Business

નેશનલ હેરાલ્ડના કેસમાં શું ૨,૦૦૦ કરોડ રૂપિયાની ગોલમાલ થઈ છે?

રાજાની પત્ની જેમ શંકાથી પર હોવી જોઈએ તેમ દેશનું શાસન કરવા માગતા નેતાઓ પણ શંકાથી પર હોવા જોઈએ. જો રાજનેતાઓ ભ્રષ્ટ હોય તો દેશની તિજોરી પર ધાડ પાડી શકે છે. આજકાલ નેશનલ હેરાલ્ડના કેસમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછનો વિવાદ ગાજી રહ્યો છે. દેશના કોઈ પણ નાગરિક સામે ફોજદારી કેસ થાય અને તેની પૂછપરછ કરવામાં આવે તે સામાન્ય ઘટના ગણાવી જોઈએ, પણ કોંગ્રેસના નેતાઓ તેને રાજકીય રંગ આપી રહ્યા છે. ઇડી દ્વારા થનારી પૂછપરછને ટાળવા પહેલાં સોનિયા અને રાહુલે કોરોનાનું બહાનું કાઢ્યું. પછી સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. રાહુલ ગાંધીની પહેલા દિવસે ૧૦ કલાક પૂછપરછ કર્યા પછી કામ બાકી રહ્યું તો તેમને બીજા દિવસે પણ બોલાવવામાં આવ્યા હતા. ઇડીના અધિકારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે, પણ કોંગ્રેસના કાર્યકરોને લાગે છે કે તેમના નેતાને કનડવામાં આવી રહ્યા છે. આ નિમિત્તે નેશનલ હેરાલ્ડનો કેસ જાણવો જરૂરી છે.

આઝાદીની લડત દરમિયાન બ્રિટીશ રાજનો વિરોધ કરવા જે અનેક વર્તમાનપત્રો ચાલુ કરવામાં આવ્યાં, તેમાં નેશનલ હેરાલ્ડનો પણ સમાવેશ થતો હતો. નેશનલ હેરાલ્ડનો પ્રારંભ ૧૯૩૮માં કરવામાં આવ્યો હતો અને તેના પહેલા તંત્રી પંડિત જવાહરલાલ નેહરુ હતા. નેશનલ હેરાલ્ડની માલિકી એસોસિયેટેડ જર્નલ લિમિટેડ નામની કંપનીને સોંપવામાં આવી હતી, જેના માલિકો તેના ૫,૦૦૦ શેરહોલ્ડરો હતા. ભારતને આઝાદી મળી તે પછી નેશનલ હેરાલ્ડ અખબર કોંગ્રેસ પક્ષનું મુખપત્ર બની ગયું. તેની ઉર્દૂ આવૃત્તિ ‘કૌમી આવાઝ’ના નામે અને હિન્દી આવૃત્તિ ‘નવજીવન’ના નામે શરૂ કરવામાં આવી. જવાહરલાલ નેહરુ ભારતના વડા પ્રધાન બન્યા તે પછી તેમણે નેશનલ હેરાલ્ડના ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું પણ તેનો વહીવટ કોંગ્રેસના હાથમાં રહ્યો.

૨૦૦૮માં નેશનલ હેરાલ્ડ બંધ થયું ત્યારે તેના માથે ૯૦.૨૫ કરોડ રૂપિયાનું દેવું હતું. નેશનલ હેરાલ્ડના માથે જે ૯૦.૨૫ કરોડ રૂપિયાનું દેવું હતું તે રકમ તેને કોંગ્રેસ પક્ષ દ્વારા વ્યાજમુક્ત લોનના રૂપમાં આપવામાં આવી હતી. નેશનલ હેરાલ્ડ પાસે ૯૦.૨૫ કરોડ રૂપિયાનાં દેવાં સામે ચળ-અચળ મિલકતો પણ હતી, જેની બજારકિંમત આશરે ૨,૦૦૦ કરોડ રૂપિયા હતી. ૨૦૧૦માં નેશનલ હેરાલ્ડને ફરી શરૂ કરવા માટે યંગ ઇન્ડિયા લિમિટેડ નામની નવી કંપનીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ રાહુલ ગાંધી હતા. તેના બીજા ડિરેક્ટરોમાં સોનિયા ગાંધી, ઓસ્કાર ફર્નાન્ડિઝ, મોતીલાલ વોરા, સુમન દુબે, સામ પિત્રોડા વગેરેનો સમાવેશ થતો હતો.

