૮ માર્ચ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની હોંશે હોંશે ઉજવણી થઈ. અબળામાંથી સબળા બનેલ સ્ત્રીનાં શીલ, સંસ્કાર, સદાચાર અને મર્યાદા વિશે અનેક વિધાનો થાય છે. એક સ્ત્રી કર્મચારી પુરુષ કર્મચારી સાથે વાત કરતા કે હસતા નજરે પડે એટલે તરત જ કાનફૂસિયાં અને કાનગંદા તેના વિશે એલફેલ વાણી વિલાસ શરૂ કરી દે છે. કાર, ફાઈટર જેટ કે બાઈક ચલાવતી યુવા દીકરીઓને જોઈને હજી આજે પણ કેટલાય દોષદર્શીઓની આંખો પહોળી થઈ જાય છે.
સ્ત્રીનું કામ રસોડું અને ઘર સંભાળવાનું એવું ગાણું ગાતા નાકનું ટેળવું ચઢાવી ‘હળાહળ કળિયુગ!’નો આલાપ લલકારશે, પણ એ જ સ્ત્રીને સિગારેટની કે પાન મસાલાની જાહેરાતમાં જોઈને મનમાં ગલગલીયા અનુભવતા લોકો નથી દેખાતા! સમજ નથી પડતી કે સ્ત્રી કે યુવતીને સિગારેટની જાહેરાત સાથે શું સંબંધ? પણ નાડ પારખી ગયેલા ઉત્પાદકો પોતાની પ્રોડક્ટસના જંગી વેચાણ માટે સ્ત્રીનું માધ્યમ પસંદ કરે ત્યારે આ સમાજમાં ‘નારી દિવસ’ની ઉજવણી નર્યો દંભ નથી લાગતો? જો સમાજ સ્ત્રીનું સન્માન ન કરી શકે, સ્ત્રીની લાગણીને, ખુશીને, સપનાઓને, સ્વતંત્રતાને સમજી ન શકે કે હર્ષભેર સ્વીકારી ન શકે તો માત્ર એક દિવસ માટે ‘વિમેન્સ ડે’ ઉજવવાનો કોઈ અર્થ ખરો?
ત્રણ ચાર વર્ષની દીકરીને વાસના ભૂખ્યાઓ ચૂંથે છે ત્યારે પુરુષ પ્રધાન સમાજ કેમ ચુપકીદી ધારણ કરી લે છે? ‘કિચન ક્વીન’ જ્યારે પોતાના માટે કોઈ સાવ અલગ નિર્ણય લે તો એને સ્વીકારવાની, મદદરૂપ થવાની, પ્રોત્સાહિત કરવાની પહેલ કેટલા પરિવારો કરી શકે છે? સ્ત્રીની સ્વતંત્રતાને સ્વછંદતામાં ખપાવી દેવાય છે. આવા કહેવાતા મોર્ડન સમાજમાં કેટલીય યુવતીઓ પોતાના સપનાને ધરબી દઈ જીવતી લાશ બની સમાધાન કરી લે છે. શું ઉત્સવ ઘેલાઓની ‘નારી દિવસની’ આ જ ઉજવણી!
સુરત – અરૂણ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
