સુરત: સુરત (Surat) શહેરમાં આવેલા સચિન જીઆઈડીસી પોલીસ (Sachin GIDC Police) મથકની બાજુમાંથી 4 વર્ષના બાળકનું અપહરણની (Kidnapping) ચોંકાવનારી ઘટના બની છે. ઠંડા કલેજે રમતા બાળકને પોતાની વાતોમાં ભોળવી બાઈક પર બેસાડી અપહરણ કરાયાની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સચિન પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરત શહેર પોલીસ કમિશનરે આ અપહરણની ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ પોલીસને દોડાવી હતી, જેના પગલે પોલીસે ખૂબ જ સ્ફૂર્તિથી અપહરણકારને પકડી બાળકને મુક્ત કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં ગત સોમવારે તા. 5 ડિસેમ્બરના રોજ બપોરે પોણા એક વાગ્યાના સુમારે એક યુવક મોટર સાયકલ પર આવીને ઘર પાસે રમતા તોફાન સુનિલભાઈ સોરજ નામના ચાર વર્ષના બાળકને અપહરણ કરી લઈ ગયો હતો. પોતાનો પુત્ર દેખાતા નહીં આજુબાજુ વિસ્તારોમાં માતાએ તપાસ કરી હતી પરંતુ તે મળ્યો નહોતો. તેથી માતાએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. સચિન જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ જીતુ ચૌધરી તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસ કિમશનર અજય કુમાર તોમર કરી મદદ માંગી હતી. પોલીસ કમિશનરે સચિન જીઆઈડીસી પોલીસની મદદ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોકલી આપી હતી.
સમગ્ર વિસ્તારમાં સચિન જીઆઇડીસી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આદરી હતી. દરમિયાન આજે સવારે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં એક યુવકની પૂછપરછ માટે મોટર સાયકલ લઈને એક યુવક આવ્યો હતો. આ મોટરસાયકલ બાળકના અપહરણમાં હોય એવી સચિન પોલીસ સર્વેલન્સ ટીમને શંકા ગઈ હતી. તેથી પહેલા યુવકની પૂછપરછ કરી હતી. સચિનના પાલી ગામ પાસે શાહી ભુપત સોસાયટીમાં રહેતો સંતોષ કેવતની બાઈક હોવાનું બહાર આવ્યું હતું.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
આ માહિતીના આધારે સચિન જીઆઇડીસી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યા પર સંતોષને શોધવાનું શરૂ કર્યું હતું અને તંલગપુર ગામ પાસે રીક્ષામાં બેસવા જતી વખતે સંતોષને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ બાળકને મુક્ત કરાવ્યો હતો. પોલીસે આરોપીને પૂછપરછ માટે સચિન જીઆઇડીસી પોલીસ મથક ગયા હતા ત્યાં સંતોષ કેવતની પૂછપરછમાં તેને નિ:સંતાન હોવાના કારણે બાળકનું અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું તેના લગ્ન ૧૮ વર્ષ પહેલા થયા હતા પરંતુ તેને કોઈ સંતાન ન હતું તેવું પોલીસની સમક્ષ કબૂલ્યું હતું