૨૦૧૦માં નેશનલ હેરાલ્ડની હોલ્ડિંગ કંપની એસોસિયેટેડ જર્નલ લિમિટેડના માત્ર ૧૦૫૭ શેરહોલ્ડરો હયાત હતા, જેમાં ભૂતપૂર્વ કાયદા પ્રધાન શાંતિભૂષણનો અને મદ્રાસ હાઈ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ માર્કંડેય કાત્જુનો પણ સમાવેશ થતો હતો. ૨૦૧૧માં આ ૧૦૫૭ શેરહોલ્ડરોને પૂછ્યા વિના તેમના શેરો નવી બનેલી કંપની યંગ ઇન્ડિયા લિમિટેડ કંપનીના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા. એસોસિયેટેડ જર્નલ કંપનીને માથે જે ૯૦.૨૫ કરોડ રૂપિયાનું દેવું હતું તે નવી કંપનીના માથે ટ્રાન્સફર કરવામાં આવ્યું. તેની સાથે નેશનલ હેરાલ્ડની ૨,૦૦૦ કરોડની સંપત્તિ પણ નવી કંપનીના હાથમાં આવી ગઈ. નવી કંપનીએ ૯૦.૨૫ કરોડ રૂપિયાના દેવાં સામે માત્ર ૫૦ લાખ રૂપિયાની ચૂકવણી કરી. કોંગ્રેસ પક્ષ દ્વારા બાકીના ૮૯.૭૫ કરોડ રૂપિયા ઉદારતાથી માફ કરી દેવામાં આવ્યા. આ રીતે ૨,૦૦૦ કરોડની સંપત્તિ નવી કંપનીના હાથમાં માત્ર ૫૦ લાખ રૂપિયામાં આવી ગઈ. ભારતીય જનતા પક્ષના નેતા સુબ્રમણ્યમ સ્વામીના ધ્યાનમાં આ ગોટાળો આવ્યો. તેમને થયું કે નેશનલ હેરાલ્ડના કેસમાં મોટું કૌભાંડ થયું છે.

૨૦૧૨માં તેમણે દિલ્હીની એક ટ્રાયલ કોર્ટમાં યંગ ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટરો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સુમન દુબે વગેરે વિરુદ્ધ નાણાંકીય ઉચાપતની ફરિયાદ દાખલ કરી. સુબ્રમણ્યમ સ્વામીના દાવા મુજબ યંગ ઇન્ડિયા લિમિટેડ કંપની માત્ર પાંચ લાખ રૂપિયાની મૂડી સાથે શરૂ થઈ હતી. તેણે કોલકાતાની બોગસ કંપની ડોટેક્સ મર્કન્ડાઇઝ પાસેથી ૧ કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેમાંથી ૫૦ લાખ રૂપિયા તેણે કોંગ્રેસ પક્ષને ૯૦.૨૫ કરોડ રૂપિયાના દેવાં સામે ચૂકવી દીધા હતા. કોંગ્રેસ પક્ષે બાકીના ૮૯.૭૫ કરોડ રૂપિયા માફ કર્યા હતા. આ રીતે માત્ર પાંચ લાખ રૂપિયાની મૂડીથી ઊભી કરવામાં આવેલી કંપનીના હાથમાં નેશનલ હેરાલ્ડની ૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિની માલિકી આવી ગઈ હતી. આ કંપનીના ડિરેક્ટરો કોંગ્રેસ પક્ષના નેતાઓ હતા, જેમણે પોતાની મોટી મૂડી તેમાં રોકી નહોતી.

