મોંઘવારી ધીરેધીરે આખા દેશમાં માઝા મુકી રહી છે. યુક્રેન અને રશિયાના યુદ્ધને પગલે ક્રુડ ઓઈલ ભડકે બળવાનું શરૂ થયા બાદ દેશમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો મોંઘવારીની આગને વધુને વધુ ભડકાવી રહ્યો છે. કેન્દ્રની મોદી સરકાર દેશમાં મોંઘવારીને કાબુમાં લેવામાં સફળ થઈ શકી નથી અને તેને કારણે થોડા સમય પહેલા જ આરબીઆઈએ રેપોરેટ વધાર્યા બાદ ફરી રેપોરેટ વધારવાની આરબીઆઈને ફરજ પડી છે. રિઝર્વ બેંકે દેશમાં ફરી 0.50 રેપોરેટ વધાર્યો છે. આ વધારા સાથે દેશમાં રેપોરેટનો નવો દર 4.90 થઈ ગયો છે.
બજારમાં નાણાંકીય તરલતા માટે વધારવામાં આવેલા આ રેપોરેટને કારણે મોંઘવારીનું અનુમાન પણ 5.7 ટકાથી વધારીને 6.7 ટકા કરવું પડ્યું છે. રેપોરેટના વધારા સાથે સામાન્ય માનવીની કમર પર વધુ બોજ આવી ગયો છે. જેણે જણે લોન લીધી છે તે તમામના ઈએમઆઈ વધી જશે. બજારમાં તરલતા વધારવા માટે રિઝર્વ બેંકએ કો-ઓપ. બેંક વધુ હોમ લોન આપી શકે તેવી છુટ આપી છે. સાથે સાથે ક્રેડિટ કાર્ડ હવે યુપીઆઈથી લિંક થઈ શકશે. એટલે કે લોકો ક્રેડિટ કાર્ડ ધરાવતા હશે તો પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ આ રેપોરેટ વધારવાનો નિર્ણય લીધો છે. આ માટે કમિટીની ત્રણ દિવસીય બેઠક મળી હતી. સોમવારે શરૂ થયેલી આ બેઠક બુધવારે પુરી થઈ અને વિવિધ નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી. આમ તો એવું મનાતું જ હતું કે જે રીતે ફુગાવો વધી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં રિઝર્વ બેંક દ્વારા કેટલાક કડક પગલાઓ લેવામાં આવશે. જ પરંતુ જે પગલાઓ લેવામાં આવ્યા છે તેનાથી મોંઘવારી ઘટવાને બદલે વધશે. રેપોરેટ વધતા લોકોએ લોન પર કાર કે ઘર લેવું અઘરૂં અને મોંઘુ થશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમે ફુગાવાને કાબુમાં કરવા માટે આ પગલાઓ લઈ રહ્યા છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામં ત્રિમાસિક ફુગાવાનો દર 6 ટકાથી ઉપર રહ્યો છે. દાસ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે વિશ્વમાં મોંઘવારી વધી છે પરંતુ ભારતીય અર્થતંત્રને મજબુત રાખવામાં સફળતા મળી છે. જોકે, સામે સ્થિતિ એટલી સીધી નથી. ફુગાવાને અંકુશમાં લેવા માટે રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દર વધારવામાં આવી રહ્યો છે. પરંતુ આ વ્યાજદરનો ભાર બેંક મારફતેથી પાછો નાગરિકો પર જ આવવાનો છે. રિઝર્વ બેંકના આ પગલાની સામે અનેક બેંકો દ્વારા પોતાના વ્યાજદરમાં વધારો કરવાની શરૂઆત કરી જ દેવામાં આવી છે.
રિઝર્વ બેંક દ્વારા ફુગાવાનો અંદાજ 6.7 ટકા રાખવામાં આવ્યો છે. જ્યારે જીડીપીનો અંદાજ 7.2 ટકા રાખવામાં આવ્યો છે. જોકે, આ અંદાજ છે અને તે આ આંક પર ખરા ઉતરે કે કેમ? તે બાબતે શંકા છે. રિઝર્વ બેંકની નાણાંકીય સમિતીની બેઠક દર બે મહિને યોજાય છે. અગાઉ મે મહિનામાં પણ રેપોરેટ વધારવામાં આવ્યો છે. આ વર્ષે રિઝર્વ બેંક દ્વારા જે મોંઘવારીના દરનો અંદાજ માંડવામાં આવ્યો હતો તે ખોટો સાબિત થયો છે. આરબીઆઈના લક્ષ્યાંક કરતાં મોંઘવારીનો દર વધુ રહ્યો છે. હાલના ડેટા પ્રમાણે, ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો એપ્રિલમાં 7.79 ટકા પર પહોંચી ગયો છે. આ ફુગાવો છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ છે.
જે રીતે ફુગાવો વધી રહ્યો છે તે દેશની આર્થિક સ્થિતિમાં સમસ્યા છે તે બતાવી રહ્યું છે. કેન્દ્ર સરકારે આ માટે સંજ્ઞાન લઈને તાકીદના ધોરણે મોંઘવારીને કાબુમાં કરવા માટે પગલાઓ લેવા જોઈએ. આરબીઆઈ દ્વારા રેપોરેટ વધારતા રહેવાને કારણે ફુગાવો તેમજ મોંઘવારી કાબુમાં આવી જશે તેવું માનવું ભૂલભરેલું છે. જે રીતે આર્થિક મોરચે કેન્દ્ર સરકાર એટલી સફળ રહી નથી તેનું કારણ એ છે કે સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીને એવા મજબૂત આર્થિક સલાહકારો મળ્યા નથી. મોદી સરકાર હાલની આર્થિક સ્થિતિ મુદ્દે ગંભીરતાથી વિચારીને તેને કાબુમાં લેવાના પ્રયાસો નહીં કરે તો આગામી દિવસોમાં ભારતની હાલત શ્રીલંકા જેવી થઈ શકે છે તે નક્કી છે.