રાંચી: (Ranchi) ઝારખંડના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો (MLA) કેશ ટ્રેપ કેસમાં ફસાયા બાદ રાજ્યમાં રાજકીય હલચલ મચી ગઈ છે. પાર્ટીએ ત્રણ ધારાસભ્યો ઈરફાન અંસારી, રાજેશ કચ્છપ અને નમન વિક્સલ કોંગડીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. હાવડા પોલીસે ત્રણેય ધારાસભ્યો સહિત 5 લોકોની ધરપકડ કરી છે. આ દરમિયાન ઝારખંડમાં કોંગ્રેસના (Congress) ધારાસભ્ય કુમાર જયમંગલ સિંહ ઉર્ફે અનૂપ સિંહે ત્રણ ધારાસભ્યોને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ ધારાસભ્યોએ તેમને ફોન પર અન્ય ધારાસભ્યને લાવવાની ઓફર પણ કરી હતી. તેમજ દરેક ધારાસભ્યને 10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
કોંગ્રેસે જંગી રોકડ સાથે ઝડપાયેલા તેના ત્રણેય ધારાસભ્યો સામે મોટી કાર્યવાહી કરીને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. ઝારખંડ કોંગ્રેસના મહાસચિવ અને પ્રભારી અવિનાશ પાંડેએ આ માહિતી આપી છે. સસ્પેન્શનના થોડા સમય પછી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જણાવી દઈએ કે શનિવારે જામતારાથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પૈકી ઈરફાન અંસારી ખિજરીથી તેમજ રાજેશ કચ્છપ અને નમન બિક્સલ કોલેબીરાથી મોટી રોકડ સાથે ઝડપાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે તેમની કારમાંથી લગભગ 48 લાખ રૂપિયા રિકવર કર્યા છે. સ્પેશિયલ ઇનપુટ મળ્યા બાદ પોલીસે શનિવારે એક એસયૂવીને રોકી હતી, જેમાં હાવડાના રાનીહાટીમાં કોંગ્રેસ ધારાસભ્ય ઇરફાન અંસારી, રાજેશ કચ્છપ અને નમન બિક્સલ કોંગારી નેશનલ હાઇવે-16 પર યાત્રા કરી રહ્યા હતા અને કથિત રીતે ગાડીમાં ભારે માત્રામાં કેશ મળી આવી હતી. રોકડ એટલી બધી હતી કે રોકડની ગણતરી માટે કાઉન્ટીંગ મશીનો પણ મંગાવવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે એસયૂવીમાં ધારાસભ્યો ઉપરાંત બે અન્ય લોકો પણ હતા. આ કારના એક બોર્ડ પર કોંગ્રેસના ચૂંટણીના ચિન્હની સાથે જ ‘ધારાસભ્ય જામતાડા ઝારખંડ’ લખ્યું હતું.
આ મામલાને લઈને બરમોના કોંગ્રેસના ધારાસભ્ય અનૂપ સિંહે રાંચીના અરગોરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. જેમાં એવું કહેવાય છે કે કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો ભાજપના નેતાઓ દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. કેટલાક ધારાસભ્યોને ફસાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. બેરમો ધારાસભ્યએ પશ્ચિમ બંગાળમાં ધરપકડ કરાયેલા ત્રણ ધારાસભ્યો પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેમને કોલકાતા આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તેઓ ધારાસભ્યને સાથે લાવશે તો દરેક ધારાસભ્ય દીઠ તેમને 10 કરોડ રૂપિયા આપવામાં આવશે.