નવી દિલ્હી (New Delhi): દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ (Vaccination) શરૂ થવાનું છે. દેશમાં કોવિશિલ્ડ (Covi Shield) અને કોવેક્સિન (Covaxin, Bharat Biotech) એમ બે રસીઓને મંજૂરી મળી ગઇ છે. ગઇકાલે કેન્દ્રએ SII ને કોવિશિલ્ડના 1.10 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો, આજે કેન્દ્રએ ભારત બાયોટેકને કોવેક્સિનના 55 લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી અનુસાર હાલમાં 55 લાખ ડોઝ ખરીદવાનો ઓર્ડર અપાયો છે જેની પ્રતિ ડોઝ કિંમત 295 રૂપિયા રહેવાની છે.
સૌથી મહત્વની વાત એટલે યુનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ભારત બાયોટેક 16.50 લાખ જેટલા ડોઝ સરકારને ફ્રી આપવાની છે જે એક સ્પેશિયલ જેશ્ચરના ભાગરૂપે છે અને તેના પછીના બાકીના 38.5 લાખ ડોઝ માટેની કિંમત 295 રૂપિયા રહેવાની છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક પાસે સરકારે કેટલીક ફ્રી વેક્સીનની પણ માગણી કરી છે. ભારત બાયોટેક સાથે ફ્રી ડોઝની વાત થઈ ગઈ છે. જ્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે હાલ વાતચીત ચાલી રહી છે. કોવિશીલ્ડના એક ડોઝની કિંમત 210 રૂપિયા છે. જ્યારે કોવેક્સીનની કિંમત ટેક્સ સાથે 309 રૂપિયા 50 પૈસા છે. કહેવામાં આવે છે કે કોવેક્સીનની કિંમત એટલા માટે વધારે છે કારણ કે તેનો ફક્ત એક ડોઝ લાગવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યોએ પ્રથમ ફેઝ માટે પૈસા આપવાના નહીં રહે. આ ખર્ચો કેન્દ્ર સરકાર ઉઠાવશે અને આ પૈસા પીએમ કેર્સ ફંડથી (PM Cares Fund) આવશે.
કોરોના રસી (Corona Vaccine) કોવિશિલ્ડનો (CoviShield) પ્રથમ લોટ મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી (Serum Institute of India-SII, Pune) એરપોર્ટથી નીકળ્યો હતો. અગાઉ પૂજા પણ કરવામાં આવી હતી. પુણે એરપોર્ટથી દેશના 13 શહેરોમાં રસીનાં 478 બોક્સ પહોંચાડવામાં આવશે. પહેલી ફ્લાઇટ દિલ્હી (Delhi), બીજી અમદાવાદ (Ahmedabad) અને ત્રીજી ચેન્નાઇ (Chennai) પહોંચી હતી. સ્થાનિક પરિવહનમાં રોકાયેલા વાહનો ઝેડ + (Z + Security) સુરક્ષા સાથે દોડી રહ્યા હતા.
જણાવી દઇએ કે દેશમાં 30 કરોડ લોકોની યાદી બનાવવામાં આવી છે, જેઓને પ્રાથમિક ધોરણે કોરોનાની રસી આપવાની જરૂર છે. આ 3દ કરોડ લોકોમાં કોરોના વોરયર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સ, 50 વર્ષથી વધુ વયના લોકો અને 50 વર્ષથી નાની વયના અન્ય ગંભીર બીમારીથી પીડાતા કો-મોર્બિડ લોકોનો સમાવેશ થાય છે.
આ 30 કરોડમાંથી કેન્દ્ર પહેલા તબક્કામાં 3 કરોડ લોકોને રસી આપશે, આ 3 કરોડ લોકોમાં કોરોના વોરિયર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સનો સમાવેશ થાય છે. ત્યારબાદ સફાઇ કર્મીઓને રસી લગાવવામાં આવશે. ત્યારબાદ પોલીસકર્મીઓ, સુરક્ષાકર્મીઓ, સુરક્ષાબળોના જવાનોને કોરોના વેક્સીન થશે. મોદીએ આજે જાહેરાત કરી છે કે આ 3 કરોડ લોકોના રસીકરણનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર ઉપાડશે. નોંધનીય છે કે આ 3 કરોડ લોકોમાં રાજકીય નેતાઓનો સમાવેશ થશે નહીં. આનો અર્થ એ થાય છે કે આ પછીના રસીકરણનો ખર્ચ કેન્દ્ર ઉપાડશે નહીં, જો રાજ્ય સરકાર આ ખર્ચ ઉપાડવા રાજી હોય તો તે એવું કરી શકે છે. જણાવી દઇએ કે 16 જાન્યુઆરીથી પહેલા તબક્કામાં 3 કરોડ કોરોના વોરિયર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સને કોરોના રસી અપાઇ જાય પછી બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયના લોકો અને 50 વર્ષથી નાની વયના અન્ય ગંભીર બીમારીથી પીડાતા કો-મોર્બિડ (Co-Morbid) લોકોને કોરોના રસી અપાશે. આ લોકોના રસીકરણનો ખર્ચ કેન્દ્ર ઉપાડશે કે નહીં એ અંગે સ્પષ્ટતા નથી.