National

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પર સીબીઆઈની રેઈડ, આ છે કારણ

નવી દિલ્હી (NewDelhi) : સીબીઆઈએ (CBI) ગુરુવારે સવારે જમ્મુ અને કાશ્મીરના (Jammu&Kashmir) કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ (KiruHydroElectricProject) સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના (Corruption) કેસમાં પૂર્વ રાજ્યપાલ (Governor) સત્યપાલ મલિકના (SatyapalMalik) દિલ્હીના નિવાસસ્થાન અને કાર્યાલયની તપાસ કરી હતી.

આ સિવાય કેન્દ્રીય એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાં 30 સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. આ મામલો કિશ્તવાડમાં ચેનાબ નદી પર પ્રસ્તાવિત કિરુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે 2019માં રૂ. 2200 કરોડના સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે.

તમને જણાવી દઈએ કે સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ રાજ્યના રાજ્યપાલ હતા (તે સમયે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું ન હતું) ત્યારે તેમને પ્રોજેક્ટ સાથે સંબંધિત બે ફાઇલોને મંજૂરી આપવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે તેઓ 23 ઓગસ્ટ 2018 થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. ગયા મહિને પણ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં લગભગ 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

સીબીઆઈએ ગયા મહિને તેના દરોડામાં 21 લાખ રૂપિયાથી વધુની રોકડ ઉપરાંત ડિજિટલ ઉપકરણો, કમ્પ્યુટર્સ, સંપત્તિના દસ્તાવેજો રિકવર કર્યા હતા. કેન્દ્રીય એજન્સીએ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ (પ્રાઇવેટ) લિમિટેડ (CVPPPL) ના ભૂતપૂર્વ ચેરમેન નવીન કુમાર ચૌધરી, ભૂતપૂર્વ અધિકારીઓ એમએસ બાબુ, એમકે મિત્તલ અને અરુણ કુમાર મિશ્રા અને પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ચૌધરી જમ્મુ અને કાશ્મીર કેડર (હવે AGMUT કેડર) ના 1994-બેચના IAS અધિકારી છે.

કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપો શું છે?
મલિક પર એવો આક્ષેપ છે કે કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત સિવિલ વર્કસની ફાળવણીમાં ઇ-ટેન્ડરિંગ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હતું. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે CVPPPLની 47મી બોર્ડ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રિવર્સ ઓક્શનિંગની સાથે ઈ-ટેન્ડરિંગ દ્વારા કોન્ટ્રાક્ટની ફરીથી ફાળવણી કરવામાં આવશે. પરંતુ ચાલુ ટેન્ડર પ્રક્રિયા રદ થયા બાદ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો અને CVPPPLની 48મી બોર્ડ મીટીંગમાં અગાઉની મીટીંગનો નિર્ણય પલટાયો હતો.

કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ શું છે?
કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ (624 મેગાવોટ) જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સ્થિત ચેનાબ નદી પર પ્રસ્તાવિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ 7 માર્ચ 2019ના રોજ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (CVPPPL) દ્વારા કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (624 મેગાવોટ)ના નિર્માણ માટે રોકાણને મંજૂરી આપી હતી.

આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અંદાજિત ખર્ચ 4287.59 કરોડ રૂપિયા થશે. તેના બાંધકામની જવાબદારી ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (CVPPPL) નામની કંપનીની છે, જે NHPC, જમ્મુ અને કાશ્મીર સ્ટેટ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન (JKSPDC) અને PTCનું સંયુક્ત સાહસ છે.

Most Popular

To Top