સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં વરસાદે (Rain) ધબધબાટી બોલાવતા લોકમાતાઓ (River) અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી ગાંડીતુર હાલતમાં વહેતી જોવા મળી હતી. ડાંગમાં ધોધમાર વરસાદથી સતત બીજા દિવસે સાતથી વધુ કોઝવે પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 12 થી વધુ ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયુ હતુ. ડાંગનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચવિહીરનાં શિક્ષકની કાર નીચાણવાળા કોઝવે પુલને પાર કરતી વેળાએ પાણીમાં ડૂબી હતી. ધોધમાર વરસાદને પગલે જિલ્લાનાં આહવા તાલુકાનાં ત્રણ અને વઘઇ તાલુકાનાં ચાર માર્ગો મળી કુલ સાતથી વધુ માર્ગો અને કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા બંધ કરાયા છે. જેથી 12થી વધુ ગામો પ્રભાવિત થયા છે. હાલમાં વરસાદી પાણી નહીં ઉતરે ત્યાં સુધી વાહનચાલકોને આ માર્ગોને બદલે, તંત્રે સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
વધુમાં ડાંગ જિલ્લાની ચોમાસાની ખૂબસુરતીને માણવા આવતા પ્રવાસીઓને નદી, નાળા, જળધોધ, ખીણો, કોતરો અને ડુંગરો પાસે જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. ડાંગ જિલ્લા ડીઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન આહવામાં 87 મી.મી અર્થાત 3.48 ઈંચ (મૌસમનો કુલ 2155 મી.મી.), વઘઇ પંથકમાં 64 મી.મી અર્થાત 2.56 ઈંચ (મૌસમનો કુલ 2111 મી.મી.), સુબિર પંથકમાં 59 મિમી અર્થાત 2.36 ઈંચ (મૌસમનો કુલ 2000 મી.મી.) જ્યારે ગિરિમથક સાપુતારામાં 54 મિમી અર્થાત 2.16 ઈંચ (મૌસમનો કુલ 2079 મી.મી.) વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લાનાં આટલા માર્ગો બંધ કરાયા
ડાંગ જિલ્લા પંચાયતનાં કાર્યપાલક ઈજનેર રાજુભાઇ ચૌધરી તરફથી મળેલી વિગતો મુજબ આહવા તાલુકાનાં (1) સતી-વાંગણ-કુતરનાચ્યા રોડ (2) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ તથા (3) બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, ઉપરાંત વઘઇ તાલુકાનાં (1) નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ (3) ખાતળ ફાટકથી ધોડી રોડ અને (4) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ આવાગમન માટે બંધ કરાયા છે.
પલસાણાના બલેશ્વરમાં ખાડીના પાણી ફરી વળતા 32 પરિવાર ફસાયા
પલસાણા: પલસાણાના બલેશ્વર ગામે ટાંકી ફળિયામાં બત્રીસ ગંગા ખાડીના પાણી ફરી વળતાં 32 જેટલા પરિવાર ફસાઈ ગયા હતા. પલસાણા પોલીસ અને મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની મદદથી તમામને બહાર કાઢ્યા હતા. બલેશ્વર ગામે બત્રીસ ગંગા ખાડીમાં ઘોડાપૂર આવવાથી હાઇવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. ઉપરવાસમાંથી પાણી વધુ આવતાં ખાડી કિનારે આવેલું ટાંકી ફળિયું બેટમાં ફેરવાયું હતું. અને 32 જેટલા પરિવારનાં ઘરોમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું. પાણી ભરવાના કારણે ઘરવખરીને વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. જોતજોતામાં પાણીનું લેવલ વધતાં પલસાણા મામલતદાર અને પલસાણા પોલીસ સબ ઈન્સ્પેક્ટર ચેતન ગઢવીએ સ્થળ નિરીક્ષણ કરી બારડોલીની ફાયરની ટીમને બોલાવી હતી. અને ટીમે રેસ્ક્યુ કરી તમામ પરિવારને હોડીમાં બેસાડી બહાર કાઢ્યા હતા. કેટલાક નાગરિકોએ પોતાનું મકાન છોડી બહાર નીકળવાની ના પાડતાં ગામના સરપંચ સુફિયાન પઠાણ, આગેવાન ઇસ્માઇલ અબોવત તેમજ હાજર અધિકારીઓએ સમજાવી તેમને બહાર કાઢ્યા હતા અને ગુજરાતી શાળામાં રહેવાની વ્યવસ્થા કરી હતી.