મુંબઈ: યસ બેંક(Yes Bank) સાથે કરાયેલી છેતરપીંડી(Fraud) મામલે CBI એકશનમાં આવી છે. સીબીઆઈ(CBI)એ શનિવારે મુંબઈ(Mumbai) અને પુણે(Pune)માં શંકાસ્પદ લોકોની આઠ જગ્યાઓ અને ઓફિસો પર દરોડા(Raid) પાડ્યા હતા. જેમાં ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, દેશની મોટી રીયલ એસ્ટેટ કંપનીના એમડી શાહિદ બલવા અને અવિનાશ ભોસલેના મુંબઈમાં જ્યારે આ કંપનીના ચેરમેન વિનોદ ગોએન્કાના પુણેના સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ જ સીબીઆઈએ આ કેસમાં બિલ્ડર સંજય છાબરિયાની પણ ધરપકડ કરી હતી.
સંજય છાબરિયાની ધરપકડ બાદ દરોડા
માહિતી મુજબ સીબીઆઈની અલગ-અલગ ટીમોએ આ કાર્યવાહી કરી છે. પુણેમાં બિલ્ડર વિનોદ ગોએન્કાના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે, તો બીજી તરફ મુંબઈમાં કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓએ શાહિદ બલવા અને અવિનાશ ભોંસલેના નિવાસસ્થાન અને ઓફિસો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સંજય છાબરિયાની ધરપકડ બાદ સીબીઆઈએ આ કેસમાં પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે.
કોણ છે શાહિદ બલવા-વિનોદ ગોએન્કા?
શાહિદ ઉસ્માન બલવા દેશની અગ્રણી રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક ડીબી રિયલ્ટીના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) છે, જ્યારે વિનોદ ગોયન્કા આ કંપનીમાં ચેરમેન છે. બલવા પર ભૂતકાળમાં પણ વિવિધ પ્રકારના આરોપો લાગ્યા છે, જ્યારે સ્પેક્ટ્રમ કૌભાંડમાં પણ તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે શાહિદ બલવા અને વિનોદ ગોયન્કા પણ યસ બેંક ફ્રોડ કેસમાં સીબીઆઈના સ્કેનર હેઠળ આવ્યા છે.
સંજય છાબરિયાની ગુરુવારે થઈ હતી ધરપકડ
સીબીઆઈએ ગુરુવારે યસ બેંકના સ્થાપક રાણા કપૂર અને દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ (DHFL) વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં મુંબઈ સ્થિત રિયલ્ટી ઉદ્યોગસાહસિક સંજય છાબરિયાની ધરપકડ કરી હતી. રેડિયસ ડેવલપર્સના છાબરિયાને શુક્રવારે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 2020 માં, CBI એ DHFL દ્વારા કપૂર અને કપિલ વાધવન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં કેસ નોંધ્યો હતો. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે કપૂરે DHFLને નાણાકીય સહાય આપવા માટે વાધવાન સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.
વર્ષ 2018માં થયું હતું કૌભાંડ
સીબીઆઈ એફઆઈઆર અનુસાર, આ કૌભાંડ એપ્રિલ અને જૂન 2018 ની વચ્ચે શરૂ થયું હતું, જ્યારે યસ બેંકે DHFLના ટૂંકા ગાળાના ડિબેન્ચરમાં રૂ. 3,700 કરોડનું રોકાણ કર્યું હતું. બદલામાં વાધવાઓએ કપૂર અને તેમના પરિવારના સભ્યોને તેનો વ્યક્તિગત લાભ લીધો હતો અને DoIT અર્બન વેન્ચર્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડને લોન તરીકે રૂ. 600 કરોડ ચૂકવ્યા હતા. કપૂરની પુત્રીઓ રોશની, રાધા અને રાખી મોગરન ક્રેડિટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા DOIT અર્બન વેન્ચર્સના 100% શેરધારકો છે. યસ બેંક અને DHFL છેતરપિંડી કેસમાં CBI ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તપાસ કરી રહી છે.
એજન્સીએ આરોપ મૂક્યો છે કે DHFL દ્વારા ખૂબ જ ઓછી કિંમતની સબસ્ટાન્ડર્ડ પ્રોપર્ટી મોર્ટગેજ કરીને અને ખેતીની જમીનથી રહેણાંક જમીનમાં તેના ભાવિ લાભને ધ્યાનમાં રાખીને ડીએચએફએલ દ્વારા રૂ. 600 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. વધુમાં DHFL એ યસ બેન્ક દ્વારા તેના ડિબેન્ચરમાં રોકાણ કરાયેલી રૂ. 3,700 કરોડની રકમ આજ દિન સુધી રોકવામાં જ નથી આવી. આ સિવાય યસ બેંકે RKW ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડને 750 કરોડ રૂપિયાની લોન પણ મંજૂર કરી, જેના ડિરેક્ટર ધીરજ વાધવન છે.