Sports

ICC રેન્કિંગ: જસપ્રિત બુમરાહ નંબર વન ટેસ્ટ બોલર, યશસ્વી નંબર 5 થી 3 પર આવ્યો, વિરાટ ટોપ 10માં

જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 બોલર બની ગયો છે. તેણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં 11 વિકેટ ઝડપી હતી. જેનો તેને ફાયદો થયો છે. બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં બુમરાહના 870 રેટિંગ પોઈન્ટ છે જ્યારે અન્ય ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિન 869 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. રવિન્દ્ર જાડેજા 809 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

બેટ્સમેનોમાં યશસ્વી જયસ્વાલ પાંચ પરથી નંબર-3 પર આવી ગયો છે જ્યારે વિરાટ કોહલી ફરી એકવાર ટોપ-10માં પાછો ફર્યો છે. તે 6 સ્થાનના જમ્પ સાથે છઠ્ઠા નંબર પર આવી ગયો છે. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માનું 5 સ્થાનનું નુકસાન થયું છે. તે 10મા સ્થાનેથી 15મા સ્થાને સરકી ગયો છે. જયસ્વાલ અને વિરાટની સાથે રિષભ પંત ટોપ-10માં સામેલ ત્રીજો ભારતીય બેટ્સમેન છે. ઈંગ્લેન્ડનો જો રૂટ નંબર-1 પર યથાવત છે.

ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ ટોપ-2માં સ્થાન જાળવી રાખે છે. જસપ્રીત બુમરાહ પ્રથમ અને રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. ગયા અઠવાડિયે અશ્વિન પ્રથમ અને બુમરાહ બીજા ક્રમે હતો. રવિન્દ્ર જાડેજા ટોપ-10માં હાજર ત્રીજો ભારતીય બોલર છે. તે છઠ્ઠા નંબર પર હાજર છે. ટોપ-10 બોલરોમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ત્રણ બોલર પણ છે. જોશ હેઝલવુડ ત્રીજા, પેટ કમિન્સ ચોથા અને નાથન લિયોન સાતમા ક્રમે છે.

ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં પણ ભારતીય ખેલાડીઓ ટોપ-2 સ્થાન પર છે. રવિન્દ્ર જાડેજા પ્રથમ અને રવિચંદ્રન અશ્વિન બીજા ક્રમે છે. અક્ષર પટેલ (સાતમું સ્થાન) ટોપ-10માં ત્રીજો ભારતીય ઓલરાઉન્ડર છે. ODI બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં ત્રણ ભારતીયો યથાવત્ છે. ODI ફોર્મેટમાં ટોપ-10 બેટ્સમેનોની રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ પ્રથમ સ્થાને છે. આ પછી ભારતીય ખેલાડીઓ આગામી ત્રણ સ્થાનો પર છે. રોહિત શર્મા બીજા સ્થાને, શુભમન ગિલ ત્રીજા સ્થાને અને વિરાટ કોહલી ચોથા સ્થાન પર છે.

ODI બોલરોની રેન્કિંગમાં ભારતનો કુલદીપ યાદવ બે સ્થાનના છલાંગ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ પ્રથમ સ્થાને અને અફઘાનિસ્તાનનો રાશિદ ખાન બીજા સ્થાને છે. સૂર્યા T-20માં બીજા સ્થાને છે, T-20 બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ પ્રથમ સ્થાને અને ભારતના સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને છે. યશસ્વી જયસ્વાલ આ ફોર્મેટમાં નંબર-4 પર હાજર છે. જ્યારે ઋતુરાજ ગાયકવાડ નવમા સ્થાને છે. T-20 રેન્કિંગમાં કોઈ ભારતીય બોલર ટોપ-10માં નથી. રવિ બિશ્નોઈ સર્વોચ્ચ ક્રમાંકિત ભારતીય બોલર છે. તે 11મા નંબર પર છે. અક્ષર પટેલ 12મા સ્થાને છે.

Most Popular

To Top