સુબ્રમણ્યમ સ્વામીના દાવા મુજબ કોંગ્રેસ પક્ષને કોઈ પણ કંપનીને ૯૦.૨૫ કરોડ રૂપિયાની લોન આપવાનો જ અધિકાર નહોતો, કારણ કે ઇન્કમ ટેક્સના કાયદા મુજબ રાજકીય પક્ષને મળેલું દાન ઇન્કમ ટેક્સથી મુક્ત હોય છે. તેઓ કોઈ ત્રીજી પાર્ટીને દાન આપી શકતા નથી. કોંગ્રેસે નેશનલ હેરાલ્ડને આપેલી લોન માફ કરી હોવાથી તેણે દાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વળી કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા નેશનલ હેરાલ્ડને આપવામાં આવેલી ૯૦.૨૫ કરોડની લોન પૈકી ૮૯.૭૫ કરોડની લોન માફ કરીને તેમણે ૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પર કબજો જમાવી દીધો હતો.

કોંગ્રેસ પક્ષનો બચાવ એવો છે કે નેશનલ હેરાલ્ડની સંપત્તિ કોંગ્રેસ પક્ષની સંપત્તિ હતી, કારણ કે તે પક્ષનું મુખપત્ર હતું. ૨૦૧૦માં જે યંગ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની ઊભી કરવામાં આવી તે પણ કોંગ્રેસ પક્ષની પેટાસંસ્થા જેવી હતી. તેનો ઉદ્દેશ નેશનલ હેરાલ્ડને ફરી શરૂ કરવાનો હતો. ૨૦૧૬માં તેણે નેશનલ હેરાલ્ડને બદલે બીજાં ત્રણ મેગેઝિનો શરૂ પણ કર્યાં હતાં. સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે જો કોંગ્રસના નેતાઓ નેશનલ હેરાલ્ડ ફરીથી શરૂ કરવા માગતા હતા તો તેમણે નવી કંપની શરૂ કરવાની શું જરૂર હતી? તેઓ જૂની કંપનીના નામે પણ તે કામ કરી શકતા હતા.

૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપના મોરચાની સરકાર આવી તે પછી તરત જ સુબ્રમણ્યમ સ્વામીના કેસમાં દિલ્હીની ટ્રાયલ કોર્ટ દ્વારા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી વગેરેને સમન્સ મોકલવામાં આવ્યાં. કોંગ્રેસના નેતાઓ તેની સામે દિલ્હી હાઈ કોર્ટમાં ગયા. દિલ્હી હાઈ કોર્ટે સમન્સ કેન્સલ કર્યાં. તે જ વર્ષે ઇડી દ્વારા મની લોન્ડરિંગના આક્ષેપોની તપાસ શરૂ કરવામાં આવી. દિલ્હી હાઈ કોર્ટના આદેશ સામે સુબ્રમણ્યમ સ્વામી સુપ્રિમ કોર્ટમાં ગયા. સુપ્રિમ કોર્ટે તેમને હાઈ કોર્ટમાં જવા કહ્યું. આ વખતે હાઈ કોર્ટે પણ કબૂલ કર્યું કે નેશનલ હેરાલ્ડના કેસમાં કંઈક શંકા પેદા કરે તેવા સોદાઓ થયા છે.

૨૦૧૬માં સુપ્રિમ કોર્ટે કોંગ્રેસના પાંચ નેતાઓ સામે ચાલતો કેસ સ્થગિત કરવાનો ઇનકાર કર્યો, પણ તેમને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી.  ઇન્કમ ટેક્સ વિભાગે રાહુલ ગાંધીને નોટિસ મોકલી કે તેમની પાસે જે યંગ ઇન્ડિયા લિમિટેડના શેરો છે, તેમાં ૧૫૪ કરોડ રૂપિયાનો નફો થયો હોવાથી તેમણે ૨૪૯.૧૫ કરોડ રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. આ બાજુ કેન્દ્ર સરકારે દિલ્હીમાં નેશનલ હેરાલ્ડનું લીઝ કેન્સલ કર્યું છે. તેનું મકાન ખાલી કરાવવા સામે સુપ્રિમ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. કોંગ્રેસના નેતાઓ આ કૌભાંડમાં ખરેખરા ભેરવાઈ ગયા લાગે છે. તેને કારણે ગાંધીપરિવારની શાખ ન બગડે તે માટે દેશભરમાં દેખાવોનું આયોજન કરાઈ રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top