નવી દિલ્હી (New Delhi): એક સમયે સુરતના પોલીસ કમિશનર રહી ચૂકેલા રાકેશ અસ્થાનાનાને (Rakesh Asthana) લઇને મોટા સમાચાર આવ્યા છે. CBIએ તેના પૂર્વ સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને તેમના પર લાગેલા લાંચના તમામ આરોપોમાંથી મુક્ત કરી ક્લીનચીટ આપી હોવાનું જાણવા મળ્યુ છે. ફાર્મા કંપની સ્ટર્લિંગ બાયોટેકે (Sterling Biotech) રાકેશ અસ્થાના વિરુદ્ધ કરોડોની લાંચ માંગવાનો આરોપ કર્યો હતો.
આ આ પ્રકારનો લાંચનો (Bribe case) બીજો કેસ છે, જેમાં CBIએ રાકેશ અસ્થાનાને ક્લીનચીટ આપી છે. આ પહેલા માંસનો ધંધો કરતા મોઇન કુરેશીએ કરેલી ફરિયાદના આરોપોમાં પણ CBIએ રાકેશ અસ્થાનાને ક્લીનચીટ આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે સીબીઆઈના ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયેલા આર કે શુક્લાએ જાન્યુઆરીના મધ્યમાં રાકેશ અસ્થાના અને અન્ય લોકોને ક્લિનચીટ આપીને ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા.
કહેવામાં આવ્યુ છે કે આ નિર્ણય તપાસ ટીમ, સુપરવાઇઝરી અધિકારીઓ અને સક્ષમ અધિકારીઓનો સર્વસંમત અભિપ્રાય હતો. સીબીઆઈએ 30 ઑગસ્ટ 2017 ના રોજ ભ્રષ્ટાચારના આરોપમાં ત્રણ અધિકારીઓ, સ્ટર્લિંગ બાયોટેક અને અજાણ્યા જાહેર સેવકો સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસ વર્ષ 2011માં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સ્ટર્લિંગ બાયોટેકના પ્રમોટર્સ, ભાઈઓ ચેતન અને નીતિન સંડેસરાના પરિસરમાંથી જપ્ત કરવામાં આવેલી ડાયરીના આધારે કરવામાં આવ્યો હતો.
ડાયરીની નોંધ પર આધાર રાખીને સીબીઆઈના તત્કાલિન ડિરેક્ટર આલોક વર્માએ રાકેશ અસ્થાના પર સાંડેસરા ભાઈઓ પાસેથી આશરે 4 કરોડની લાંચ લેવાનો આરોપ મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, “ડાયરી ઉપર અસ્થાના વિરુદ્ધ લખાયેલા 12 અંકોની તપાસ કરવામાં આવી હતી, ત્યાં ક્યાંય આવું બેંક ખાતું નહોતું. ત્રણ વર્ષીય તપાસમાં દરેક પાસાની વિગતવાર તપાસ કરવામાં આવી હતી, અને પુરાવા ન મળતા તપાસ ટીમે અભિપ્રાય આપ્યો છે કે કેસ બંધ થવો જોઈએ “.
2017 માં આલોક વર્માએ (Alok Verma) રાકેશ અસ્થાનાની વિશેષ નિયામક તરીકે નિમણૂકનો વિરોધ કર્યો હતો છતાં અસ્થાનાની નિમણૂક કરવામાં આવી હતી. જો કે પછીના વર્ષે આ જ કેસના સંદર્ભમાં રાકેશ અસ્થાનાને CBIમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો. રાકેશ અસ્થાનાના વકીલ અમિત આનંદ તિવારીએ કહ્યું કે, ‘નિષ્પક્ષ તપાસમાં હવે સાબિત થયું છે કે રાકેશ અસ્થાનાને આ કેસમાં સીબીઆઈના તત્કાલીન નિયામક દ્વારા કેટલાક અન્ય અધિકારીઓ સાથે ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા.’.