વડોદરા: શહેરમાં રખડતા ઢોરોએ જાણે આંતક મચાવ્યો છે. અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના કારણે કેટલાક નિર્દોષ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે. અને કેટલાક બનાવમાં તેમને જીવ ખોવાનો પણ વારો આવતો હોય છે. જો કે વડોદરા મહાનગરપાલીકા હાલ રખડતા ઢોરોને પકડવાની કામગીરી ચલાવી રહી છે. આ કામગીરીમાં કેટલાક ગૌપાલકો ઢોર પાર્ટીના કર્મચારીઓ તેમની ગાય ન પકડી જાય તેના માટે વગર કોઈની બીકે આમને સામને આવી જતા હોય છે. તેવામાં ગાજરાવાડી વિસ્તારમાં એક મામલો સામે આવ્યો હતો. જેમાં ઢોર પકડવા ગયેલા ઢોર પાર્ટીના કર્મચારી પર ગૌપાલકોએ હુમલો કર્યો હતો.
મળતી વિગતો મુબજ, મુળ મહારાષ્ટ્રના અને હાલ વડોદરા મકરપુરા વિસ્તારની રાજીવનગર સોસાયટીમાં રહેતા અરૂણ રામરાવ દેવરે(ઉ.વ.44) વડોદરા મહાનગરપાલીકામાં કેટલ(ઢોર) પાર્ટીમાં કોન્ટ્રેક્ટ બેઝ પર નોકરી કરે છે. ગતો રોજ તેઓ પાણીગેટ વિસ્તારમાં ઢોર પકડવા બે અલગ-અલગ ટીમો સહિત માંજલપુર પોલીસ તથા મકરપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે ગયા હતા.દરમિયાન ગાજરાવાડી આર.સી.સી રોડ મહાકાળી મંદિર પાસે રખડતી ગાય જણાતા તેને પકડી લેવામાં આવી હતી.
આ દરમિયાન ગાયને ટ્રેક્ટરમાં ચડાવતા સમયે એક મહિલા સહિત ચાર જણા ધસી આવ્યા હતા અને ગાય છોડી દો તેમ કહી અરૂણભાઈ સાથે ઝપાઝપી કરી બળજબરીથી ગાય છોડાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ આવી જતા તે ચાર ભાગી ગયા હતા. જો કે એક શખ્સ પકડાઈ જતા તેનું નામ તુષાર નટુભાઈ રબારી હોવાનું જાણવા મળ્યું હતું. અને અન્ય ત્રણનું નામઠામ તેને પુછતા લાખાભાઈ રબારી, જશીબેન રબારી તથા મિતેષ ઉર્ફે મિતીયો રબારી જાણવા મળ્યું હતું. પાણીગેટ પોલીસે આ મામલે ગુનો નોંધી ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહાનગર પાલિકાની ઢોર પાર્ટી અને ગૌપાલકો સાથે વારંવાર થતા ઘર્ષણના બનાવો
મેયર કેયુર રોકડિયા દ્વારા હાસ્યાસ્પદ નિવેદન કરવામાં આવ્યું હતું કે 15 દિવસમાં શહેરને ઢોર મુક્ત કરવામાં આવશે. જો કે 15 દિવસ ને બદલે 95 દિવસથી વધુ સમય થઇ ગયો હોવા છતાં પણ વડોદરા શહેરમાં હજુ પણ ઢોરોનું ઝુંડ રસ્તા પર ફરે છે. અને ઢોરના કારણે કેટલાક રાહદારીઓ ઇજાગ્રસ્ત પણ થયા છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની ટકોર બાદ પાલિકા દ્વારા ઢોર પકડવાની 10 ટીમો બનાવવામાં આવી છે અને ઢોર પાર્ટી દ્વારા ગોપાલ ઢોર પકડવા જાય ત્યારે ગોપાલકો સાથે ઘર્ષણના બનાવો પણ બને છે.થોડા દિવસ અગાઉ ગોરવા વિસ્તારમાં પણ પોલીસ અને પાલિકા દ્વારા ઢોર પકડવા જતા ગોપાલકો ઘર્ષણ થયુ હતું અને ગતરોજ ઢોર પાર્ટી ની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગાજરાવાડી વિસ્તારમાં ગઈ હતી ત્યારે ગોપાલકો સાથે પણ ઘર્ષણ થયું હતું જોકે ઢોર પાર્ટી એ ગાયને છોડી ન હતી અને ઢોર ડબ્બામાં પૂરી દીધી હતી.