વડોદરા: PMO અધિકારી તરીકે ઓળખ આપી તબીબોને ધમકી આપનાર વડોદરાના મયંક તિવારીના ઘરે સીબીઆઈ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અહીં રહેતા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી હતી.
નકલી PMO અધિકારી તરીકેની ઓળખ આપી ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલના એમ.ડી. ડો. અગ્રવાલને અન્ય એક હોસ્પિટલ સાથે ચાલતા રૂ. 16.43 કરોડના સમાધાન કરી લેવા માટે ધમકી આપતો હતો. આ મામલે ડો. અગ્રવાલે સીબીઆઈ માં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે સીબીઆઈએ આજે વડોદરામાં ધામ નાખ્યા હતા.
વડોદરાના ન્યુ સમાં રોડ ઉપર આવેલ રાંદલધામ સોસાયટીમાં સીબીઆઈએ મયંક તિવારીને નિવાસ્થાને ધામા નાખ્યા હતા. અને તેઓના અહીં રહેતા પરિવારની પૂછપરછ કરી હતી. જો કે આ અંગે સીબીઆઈના અધિકારીઓએ કઈ પણ જણાવ્યું ન હતું. મયંક તિવારી કેટલીક સંસ્થાઓને ધમકી આપવા માટે પી.એમ.ઓ. નું નામ વાતાવતો હોવાનું બહાર આવ્યું છે. આ ઠગે અગાઉ પોતાને ડાયરેક્ટર ઓફ સ્ટ્રેટેજિક એડવાઇઝર પણ બતાવતો હતો અને તેના વિરુદ્ધ અગાઉ વડોદરા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે. હાલ સીબીઆઈ દ્વારા ઠગ મયંક તિવારીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
ખાનગી યુનિ.માં રોફ જમાવી એડમિશન અપાવતો હતો
મયંક તિવારી અગાઉ પણ ચર્ચામાં આવી ચુક્યો છે. તે પોતાને પીએમઓ અધિકારી તરીકે બતાવી ખાનગી યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાનું કામ પણ કરતો હતો. અને વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી તગડી કિંમત પણ વસૂલતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ સંદર્ભે તેના વિરુદ્ધમાં વડોદરા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને તેની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
PMOનું નામ વટાવવાનો શોખ કે ટ્રેન્ડ?
પીએમઓના નામે અનેક લોકો અનેક વ્યક્તિઓને ઠગી ચુક્યા છે. અગાઉ બહુચર્ચિત કિરણ પટેલનું નામ બહાર આવ્યું હતું. જે સિકયુરિટી સાથે લોકોને ઝંઝાઓ અપાતા હતા. ત્યારે વડોદરા ણવધુ એક પ્રમોદ લાલનું નામ પણ બહાર આવ્યું હતું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમઓનું નામ વટાવતો હતો જો કે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ હવે મયંક તિવારી નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું હતું. ત્યારે એ ચર્ચાનો વિષય છે કે પીએમઓનું નામ વાતાવવાનો શોખ છે કે પછી રુઆબ જમાવવાનો ટ્રેન્ડ છે.