાસ થયો નથી, એણે 4 દરખાસ્ત મૂકી છે.